કમિશનર અને ડે.કમિશનર કૌંભાડીઓને બચાવવાના પ્રયાસો

વડોદરા કોર્પોરેશનના કમિશનર અને ડે કમિશનર કૌંભાડો કરનારા તેમના જ અધિકારીઓને છાવરી રહ્યા હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. વડોદરા ફાયર બ્રિગેડના સીએફઓ મનોજ પાટીલ તથા સ્ટોર ઇન્ચાર્જ કૌશલ શાહની મિલીભગતમાં ફાયર બ્રિગેડ માટે ઇ - ટેન્ડર દ્વારા 3.81 કરોડના ખર્ચે વિવિધ સાધનોની ખરીદી કરાઇ હતી. તેની તપાસ માટે સમિતી બનાવાયા બાદ સમિતીને 29 જુલાઇ સુધી રિપોર્ટ સુપરત કરવાનો હતો પણ સમય મર્યાદા કરતા 4 દિવસ વિતી ગયા હોવા છતાં તપાસ સમિતી હજુ સુધી આ મામલે તપાસ અહેવાલ સુપરત કરી શકી નથી અને તે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે આ બંને અધિકારીને છાવરવા માટે જ આ તપાસ ધીમી ગતિએ થાય તેવા આદેશ અધિકારીઓ દ્વારા જ અપાયા છે. આ ખરીદીમાં ગોટાળા હોવાનું બહાર આવ્યા બાદ મ્યુનિ.કમિશનરે ડે.કમિશનર ગંગા સિંઘની આગેવાની હેઠળ ચાર સભ્યોની તપાસ સમિતી નિમી તપાસ કરવા આદેશ કર્યો હતો. આ હુકમ 26 જુલાઇએ કરાયો હતો અને તપાસ સમિતીએ 3 દિવસમાં અહેવાલ રજૂ કરવાનું જણાવાયું હતું અને 29 જુલાઇએ રિપોર્ટ સબમીટ કરવાનો હતો પણ 29 જુલાઇ બાદ બીજા ચાર દિવસ વીતી ગયા પછી પણ તપાસ સમિતીએ તપાસ અહેવાલ હજુ મ્યુનિ.કમિશનરને સોંપ્યો નથી. અને જો સોંપ્યો હોય તો કમિશનર તેને જાહેર કરવા માગતા નથી અને જો તે સાચું હોય તો કમિશનર જ ફાયર બ્રિગેડના સીએફઓ અને સ્ટોર ઇન્ચાર્જને બચાવાના પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે તે સીએફઓ મનોજ પાટીલે સ્ટોર ઇન્ચાર્જ કૌશલ શાહના મેળાપીપણામાં 3.81 કરોડના વિવિધ સાધનોની ખરીદી કરી હતી અને આ તમામ સાધનો અત્યાંત મોંઘા ભાવના તથા તેની ગુણવત્તા પણ તકલાદી હોવાનું બહાર આવ્યું હતું. ખરીદાયેલી બોટમાં તો કાણા હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો જેથી સીએફઓ પાટીલ તથા સ્ટોર મેનેજર કૌશલ શાહની ભૂમિકા સામે પ્રશ્નો ઉભા થયા હતા. વિવાદ વધતા આખરે કમિશનરે ડે.કમિશનર ગંગાસિંઘની આગેવાનીમાં ચાર સભ્યોની તપાસ સમિતી બનાવી હતી આ ચાર સભ્યોમાં ડે.કમિશનર ગંગાસિંઘ ઉપરાંત ચીફ ઓડિટર એચ.એમ.રાવ તથા ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી તથા સેન્ટ્રલ સ્ટોરના કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવાનો સમાવેશ કરાયો હતો. તપાસ સમિતીએ 3 દિવસમાં તપાસ અહેવાલ કમિશનરે સોંપવાનો હતો પણ તે પણ થયું નથી તે ઘણા પ્રશ્નો ઉભા કરે છે
ડે.સીએફઓ નૈતિક ભટ્ટ મુદ્દે પણ તપાસમાં શૂન્ય
ડે.સીએફઓ નૈતિક ભટ્ટ પણ બોગસ પ્રમાણપત્ર અને સ્પોન્સરશીપ લેટરના આધારે નોકરી કરતા હોવાની શંકા સેવાઇ રહી છે કારણ કે આ જ મુદ્દે નૈતિક ભટ્ટ સામે અમદાવાદ કોર્પોરેશને વિજીલન્સ તપાસ સોંપી હતી અને ચાલુ વિજીલન્સ તપાસમાં જ નૈતિક ભટ્ટે વડોદરા કોર્પોરેશનમાં નોકરી મેળવી લીધી હતી. અમદાવાદ કોર્પોરેશને તો આ કૌંભાડમાં 4 અધિકારીને ઘર ભેગા કર્યા હતા અને આ મામલો કમિશનર અને ડે કમિશનર જાણતા હોવા છતાં હજુ પણ તેઓ નૈતિક ભટ્ટ સામે આંખ આડા કાન કરી રહ્યા છે અને કોઇ જ પ્રકારની તપાસ કરવાના બદલે તેમને છાવરી રહ્યા છે. નૈતિક ભટ્ટ સામે પણ અમે તપાસ કરીશું તેવી બડાશ હાંકનારા કમિશનર આખરે પાણીમાં બેસી ગયા છે.
Reporter: admin







