News Portal...

Breaking News :

અમેરિકામાં પ્રવેશવા પર 12 દેશોના નાગરિકો સામે સંપૂર્ણપણે પ્રતિબંધ

2025-06-05 09:50:14
અમેરિકામાં પ્રવેશવા પર 12 દેશોના નાગરિકો સામે સંપૂર્ણપણે પ્રતિબંધ


વોશિંગટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત તેમણે 12 દેશોના નાગરિકો સામે અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. 


આ સાથે અન્ય 7 દેશોથી આવતા લોકો પર આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા આ પગલું ભર્યું છે. અહેવાલ મુજબ, જે 12 દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો, ઇક્વેટોરિયલ ગિની, ઈરિટ્રિયા, હૈતી, ઈરાન, લીબિયા, સોમાલિયા, સુદાન અને યમનનો સમાવેશ થાય છે. આ દેશોના નાગરિકો હવે અમેરિકામાં પ્રવેશી શકશે નહીં. આ પ્રતિબંધ સોમવારે રાત્રે 12:01 વાગ્યાથી અમલમાં આવશે.આ ઉપરાંત, ટ્રમ્પે 7 અન્ય દેશોના લોકો સામે પણ આંશિક પ્રતિબંધ મૂક્યો છે. તેમાં બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સિએરા લિયોન, ટોગો, તૂર્કમેનિસ્તાન અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે. 


આ દેશોમાંથી આવતા લોકો પર હવે ખાસ શરતો અને કડક તપાસ લાગુ થશે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આવી નીતિ અપનાવી હોય. અગાઉ પણ પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે 7 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને બાદમાં 2018 માં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી.ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને અમારા નાગરિકોના હિતનું રક્ષણ કરવા માટે મારે આ પગલું ભરવું પડ્યું છે. અમે ફરીથી મુસાફરી પ્રતિબંધ લાગુ કરીશું, જેને કેટલાક લોકો 'ટ્રમ્પ ટ્રાવેલ પ્રતિબંધ' કહે છે, જેથી કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદીઓને દેશમાં પ્રવેશતા અટકાવી શકાય. એક એવું પગલું જેને સુપ્રીમ કોર્ટે પણ વાજબી ઠેરવ્યું હતું.

Reporter: admin

Related Post