વડોદરા : સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતા શહેરના ડોક્ટર દંપતી સાથે શહેરના અનેકવિધ નાગરિકોએ ૨૨ મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી ઉપાડીને અનોખા અભિગમની શરૂઆત કરી છે.

જે વિશે માહિતી આપતા ડો.નરેન્દ્ર વેકરિયા (ગાયનેક) અને ડો. દિપા વેકરિયા (એનેસ્થેટિક્સ)એ જણાવ્યું હતું કે, શહેરના મહાવીર ચાર રસ્તા ખાતે આવેલા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોની ત્રણ વર્ષ અગાઉ મુલાકાત લીધી હતી ત્યારથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. હાલમાં રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં ખાસ તાલીમ પ્રાપ્ત શિક્ષકોના નેજા હેઠળ છેલ્લા ૧૫ વર્ષથી ૬ થી ૨૫ વર્ષના મનોદિવ્યાંગ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

થોડા સમય અગાઉ મને આ બાળકો માટે કઇક કરવાનો વિચાર આવ્યો અને ત્યારે મેં નક્કી કર્યું કે બે મનોદિવ્યાંગ બાળકોની લાઇફ ટાઇમ જવાબદારી ઉપાડી લઉં. મેં બે બાળકોની જવાબદારી ઉપાડી અને ત્યાર બાદ આ દૈવી કાર્યમાં જોડાતા શહેરના અનેકવિધ લોકોએ પ્રથમ તબક્કે ૨૨ બાળકોની જવાબદારી ઉપાડી છે. સમાજને ઉપયોગી થવાના આશય સાથે અમે આ પગલું ભર્યું છે. હું લોકોને અનુરોધ કરીશ કે, આ મનોદિવ્યાંગ બાળકો પૃથ્વી પરના શાક્ષાત દેવ છે અને તેઓની સેવા કરવાનો આપણને અવસર મળ્યો છે તો તેને સહર્ષ સ્વિકારીએ.




Reporter: admin