છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણનું સ્તર ખૂબ નબળું જોવા મળી રહ્યું છે. બોર્ડની પરીક્ષામાં અવારનવાર નીચા પરિણામને લઈને સતત છોટાઉદેપુર જિલ્લો નબળો પુરવાર થઈ રહ્યો છે. આજે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ સૌથી નીચું 51.36 % આવ્યું છે અને જિલ્લાના બોડેલી કેન્દ્રનું સમગ્ર ગુજરાતમાં સૌથી નીચું 47.98 % પરિણામ આવતા છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી છોટાઉદેપુર જિલ્લાના પરિણામમાં સતત નબળાઈ જોવા મળી રહી છે. ગયા વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો ત્યારે રાજ્યના સચિવ કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રવેશોત્સવમાં શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નિમ્ન કક્ષાનું દર્શાવવામાં આવ્યું હતું જેને લઇને હોબાળો પણ મચી ગયો હતો. સચિવ કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતા છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ ઉપર સવાલ ઊઠી રહ્યા છે. એક તરફ સરકાર શિક્ષણના મોટા મોટા દાવા કરી રહી છે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં સતત શિક્ષણ નબળું પડી રહ્યું છે.
Reporter: News Plus