વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ ૧૮ શાળાઓને 'સક્ષમ શાળા' એવોર્ડ એનાયત કરાયા
જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાના હસ્તે ૪ અને ૫ સ્ટાર હાંસલ કરનાર શાળાઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા સમગ્ર શિક્ષા અંતર્ગત વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને "સક્ષમ શાળા" એવોર્ડથી સન્માનિત કરવાનો જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં યોજાયો હતો.

કલેક્ટર અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઈન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા ૧૨ પેરામીટર્સમાં ૪ સ્ટાર અને ૫ સ્ટાર હાંસલ કરનાર શાળાઓને સન્માનિત કરવામાં આવી. આ અંતર્ગત જિલ્લાની ગ્રામ, શહેરી અને નિવાસી શાળાઓમાંથી ૯ જિલ્લા કક્ષાની અને ૯ તાલુકા કક્ષાની એમ કુલ ૧૮ શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યા.કલેક્ટર અને ડીડીઓએ એવોર્ડ મેળવનાર શાળાઓના સંચાલકો, આચાર્યો, એસએમસી સભ્યો અને વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિન્હ, પ્રમાણપત્ર અને પુરસ્કાર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે એ શિક્ષકોના શિક્ષણક્ષેત્રે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. અન્ય શાળાઓને પ્રેરણા મળે તેવા કાર્યક્રમોનું મહત્વ પણ જણાવ્યું. સાથે જ બાળકોને શિસ્તબદ્ધ અભ્યાસ અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓથી જીવનમૂલ્યો ભણાવવાની વાત કરી. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સૌને સહયોગ આપવાની અપીલ કરી.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ સંઘના સભ્યો, શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ, એસ.એમ.સી સભ્યો, સી.આર.સી, બી.આર.સી. અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Reporter: admin







