News Portal...

Breaking News :

અણઘડ શાસકોએ પોલો ગ્રાઉન્ડ વિસ્તારની ભવ્યતા છીનવી લીધી

2025-04-07 16:23:26
અણઘડ શાસકોએ પોલો ગ્રાઉન્ડ વિસ્તારની ભવ્યતા છીનવી લીધી


ટીમ વડોદરા,ધારાસભ્ય,કોર્પોરેટરો,ઉચ્ચ અધિકારીઓ પોતાનાં વિસ્તારમાં સુપરવિઝન કરે
કોર્પોરેશનના અણઘડ અને જ્ઞાન વગરના અધિકારીઓના પાપે પોલોગ્રાઉન્ડ વિસ્તારની હાલત ખરાબ 
એક જમાનામાં શહેરની શાન ગણાતા અને પોશ વિસ્તાર ગણાતા પોલોગ્રાઉન્ડ વિસ્તારની માઠી દશા બેઠી છે અને કોર્પોરેશનના અણઆવડત તથા અધુરા જ્ઞાન વાળા અધિકારીઓ અને કોર્પોરેટરના પાપે આ વિસ્તાર હવે ન્યુસન્સ બની રહ્યો છે. 


આ વિસ્તારના સૌથી આકર્ષક ગણાતા ઝાડને કાપી નાખવામાં આવ્યા છે. પોલોગ્રાઉન્ડ અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયું છે. અહીં ગેરકાયદેસર રીતે બસ પાર્ક થવાથી રોજ રાત્રે અનૈતિક પ્રવૃત્તીઓ થઇ રહી છે.સાથે કોર્પોરેશન દ્વારા જુનો કાંસ તોડીને નવો કાંસ બનાવાની પેરવી પણ કરાઇ રહી છે . ઉપરાંત અહીં જગ્યા ના હોવા છતાં રસ્તો પણ પહોળો કરવાનો કારસો રચાયો છે. પોલોગ્રાઉન્ડની વિરાસત જાળવવામાં કોર્પોરેશન સદંતર નિષ્ફળ તો ગયું જ છે પણ હવે જે કામો કરાઇ રહ્યા છે તે પણ યોગ્ય નથી તેવો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. આ વિસ્તારમાં રહેતા રાજવી પરિવારનાં જીતેન્દ્રસિંહ ગાયકવાડે પણ અત્યારે કોર્પોરેશન દ્વારા કરાઇ રહેલી અણઘડ કામગીરી સામે પોતાનો રોષ પ્રગટ કર્યો છે. 

પોલોગ્રાઉન્ડની ખરાબ હાલત થઇ ગઇ છે. તેથી 6 દાયકાથી અહીં રહેતા સ્થાનિકોનો આત્મા કકળી ઉઠ્યો છે. પોલોગ્રાઉન્ડમાં પહેલા કાંટાળી વાડ હતી. જેથી બહાર ઉભા ઉભા પણ ત્યાંથી પસાર થતાં લોકો મેદાનમાં રમાતી રમતોનો આનંદ મેળવી શકતા હતા. કોર્પોરેશને અહીં દિવાલ બનાવી દીધી હતી જેથી આ ચોમાસામાં આ વિસ્તારનું પાણી જે પોલોગ્રાઉન્ડમાં જમા થતું હતું. તે પાણીનો નિકાલ થવાનો બંધ થઇ ગયો હતો અને તેથી ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વકરી રહી છે. બગીખાનાથી શરુ કરી નહેરુભવન સુધી કેનાલ બની ગઇ. જે તે સમયે ફૂટપાથ  પણ તોડી નાખી હતી અને એક વાર કાંસ તોડી નાખી હોવા છતાં  પાછી ખરાબ કાંસ બનાવી હતી. પણ તે પણ ચોકઅપ થઇ ગઇ છે જેથી પાણીનો નિકાલ જ થતો નથી. એક જમાનામાં અહીં 108 ઝાડ હતા તે હવે માંડ  30 જ બચ્યા છે. ઝાડ કાપવાનું શરુ કરાયું છે પણ તેમાં મંજુરી છે કે નહી તેની કોઇને ખબર નથી. સ્થાનિક કોર્પોરેટરો જાગૃતી કાકા અને બાળુ સર્વે તથા કોર્પોરેશનના અધિકારીઓની સાંઠગાંઠ છે. હવે મહાકાળી સેવઉસળથી બગીખાના સુધીના રસ્તા પર બસો ઉભી રાખવાનો પણ કારસો રચાયો હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. અધિકારીઓ આ રીતે ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. રાત્રીના સમયે બસના ડ્રાઇવરો અહીં અનૈતિક કામો પણ કરી રહ્યા છે અને વધુ એક દૂષણ ઉભુ થયું છે. બીજી તરફ રસ્તો પહોળો કરીને ડિવાઇડર બનાવવાનો પણ કારસો રચાયો છે. જેથી અકસ્માતોનો ભય પણ સ્થાનિકોને સેવાઇ રહ્યો છે. 



