મહિલા કાર્યકરો સામે અભદ્ર ભાષા બોલીને મેહુલ લાખાણી ફસાયા..
કમલમ્ સુધી મામલો પહોંચ્યો...
પ્રભારી મંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરાશે ?...
આ મુદ્દે વડોદરાનાં ધારાસભ્યો અને સાંસદ ચુપ કેમ ?...
મેહુલ લાખાણીની અભદ્ર ટિપ્પણીએ વડોદરામાં ચર્ચા જગાવી
મહિલા કાર્યકરોની હાજરીમાં કરેલી ટિપ્પણી બાદ પ્રદેશ કક્ષાએ ફરિયાદ પહોંચી..
આ મામલે પ્રદેશ કક્ષાએ જાણ કરી છે.
– ડૉ. જયપ્રકાશ સોની, શહેર ભાજપ પ્રમુખ....
કેવડિયા એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા જઇ રહેલા વડોદરાના કાર્યકરો, પૂર્વ ધારાસભ્યો અને કોર્પોરેટરોની બસમાં બેઠેલા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન મેહુલ લાખાણીએ કરેલી અભદ્ર ટિપ્પણીના ભારે પ્રત્યાઘાત પડ્યા છે. મહિલાઓની હાજરીમાં ભાજપનો કોઈ કાર્યકર આ પ્રકારનું નિવેદન આપે તે કેટલું યોગ્ય છે? તે અંગે ભાજપના વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.આ સમગ્ર ઘટનાની નોંધ શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ લીધી છે અને તેમણે આ મામલે પ્રદેશ કક્ષાએ પણ જાણ કરી હોવાનું જણાવ્યું છે. આ ઘટનાએ કમોસમી વરસેલા મેહુલ લાખાણીની ચાલ અને ચારિત્ર્ય વડોદરાની જનતા અને ભાજપના નેતાઓ સમક્ષ ઉજાગર કરી નાખ્યું છે. મેહુલ લાખાણી આધેડ વયના છે, અને તેમણે બસમાં એવી ટિપ્પણી કરી કે જાણે ગોવા કે દમણની પિકનિક માટે જતા હોય. તેમણે કહ્યું કે, “ભાઈ, કોઈ મદિરા કે અપ્સરાની વ્યવસ્થા નથી ”કાર્યકરોમાં ચર્ચા તમે વર્ષોથી ભાજપમાં કાર્યરત છો અને એક જમાનામાં યુનિવર્સિટીના નેતા પણ રહ્યા છો, તો આવી હરકત કરવી તમને શોભે છે? અગાઉ પણ તમે એક કાંડમાં સંડોવાયેલા હતા, જેના કારણે તમને શિક્ષણ સમિતિના ચેરમેનપદથી વંચિત કરવામાં આવ્યા હતા. છતાં તમે સુધર્યા નથી અને વારંવાર આવી હરકતો કરતા રહો છો.આ બનાવની નોંધ હવે પ્રદેશ કક્ષાએ લેવાઈ હોવાથી મેહુલ લાખાણી માટે ભાજપમાં આગળ વધવું મુશ્કેલ બની શકે છે. બાળ કલ્યાણ સમિતિ જેવી અગત્યની સમિતિના ચેરમેન તરીકે આવી ટિપ્પણી કરવી અયોગ્ય છે. મહિલા કાર્યકરો અને પૂર્વ ધારાસભ્યો સુધી બધા જ આ વર્તનથી શરમમાં મુકાઈ ગયા હતા. માનનીય વડાપ્રધાનના એકતા કાર્યક્રમમાં ભાગ લેવા જતી બસમાં આવી વાત કરવી શિષ્ટાચાર વિરુદ્ધ છે. સરકારે તાત્કાલિક અસરથી મેહુલ લાખાણીને બાળ કલ્યાણ સમિતિમાંથી હટાવવા જોઈએ. આવી ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે તેઓ ભૂતકાળમાં પણ આવી “ફેસિલિટી” ભોગવી ચૂક્યા હોય તેમ લાગણી થતી હોવાથી હવે તેમની માનસિકતા પર સવાલ ઊભા થયા છે.
મેં આ મામલે પ્રદેશ કક્ષાએ જાણ કરી છે.
– ડૉ. જયપ્રકાશ સોની, શહેર ભાજપ પ્રમુખ
મહિલાઓનો આક્રોશ: અશોભનીય વર્તન સહન નહી
મહિલાઓની હાજરીમાં અભદ્ર શબ્દો ઉચ્ચારનારા લોકો પાસે મહિલા સન્માનની વાત કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આવા હલકા મનના અને રંગીન મિજાજી નેતાઓની હિંમત તો જુઓ કે મહિલાઓ સમક્ષ પણ શાલીનતા ભૂલી જતા હોય. મહિલાઓનું સન્માન જાળવવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે, પરંતુ સ્ત્રી વિરોધી માનસિકતા ધરાવનાર લોકો એ બાબતને હાસ્યાસ્પદ બનાવી રહ્યા છે.વડોદરાની તેમજ સમગ્ર ગુજરાતની મહિલાઓ તરફથી અમારી માંગ છે કે વડોદરા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન મેહુલ લાખાણીને તરત જ પદ પરથી હટાવવામાં આવે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તથા વડોદરા શહેરની ધારાસભ્ય મનિષા વકીલે આ નિવેદનને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં લે.–
ચંદ્રિકા સોલંકી, મહિલા અગ્રણી
Reporter: admin







