News Portal...

Breaking News :

શું હવે ચુંટણીઓ માં મોંઘવારી વધ્યાની કાગારોળ મતનો પાક નહિ લણી આપે???

2024-05-09 10:50:30
શું હવે ચુંટણીઓ માં મોંઘવારી વધ્યાની કાગારોળ મતનો પાક નહિ લણી આપે???


પ્રધાનમંત્રીશ્રી એ વિધાનસભા ચુંટણીઓમાં કરી બતાવ્યું હતું: મોંઘવારીના પ્રભાવથી મતદાનને મુકત રાખી શકાય...

લોકસભામાં આ સિદ્ધિ મળશે?? 

આજના આ  લેખનું શીર્ષક ભલે તર્ક સંગત ના લાગે કે મનને ના ગોઠે.પણ આ વાસ્તવિકતા છે.મોંઘવારી વધે તો સત્તા પર હોય એના પ્રત્યે લોક આક્રોશ વધે અને તેની વિરુદ્ધમાં મતદાન પણ થાય.ક્યારેક સત્તા પણ જાય.એક જમાનામાં તેલનો ભાવ વધીને ચારેક રૂપિયે કિલો થયો અને આંદોલનો થયા.ડુંગળી અને ટામેટામાં ભાવ વધારા એ સરકારો ઉથલાવી દીધી. ભારત સરકારના એક મંત્રીશ્રી એ સસ્તી ખાંડ આપવાનું વચન આપ્યું. આપી ન શક્યા તો ટીકા  થઈ.તેનાથી વિપરીત પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.મોરારજી દેસાઈએ સસ્તા ભાવે ખાંડ આપી તો દેશમાં તેની નોંધ લેવાઈ અને આ સિદ્ધિનો આજે પણ ઉલ્લેખ થાય છે. અત્યાર સુધીનો ઇતિહાસ એવો રહ્યો છે કે ચુંટણી અને ભાવની વધઘટ ને સીધો સંબંધ છે.ભાવો બેહદ વધે અને ચુંટણી યોજાય તો શાસક પક્ષને ફટકો પડે.અને ભાવ સ્થિર રહે કે ઘટે તો ફાયદો થાય. પરંતુ છેલ્લા એક દાયકા દરમિયાન એવું બન્યું છે કે ભાવ વધારો ચુંટણીમાં વિપક્ષી પ્રચારનો મુખ્ય મુદ્દો હોય તેમ છતાં સત્તાપક્ષને મત લાભ થયો છે અને ક્યારેક તો અગાઉ કરતા સ્થિતિ મજબૂત થઈ છે. ૨૦૧૯ ની લોકસભા ચુંટણીઓમાં ભાવ વધારાનો મુદ્દો હતો જ.છતાં પ્રધાનમંત્રીશ્રી મોદીના નેતૃત્વ હેઠળ ભાજપને અને એન.ડી. એ.ને જ્વલંત સફળતા મળી.૨૦૨૪ માં પણ આ મુદ્દો તો છે જ પરંતુ એન.ડી. એ.ને ઉજ્જવળ સફળતાનો વિશ્વાસ છે.એટલે જ અબ કી બાર..૪૦૦ કે પાર નો નારો બુલંદ કરવામાં આવી રહ્યો છે. અગાઉ થી વિપરીત ભાવ વધે તો પણ શાસક પક્ષ - સરકાર પક્ષ જીતે,એન્ટી ઇન્કમબંસી બેઅસર રહે એવું કેમ બને છે?


