વડોદરાના માંજલપુર વિસ્તારના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વિશ્વ વંદનીયા નિત્ય લીલાસ્થ પૂજનીયા ઇન્દિરાબેટીજી (પૂ.જીજી)ના પ્રાગટ્યોત્સવની વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરાના વ્રજધામમાં પૂજ્ય જીજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે શ્રાવણી ઝરમર વચ્ચે મહર્ષિ પંડ્યા તથા ગાયકવૃંદે ભજન અને કીર્તનની રમઝટ બોલાવી વૈષ્ણવજનોને ભીંજવી દીધા હતા. બાદ પૂજ્ય વ્રજરાજકુમારજીએ નિત્ય લીલાસ્થ પૂજનીયા ઇન્દિરાબેટીજીના સેવા કાર્યોનું સ્મરણ કરીને વ્રજધામ એમનું હૈયુ હોવાનું ઉલ્લેખ્યું હતું. પૂજ્ય એ કહ્યું હતું કે પ્રત્યેક માનવીનું પોતાનું મૂલ્ય હોય છે. તેથી અન્ય કોઈ સાથે તુલના કરવી એ અયોગ્ય ગણાશે. પ્રત્યેક જીવને કોઈ કાર્ય કરવા માટે જ પ્રભુએ પૃથ્વી પર મોકલ્યા હોય છે. પૂજ્યનીયા ઇન્દિરાબેટીજી વિશે વિગતે વાત કરતા જણાવ્યું હતું કે ઇન્દિરાનો અર્થ લક્ષ્મીજી થાય. જો પ્રભુજી પ્રસન્ન હોય તો લક્ષ્મીની કૃપા મળે. પરંતુ લક્ષ્મીજીની કૃપા થાય તો પ્રભુજી પ્રાપ્ત થાય એવું નથી હોતું. પરંતુ પૂજનીયાની વાતમાં એવું નહોતું.પૂજ્ય ઇન્દિરાબેટીજીમાં થ્રી 'કે' અને થ્રી 'સી'ના ગુણ અખૂટ હતા. પ્રથમ કે એટલે કૃષ્ણ ભક્તિ, દ્વિતીય કૃષ્ણ કથા અને તૃતીય કૃષ્ણ કીર્તન પૂજ્ય જીજીએ આત્મસાત કર્યા હતા.
બીજી રીતે જોઈએ તો પ્રથમ ક્લેરિટી, અર્થાત જીવે શું કરવાનું છે ? તે બાબતમાં પોતે ક્લિયર હોવો જોઈએ. દ્વિતીય ક્રિએટિવિટી, આપણે જે કાર્ય કરીએ તે બીજા કરતાં અલગ હોય અને એમાં આત્મસ્ફૂરણાથી અલગ કરીને દીપી ઊઠે તેવું હોય તે જરૂરી છે. તૃતીય કરેજ અર્થાત હિંમત, અત્રે હિંમત એટલે મોટામાં મોટી આપત્તિને પણ હસતા મુખે સહન કરવાની આવડત. આ છ સદગુણ પૂજ્ય ઇન્દિરાબેટીજીમાં હતા. જે કાર્ય પુરુષ નથી કરી શક્યા એવા એવા કાર્યો પૂજ્યનીયાએ કરી બતાવ્યા છે. પૂજ્યએ અવલોકન રજૂ કર્યું હતું કે પૂજનીયાના પ્રાગટ્યોત્સવ વખતે પ્રભુ પણ નભમાંથી અમૃતબિંદુના અમી છાંટણા અચૂક કરતા રહ્યા છે. પૂજ્યએ યુવાનોને સોશિયલ મીડિયા પર સમય વેડફવાની બદલે ભજન કીર્તન સાંભળવા ટકોર કરી હતી. અને તે પણ ન ફાવે તો મહાપુરુષોના જીવન ચરિત્રને જુઓ તેવી શીખ આપી ઉપસ્થિત સૌ વૈષ્ણવજનોને આશીર્વાદ આપ્યા હતા.પ્રાગટ્યોત્સવ ઉજવણી બાદ ઠાકોરજીના સુખાર્થે સાવન ભાદો મનોરથના દર્શન પણ મહાનુભાવો, શ્રેષ્ઠીજનો, રાજકારણીઓ તેમજ ભક્તજનોએ કર્યા હતા.નોંધનીય છે કે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં શ્રાવણી સત્સંગ ચાલી રહ્યો છે. જેમાં યમુનાષ્ટકના આઠ અષ્ટક વિશે સત્સંગીઓને ધીમે ધીમે સમજ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ના મુખ્ય અતિથિ ડો મિતેશ શાહ ગુજરાત મેડિકલ એસોસિએશન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિ સંગીત સંધ્યાનો આયોજન રાખવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં તમામ વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા
Reporter: