સીએમની સુચના બાદ કમિશનર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પર બગડ્યા.
કોન્ટ્રાક્ટરો અને કમિશનર બંનેએ ભેગા થઈ જાહેરાત કરી કે અઠવાડિયામાં રોડ ઉપરનાં ખાડા પૂરવાની અને બિસ્માર રસ્તાઓની કામગીરી પૂરી થશે...
ભ્રષ્ટ ઈજનેરોનું,રોડ કોન્ટ્રાક્ટરો સાંભળતા નથી, જેથી કમિશનરે આ વિષયને હાથમાં લેવો પડ્યો... કામની ગુણવત્તા અને પ્રગતિ જોઈને કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ કરવામાં આવશે.

અન્ય શહેરોમાં અને અન્ય જિલ્લાઓમાં વરસાદ ખૂબ પડ્યો છે અને રસ્તા ઉબડખાબડ થયા છે, પરંતુ વડોદરામાં સામાન્ય વરસાદ જ પડ્યો છે તોય વરસાદી પાણીનો નિકાલ નહી થતાં, રસ્તામાં ખાડા પડ્યા છે. તમામ ઝોનમાં જાહેર રસ્તાઓ ડિસ્કો રોડ બની ચુક્યા છે
શહેરમાં ચોમાસાના પ્રારંભમાં જ મોટાભાગના વિસ્તારોમાં રસ્તા પર ખાડા પડી ગયા છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઇ છે અને તેથી મ્યુનિ.કમિશનર હરકતમાં આવ્યા છે. કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી રોડ પર પડેલા ખાડા એક અઠવાડિયામાં પૂરી દેવા કહ્યું છે. કમિશનરે જણાવ્યું હતું કે વડોદરામાં પડેલા ખાડાથી લોકોને જે અસુવિધા ઊભી થઈ છે તે હવે ન થાય તે માટે રોડ મોટરેબલ બનાવવા કહ્યું છે.જો કે ચોમાસાની સિઝન ચાલુ હોવાથી કાર્પેટિંગ થઈ શકશે નહીં, પરંતુ હોટ મિક્સ, કોલ્ડ મિક્સ ડામર વગેરે માલ નાખીને ખાડાનું પુરાણ કરવામાં આવશે. કોર્પોરેશનનો આ મટીરીયલનો પ્લાન્ટ ચાલુ કરી માલ સપ્લાય બરાબર મળતો રહે તેવી પણ વ્યવસ્થા થશે તેવી સુચના અપાઇ છે તો સાથે સાથે. અગાઉ જ્યાં ડ્રેનેજ અને રોડની કામગીરી માટે ખોદકામ થયું હોય અને ખાડા પડ્યા હોય તો તે પુરવાની પણ સૂચના આપવામાં આવી છે. ચોમાસા બાદ રોડ કાર્પેટિંગ, આરસીસી રોડ અને નવા રોડ બનાવવા સંદર્ભે અલગથી એક બેઠક કરવામાં આવશે. હાલ જે રોડની ફરિયાદો થઈ છે તેના થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનના રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે, જેના આધારે રોડ ગેરેન્ટી પિરિયડમાં છે કે કેમ તે જાણી આગળની કાર્યવાહી થશે. જો ઇજારદારે ટેન્ડરની શરતો મુજબ રોડની કામગીરી કરી નહીં હોય તો પેનલ્ટી કરવામાં આવશે. કમિશનરે માહિતી આપતાં વધુમાં ઉમેર્યું હતું કે ડ્રેનેજ અને પાણીની લાઈન માટે ખોદકામ કર્યા બાદ જે પુરાણ કર્યું હોય તેનું સેટલમેન્ટ થાય તે પૂર્વે વરસાદ ચાલુ થઈ જતા પણ ખાડા પડ્યા છે. એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરોએ અઠવાડિયામાં ખાડા પૂરવાની કામગીરી થઈ જશે તેવી ખાતરી આપી હોવાનું તેમણે કહ્યું હતું.

