મુંબઈ: અંધેરીમાં આવેલી બિલ્ડિંગના ગેરકાયદે માળ ન તોડવા માટે અને ગેરકાયદે બાંધકામ બાબતે કથિત સહકાર આપવા પ્રોપર્ટી ડેવલપર પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ માગવા પ્રકરણે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ બે જણને પકડી પાડી મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
એસીબીના મુંબઈ યુનિટે મંગળવારે કાર્યવાહી કરી મોહમ્મદ શેહઝાદા મોહમ્મદ યાસીન શહા (33) અને પ્રતીક વિજય પિસે (35)ને તાબામાં લીધા હતા. આ મામલે અંધેરી કે-ઈસ્ટના વૉર્ડના અધિકારી મંદાર અશોક તારી વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. તારી મુખ્ય આરોપી હોવાનું એસીબીનું કહેવું છે.
આ પણ વાંચો : 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગાર અબુ સાલેમને દિલ્હીથી મનમાડ લાવવામાં આવ્યો
આ પ્રકરણે ડેવલપરે 31 જુલાઈએ એસીબીમાં લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદ અનુસાર અંધેરીના જે. બી. નગર ખાતે ફરિયાદીની માલિકીની ચાર માળની ઈમારત છે, જેના ઉપરના બે માળ ગેરકાયદે બાંધવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
આ ગેરકાયદે બે માળ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા અને ભવિષ્યમાં પાસેના બે પ્લૉટ પર વિકાસક દ્વારા થનારાં ગેરકાયદે બાંધકામો બાબતે કથિત સહકાર આપવા માટે પાલિકાના અધિકારી તારીએ બે કરોડ રૂપિયાની માગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદની ખાતરી કર્યા પછી એસીબીએ મંગળવારે છટકું ગોઠવ્યું હતું. લાંચના પ્રથમ હપ્તા તરીકે 75 લાખ રૂપિયા સ્વીકારનારા શહા અને પિસેને એસીબીના અધિકારીઓએ રંગેહાથ પકડી પાડ્યા હતા. આ રકમ તારે વતી સ્વીકારી હોવાનો દાવો પકડાયેલા બન્ને આરોપીએ કર્યો હતો. આ પ્રકરણે એસીબી વધુ તપાસ કરી રહી છે.
Reporter: admin