દિલ્હી : ચીને ભારતની 4000 ચો. કિ.મી. જમીન પર કબજો કરી લીધો છે ત્યારે ભારતના વિદેશ સચિવ મિસરી ચીનના રાજદૂત સાથે કેક કાપી રહ્યા હતા તેવો આક્ષેપ કરતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે સવાલ કર્યો કે સરકાર આ જમીન પાછી મેળવવા શું કરી રહી છે તેનો જવાબ આપવો જોઈએ.
રાહુલે ટ્રમ્પના ટેરિફનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, મને એ જોઈને આશ્ચર્ય થયું કે આપણા વિદેશ સચિવ વિક્રમ મિસરી ચીનના રાજદૂત સાથે કેક કાપી રહ્યા હતા. ચીને કબજે કરેલા 4000 ચોરસ કિલોમીટરના પ્રદેશનું ખરેખર શું થઈ રહ્યું છે? સરકારે જવાબ આપવો જોઈએ કે તે આપણી જમીન અંગે શું કરી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે રાહુલની વાતને ટેકો આપીને મોદી સરકારની ઝાટકણી કાઢી રહ્યા છે.
કેટલાક યુઝરે સવાલ કર્યો છે કે, ભાજપના નેતા રાહુલ ગાંધી સહિતના નહેરૂ-ગાંધી ખાનદાનના લોકોના ચીન સાથે સંબંધો હોવાના આક્ષેપો કરે છે ને બીજી તરફ ભાજપના શાસનમાં ચીનના દૂતાવાસમાં જઈને દેશના વિદેશ સચિવ કેક કાપે છે એ બેવડાં ધોરણો ના કહેવાય ? ભારત-ચીન રાજદ્વારી સંબંધોની 75 મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ચીનના દૂતાવાસમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ હાજરી આપી હતી. લોકસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતાં રાહુલે કહ્યું કે, અમે ભારત અને ચીનના સંબંધો સામાન્ય થાય તેની વિરુદ્ધ નથી પણ એ પહેલાં આપણને ચીને પચાવી પાડેલી આપણી જમીન પાછી મળવી જોઈએ. રાહુલે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચીનના રાજદૂતને પત્ર લખ્યો હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
Reporter: admin