અણઘડ શાસકોએ આ વિસ્તારની ભવ્યતા છીનવી લીધી...
એક જમાનામાં પોલોગ્રાઉન્ડ બરોડાનો પોશ વિસ્તાર હતો. બગીખાના,  મોતીબાગ તોપ, નહેરુભવન સુધીનો વિસ્તારમાં મોટા ભાગના લોકો રહેતા હતા. મહારાજા પ્રતાપસિંહરાવે પોલોગ્રાઉન્ડ આઉટ ડોર સ્પોર્ટ માટે રીઝર્વ રાખ્યું હતું જેમાં પોલો, ક્રીકેટ, ફૂટબોલ, રુગ્બી, હોર્સરાઇડીંગ જેવી રમતો રમાતી હતી.  આ વિસ્તારમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટસમેન અબ્બાસઅલી, સીકે નાયડુ, વિજય હજારે, લાલા અમરનાથ, વિજય મર્ચન્ટ જેવી મહાન હસ્તીઓ રહેતી હતી. આ વિસ્તારમાં રહેતા પ્રોફેસર જી.બી.ગાયકવાડ તથા પ્રોફેસર પાઠક સાહેબે મળીને 108 વટવૃક્ષો 1960-70માં તોપથી નીચે ઉતરી નહેરુભવન રસ્તા પર લગાડેલા હતા. ગાયકવાડી સરકારની પાણીની કાંસ  જો કે ત્યારબાદ કોર્પોરેશને કાંસ તોડી નાખી હતી. અને આઝાદી પછી જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ અણઘડ અને જ્ઞાન વગરના શાસકોએ આ વિસ્તારની ભવ્યતાને છીનવી લીધી હતી. 

પોલોગ્રાઉન્ડ વિસ્તારની ખરાબ હાલત કરી નાખી છે...
પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં જે રીતે છેલ્લા ઘણા સમયથી ન્યુસન્સ ઉભુ થયું છે તેને દુર કરવું જરુરી છે. પાણીની આવક, પાણીનું ઉગમ, ફ્લો રેટ, પાણી નિકાલની જોગવાઇ, કાંસોની એન્જિ ડ્રોઇંગ, મટિરીયલ , ફીઝીબીલીટી રિપોર્ટ વગર જ આ પ્રોજેક્ટ ઠોકી દેવાયો છે. આ વિસ્તારમાં વિકાસના નામે આડેધડ ઝાડ કપાઈ રહ્યા છે. રસ્તો પહોળો કરો પણ સાથે બસોનું દુષણ તો દુર કરો. આ મામલે તાત્કાલીક ઇન્કવાયરી કરાવાની મારી માંગ છે. અણઘડ રીતે થઇ રહેલા કામોથી આ વિસ્તારનું પર્યાવરણ અસંતુલિત કરી નાખ્યું છે. દયાજનક સ્થિતીનું નિર્માણ થયું છે.ચોમાસામાં ખરાબ હાલત થશે. કારણ કે કોર્પોરેશનના કોઇ જ અધિકારીમાં ટેક્નિકલ જ્ઞાન નથી.સર્વે અને સુપરવિઝન નથી.

જીતેન્દ્રસિંહ ગાયકવાડ, રાજવી પરિવાર 
જુના ઝાડ કાપીને વિકાસ ના કરાય...
મુદ્દો છે એ જ છે કે  જુના ઝાડ કાપીને વિકાસ ના કરાય તેને બચાવીને કરો. પોલોગ્રાઉન્ડને દરવાજા નથી. જેથી ગેરકાયદેસર પાર્કિંગ થઇ રહ્યું છે. અહીં કાંસ જે બનાવ્યો છે તેનાથી પાણીની સમસ્યા ઉકેલાશે કે કેમ તેની અમને ખબર પડતી નથી. રોડ પહોળો કરાઇ રહ્યો છે પણ રોડ અડધો પહોળો જ થઇ શકે છે અને ટ્રાફિકને તકલીફ પડશે...
વિહંગ પાઠક

Reporter:

Related Post