રવિવારનો રજા હોવાથી cfo એ ફોન ઉપાડવાની તસ્દી લીધી નહીં...
શહેરમાં ફરી રહેલી નકલી ફાયર એનઓસી મામલે બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસરના કારણે ભીનુ સંકેલાઇ રહ્યું છે. બિનઅનુભવી સીએફઓને આ મામલો કેટલો ગંભીર છે તેની તેમને ગતાગમ પડતી નથી. માત્ર નોટીસો આપીને તેઓ સંતોષ અનુભવે છે પણ જે સમયગાળામાં આ નકલી ફાયર એનઓસી બની છે તે ગાળામાં આવી કેટલી ફાયર એનઓસી બની છે તેની તપાસ પણ કરવામાં આવતી નથી. સીએફઓ તો બેજવાબદાર રહ્યા છે પણ ડે કમિશનર દેવેશ પટેલ પણ બેજવાબદાર બની ગયા છે. કારણ કે તેઓ મુળ તો હેલ્થ વિભાગના છે અને તેમને ફાયર વિભાગનો હવાલો સોંપી દેવાયો છે.

બંને અધિકારીઓએ આ મામલાને ઉકેલવા માટે કે તેની પાછળ કોનું ભેજુ છે તેની તપાસ કરવાની તસ્દી પણ લીધી નથી. ચીફ ફાયર ઓફિસરે આ મામલે મોડે મોડે પણ રાવપુરામાં ફરિયાદની અરજી આપી છે જેથી રવિવારે પોલીસે તેમનું નિવેદન લીધું છે. પણ મહત્વની વાત એ છે કે આવી તો વડોદરા શહેરમાં કેટલી નકલી ફાયર એનઓસી ફરતી હશે. આ સંજોગોમાં જો ફાયર સેફ્ટીની સુવિધા લીધા વગર જ નકલી ફાયર એનઓસી મેળવાઇ લીધી હોય અને તે જ બિલ્ડીંગમાં જો કોઇ મોટી દૂર્ઘટના બને તો જવાબદાર કોણ હશે તે પ્રશ્ન પુછાઇ રહ્યો છે. અર્ષ બિલ્ડીંગની હોસ્પિટલનો ફાયર વેન્ડર શિવાય એજન્સીના જયેશ મકવાણાએ આવી કેટલી ફાયર એનઓસી વોટસએપ દ્વારા આપી દીધી હશે તે તપાસનો વિષય છે. નિકુંજ આઝાદના નામની જે નકલી ફાયર એનઓસી બજારમાં ફરતી હતી તે બાબતે પોલીસે અર્શ પ્લાઝાના માલિકનો ખુલાસો લીધો છે. તેમણે શિવાય એજન્સીના જયેશ મકવાણા પાસેથી એનઓસી લીધી હતી. તો ફાયર બ્રિગેડે જયેશ મકવાણાને પણ નોટિસ આપવી જોઇએ પણ તે નોટિસ પણ અપાઇ નથી. અર્ષ બિલ્ડીંગને 10 દિવસમાં અસલી ફાયર એનઓસી મેળવવા જણાવાયું છે પણ નવાઇની વાત એ છે કે નકલી ફાયર એનઓસી હોવા છતાં બિલ્ડીંગને સીલ સુદ્ધા કરવામાં આવ્યું નથી. સીએફઓ બિલ્ડરને અને જયેશ મકવાણાને બચાવાના પ્રયાસો કરી રહ્યા છે. ક્યાં સુધી તે આ મહત્વની બાબત પર ઢાંક પિછોડો કરતા રહેશે. બિનઅનુભવી સીએફઓની નિષ્ફળતા સાબિત કરે છે.
અમને સીએફઓ દ્વારા વધુ એક અરજી ગઇ કાલે મળી હતી...
આજે અમે સીએફઓનું વિગતવાર નિવેદન લીધું છે. આ કેસમાં જેમ જેમ આગળ તપાસ થતી હશે તેમ તેમ નિવેદનો લેવાશે અને ગુનાના મુળમાં જવાનો પ્રયાસ કરાશે
પીઆઇ જાદવ, રાવપુરા પોલીસ સ્ટેશન

ફાયર અને બાંધકામ પરવાનગી શાખા હજું પણ ઉંઘે છે...
બિનઅનુભવી સીએફઓની નિષ્ફળતા સાબિત કરે છે. શું કોઇ આગ કે અન્ય દૂર્ઘટના બને ત્યારે જ તંત્ર જાગશે તે સવાલ થઇ રહ્યો છે. નકલી ફાયર એનઓસી દ્વારા બિલ્ડરો કેવા કેવા કામો કરતા હશે તે પણ પ્રશ્ન છે. નવાઇની વાત એ છે કે બાંધકામ પરવાનગી શાખા હજું પણ ઉંઘે છે. ખરેખર તો બાંધકામ પરવાની શાખાએ બિલ્ડીંગની રજા ચિઠ્ઠી, કમ્પ્લિશન સર્ટીફિકેટ સહિતના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવી જોઇએ પણ ભ્રષ્ટ બાંધકામ શાખા આ કિસ્સામાં પણ ઉંઘતી રહી છે. ફાયર બ્રિગેડે પણ શહેરના તમામ ઇમારતોની ફાયર એનઓસી ચેક કરવી જોઇએ તે કરી નથી.
જયેશ મકવાણાએ 85 હજારમાં નકલી એનઓસી આપી હતી...
જાણવા મળ્યા મુજબ જયેશ મકવાણાએ 85 હજારમાં આ નકલી ફાયર એનઓસી હોસ્પિટલ સંચાલકોને આપી હતી. પોલીસે કહ્યું કે બિલ્ડિંગના સંચાલક ડો.નઝમા, રુહાના શેખ અને સલીમભાઇએ રજૂ કરેલા પેપર્સ અને જવાબ પરથી ફાયરની ડૂપ્લિકેટ એનઓસી શિવાય ફાયર સર્વિસીસપીના સંચાલક જયેશ મકવાણાએ ઇસ્યુ કરાવી આપી હોવાની વિગતો ખૂલી છે.જયેશ મકવાણાએ 85 હજારમાં બિલ્ડિંગની ફાયર સેફ્ટીને લગતું કામ લીધું હતું.જેમાં એનઓસીનો પણ સમાવેશ થતો હતો.હવે સવાલ એ થાય છે કે જયેશ મકવાણાએ અત્યાર સુધી આવી કેટલી નકલી ફાયર એનઓસી આપી હશે. તેના કોમ્પ્યુટરમાંથી તમામ ભેદભરમનો ખુલાસો થઇ શકે છે. સમગ્ર કૌંભાડમાં ક્યા અધિકારીની સંડોવણી છે તે પણ બહાર આવી શકે છે.
Reporter: admin