 લાગે છે કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની  ચાણક્ય નીતિ થી આ શક્ય બની રહ્યું છે.ભાવ વધવો કે મોંઘવારી આમ તો વૈશ્વિક ઘટના છે.અમેરિકા અને કેનેડા જેવા અતિ વિકસિત દેશોમાં પણ મોંઘવારી સમસ્યા છે. આપણા દેશમાં વધતી વસતીની સાથે ચીજ વસ્તુઓ,અનાજ ઇત્યાદિની માંગ વધવાની છે.લોકોની આવક વધે,ભલે મર્યાદિત સમુદાયની આવક વધે,પણ તેની અસરથી માંગ વધવાની છે અને માંગ વધે તો ભાવ વધે.માંગ ઘટે તો ભાવ ઘટે.આ સમીકરણ શાશ્વત સત્ય છે. પ્રધાનમંત્રીશ્રી એ મોંઘવારી વધે તો પણ તેની જેના પર અસહ્ય અસર થાય છે તેવા લોકોને સુરક્ષા કવચ આપીએ તો મોંઘવારીનો પ્રભાવ ખાળી શકાય એ રણનીતિનો સફળ અમલ કર્યો છે.કોરોના ના સમયે જ્યારે અતિ નબળા વર્ગોને એક ટંક અનાજ મળવાનું મુશ્કેલ લાગી રહ્યું હતું ત્યારે સરકારે સમાજના છેવાડાના લોકોને મફત અન્ન આપવાનું શરૂ કર્યું.આજે પણ ૮૨ કરોડ લોકોને દર મહિને મફત અનાજ મળી રહ્યું છે.આગામી પાંચ વર્ષ સુધી આ લાભ આપવાનો સરકારનો સંકલ્પ છે.સામાન્ય સંજોગોમાં અસહ્ય ભાવ વધારાને લીધે આ વર્ગો વિરોધી મતદાન નિશ્ચિત કરે જ.પણ હવે તેમને અન્ન સુરક્ષા ચક્ર સરકારે આપ્યું જ છે.તો પછી આ સરકાર વિરુદ્ધ તેઓ મતદાન ન જ કરે એ નિશ્ચિત છે.કોરોનામાં લોકડાઉન ને લીધે નાના લોકોના વેપાર ધંધા સાવ પડી ભાંગ્યા.સરકારે આ લોકોને તત્કાલિક રૂ.૧૦ થી ૨૦ હજારની એકદમ નાની લોનો સરળતા થી આપવાનું શરુ કર્યું.પરિણામે તેઓ બેઠા થયા.મુદ્રા ધિરાણ સુવિધા એ ઘણાને ઉગારી લીધા.હવે આ લોકો પાસે સરકાર વિરોધી મતદાન કરવાનું કોઈ કારણ જ નથી. આયુષ્માન ભારત, ઉજ્જ્વલા યોજના,પ્રત્યેક ને ઘર ઉપલબ્ધ કરાવવાની નિયત વાળી ગૃહ નિર્માણ યોજનાઓ,સામાજિક સુરક્ષાની આ પ્રકારની સંખ્યાબંધ યોજનાઓ,મોંઘવારીને કોરાણે મૂકીને સત્તા પક્ષને મત આપવાની પ્રેરણા આપે છે.તેની સાથે રસ્તા,રેલ માર્ગો,પાણી પુરવઠા સહિત વિવિધ માળખાકીય સવલતો ની ઝડપી વૃદ્ધિ સરકારના પડખે રહેવાની મક્કમતા આપે છે. તેના લીધે છે રાજસ્થાન,મધ્ય પ્રદેશ,છત્તીસગઢ ની ૨૦૨૩ ની વિધાનસભા ચુંટણીઓમાં મોંઘવારીનો મુદ્દો સાવ બેઅસર રહ્યો છે.હા,એટલું જરૂર છે કે મધ્યમવર્ગ ને મોંઘવારી ખૂબ મૂંઝવે છે.પરંતુ કલમ ૩૭૦ ની નાબૂદી,સી. એ. એ. નો અમલ,સમાન નાગરિક ધારાના અમલની પ્રતિબદ્ધતા,રાંધણગેસ બોટલના ભાવમાં થોડોક ઘટાડો જેવા વિવિધ કદમો તેમને પણ સરકારની સાથે રાખે છે.


 પરિણામે ભાવ વધારો અને મોંઘવારી,મતદાનને વધુ નકારાત્મક બનાવી શક્યા નથી. હવે જોવાનું એ રહે છે કે લોકસભા અને તેની સાથે યોજાયેલી કેટલીક વિધાનસભા ચૂંટણીઓ માં મોંઘવારી છતાં સત્તા પક્ષને મતનો પ્રવાહ આગળ વધે છે કે વિપરીત અસર કરે છે.કે લોકો સત્તા પક્ષની સાથે રહ્યાં છે. લોકસભા ચૂંટણીઓ સમયે રામ મંદિરના સફળ નિર્માણનો સકારાત્મક મુદ્દો ઉમેરાયો છે. કાશી કોરિડોર અને પાવાગઢ શક્તિ પીઠના નૂતન નિર્માણ પછી હવે મથુરાના કૃષ્ણ મંદિર ના નવ નિર્માણનું વચન આપવામાં આવ્યું છે.આ બાબતો ચોક્કસ મતદાન પર મોંઘવારીનો પ્રભાવ ખાળશે.પરિણામ ની જાહેરાત સુધી અત્યારે તો રાહ જોવી રહી. વિપક્ષો એ આ વ્યૂહરચના પરથી બોધપાઠ લેવો રહ્યો.હવે મોંઘવારી સિવાયના લોકોને સ્પર્શે તેવા મુદ્દાઓના આધારે આગળ વધ્યા સિવાય,માત્ર મોંઘવારીના તરણે ચુંટણીની વૈતરણી તરી નહિ શકાય.આ અટલ સત્ય છે. એ સમજવું જ પડશે. વિકાસની અપેક્ષાઓ પૂર્ણ કરીને લોકોને મોંઘવારી થી વિમુખ કરી શકાય એવું નજીકના ભૂતકાળમાં નરેન્દ્રભાઇ મોદીએ કરી બતાવ્યું છે. લોકસભામાં જો એ સમીકરણ સાચું ઠરે તો ભવિષ્યની ચુંટણીઓ માં વ્યૂહ રચના બદલવાની ફરજ પડશે. માંગ અને પુરવઠા અને ભાવોના અર્થ શાસ્ત્રીય નિયમો પ્રમાણે  હવે કોઈપણ સત્તામાં આવે ,મોંઘવારી ભાગ્યેજ ઘટાડી શકશે.એટલે આ મુદ્દાને આધારે ચુંટણી લડવાનું છોડીને લોકો ને સ્પર્શતા હોય એ એવા અન્ય મુદ્દાઓ શોધીને ઉઠાવવામાં ડહાપણ ગણાશે.કદાચ ભવિષ્યની ચુંટણીઓ માં મોંઘવારી ના બરાડા કારગર નીવડવાના નથી જ...

Reporter: News Plus

Related Post