રોડના ખાડા પુરવા માટે કમિશનરે કોન્ટ્રાક્ટરોને 7 દિવસનો સમય આપ્યો...
વડોદરા સહિત રાજ્યમાં ચોમાસાના પ્રારંભે જ રસ્તા પર ખાડા પડી ગયા હોવાના અહેવાલો મળતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોમવારે ખાસ બેઠક કરીને અધિકારીઓનો ક્લાસ લીધો હતો તો મ્યુનિ.કમિશનર અરુણ મહેશ બાબુએ પણ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનો ક્લાસ સીધો હતો. પાલિકા ખાતે કોન્ટ્રાકટરો સાથે કમિશનરે બેઠક કરી જેમાં કોન્ટ્રાકટર, રોડ ના અધિકારી, સીટી એન્જિનીયર સહીત અધિકારીઓ બેઠકમાં હાજર હતા. કમિશનરે બેઠકમાં સ્પષ્ટપણે કહી દીધું હતું કે જેમના કામ નબળા છે અને પહોંચી નથી વળતા તથા જે લોકોના કામમાં ધાંધીયા છે તેમના પેમેન્ટ અટકી જશે. સીધી લીટીમાં
કમિશનરે કહી દીધું હતું કે જેની કામગિરી ઇન્સ્પેક્શન દરમિયાન ખોટી જણાશે અને કામો વોરન્ટીમાં હશે તો તેના પેમેન્ટ અટકશે.
વડોદરા શહેરનાં જ નહીં રાજ્યમાં અન્ય શહેરોમાં કેટલાક રસ્તાઓનાં નામ બદલવાની જરૂર છે.
કમર-તોડ રોડ, ડિસ્કો-રોડ, ઉબડ-ખાબડ રોડ, ટાંટિયા-તોડ રોડ,ઘુંટણ- તોડ રોડ,બિસ્માર રોડ,જોખમી રોડ, ભયજનક રોડ, ભાગબટાઈ રોડ,જીવ-લેણ રોડ,ખખડધજ રોડ, પોલમપોલ રોડ,શ્વાસ-અધ્ધર રોડ, તકલીફ બદલ માફ રોડ, મિલીભગત રોડ, મણકા-તોડ રોડ, પોલ-ખોલ રોડ,જરા સંભલકે રોડ...રોડનાં નામકરણ કાર્યક્રમમાં, એ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર,સુપરવાઇઝર,સિટી એન્જિનિયર, કાર્યપાલક ઈજનેર (રોડ), ડે.એન્જિનિયર, સ્થાનિક કોર્પોરેટરો,બોલ બચ્ચનવાળા કાર્યકરોને અચૂક હાજર રાખવા.તકતી ઉપર મેયર- ચેરમેનના પણ નામ લખવા ફોટા મુકવા , જેથી લોકોને ખબર પડે કે કોના સમયમાં આવા ખતરનાક રોડ બન્યા છે. ઉબડખાબડ રોડના જંકશન ઉપર, સર્કલ ઉપર ધારાસભ્ય અને સાંસદના ફોટા મુકવા તથા નામ લખવા, જેનાથી વધુ સ્પષ્ટ થાય કે રાત દિવસ સતત લોકો માટે કામ કરનારા અને વિકાસનાં બણગાં ફૂંકનારા કયા ધારાસભ્ય અને સાંસદનાં વિસ્તારમાં આવા અદભૂત રોડ બન્યા છે. સ્માર્ટ સિટીમાં જાહેર રસ્તાઓ ઉપર ,જંકશન ઉપર એલઇડી ની વ્યવસ્થા છે. એમાં પણ સતત આવા જોખમી રોડ અને તક્તિઓ બતાવવી. જેનાથી લોકો ભયજનક વિસ્તારમાંથી પાસ થઈ રહ્યા છે તેનો અહેસાસ થાય તથા પોતાની જાતને સંભાળે. જરૂર પડે ઘરેથી હેલ્મેટ-કમર પટ્ટો પહેરીને જ વાહન લઈને નીકળે.
Reporter: admin







