પાલિકાની ચૂંટણી આડે પાંચ મહિના બાકી છે જેથી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કરોડોના કામો પધરાવી દઇને વિકાસે હરણફાળ દોટ મૂકી છે. સ્થાયી પૂર્વે નમો કાર્યાલયમાં સંકલન પણ મળી હતી. જેના કારણે સ્થાયીમાં રજૂ થયેલા 23 કામો પૈકી 21 કામ મંજૂર કરાયા છે. ખાસ કરીને કમાટીબાગમાં પક્ષી ઘરથી લાયન ટાઇગર એન્ક્લોઝર તરફ આવેલ જુના બ્રિજની સમાંતરે નવીન ફૂટ ઓવર બ્રિજ બનાવાના કામે રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રા.પ્રા લિના 32 ટકા વધુના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કમિશનર દ્વારા કરાઇ હતી. અંદાજીત રકમ 11,055,2069 રુપિયાની આ દરખાસ્ત રજૂ કરાઇ હતી. પણ સ્થાયીએ આ દરખાસ્તને મુલતવી કરી દીધી હતી. જો કે નવાઇની વાત એ છે કે વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર હોવા છતાં અને પાલિકાએ રાજકમલ બિલ્ડર્સને શહેરમાં નાગરિકોને દૂષિત પાણી પીવડાવ્યું હતું તે મામલે 3 વર્ષ માટે તત્કાલીન કમિશનર અજય ભાદુએ બ્લેક લિસ્ટ કરી હતી અને આમ છતાં અગાઉ બ્લેક લિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર ફરીથી ટેન્ડર ભરે છે. અને તેમના કામો મંજૂર પણ થાય છે અને મુલતવી પણ રહે છે. આજે ભલે રાજકમલ બિલ્ડર્સનું 32 ટકા ઉંચા ભાવના ટેન્ડરને મુલતવી કરાયું પણ સમય જતા આ કામ પણ પધરાવી જ દેવાશે તે ચોક્કસ વાત છે. સવાલ એ છે કે આવા અગાઉ બ્લેક લિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર પોતાનું ટેન્ડર પણ કેવી રીતે ભરી શકે. જે કોન્ટ્રાકટરો પાલિકાની સામે કોર્ટ માં દાવો કરે અને જીતી જાય છે એવા કોન્ટ્રાકટરો પાલિકામાં ટેન્ડર પણ ભરે છે અને મંજુર પણ કરી દેવામાં આવે છે. શું ગુજરાત કે વડોદરામાં એવા અન્ય કોઇ જ કોન્ટ્રાક્ટરો નથી કે જે સ્ટાન્ડર્ડ મુજબ કામ કરી શકે. ઉલ્લેખનિય છે કે વડોદરા શહેરને જે કોન્ટ્રાક્ટરો પૂજા કન્સ્ટ્રક્શન કંપની અને રાજકમલ બિલ્ડરે વડોદરા શહેરને દુષિત અને ગંદુ પાણી પીવડાવ્યું હતું. તેમાં વર્ષ 2019 માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સને 3 વર્ષ માટે બ્લેક લિસ્ટ અને ૫૦ લાખની પેનલ્ટી લેવામાં આવી હતી.છતાં પાલિકાના શાસકો આવા કોન્ટ્રાક્ટરને ટેન્ડર ભરવા આમંત્રણ આપી દે છે અને તેના ટેન્ડરને સ્થાયીમાં પણ મંજૂરી માટે મુકવામાં આવે છે.
સ્થાયીમાં 23 કામોમાંથી 21 કામોને મંજૂરી અપાઇ...
સ્થાયીમાં આજે કમાટીબાગમાં પક્ષી ઘરથી લાયન ટાઇગર એન્ક્લોઝર તરફ આવેલ જુના બ્રિજની સમાંતરે નવીન ફૂટ ઓવર બ્રિજ બનાવાના કામે રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રા.પ્રા લિ.ના 32 ટકા વધુના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કમિશનર દ્વારા કરાઇ હતી. આ કામને મુલતવી રાખવામાં આવ્યું છે. ઉપરાંત ફાયર બ્રિગેડ માટે અક્ષ એન્ટરપ્રાઇઝને 19.21 ટકા વધુના ભાવે બ્રિધીંગ એપાર્ચસ એસસીબીએ સેટ ખરીદવાની દરખાસ્ત કરાઇ છે. આ સાથે સ્ટ્રીટલાઇટ વિભાગ, મિકેનીકલ વિભાગ રોડ પ્રોજેક્ટ શાખાની 5, પાણી પુરવઠા વિતરણ શાખાની 3 અને પાણી પુરવઠા ઇલે-મિકે શાખાની 5 અને બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખાની 2ડ્રેનેજ અને વરસાદી ગટર શાખાની 2 ઉપરાંત ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાની 1 એમ મળીને કુલ 23 કામોની દરખાસ્ત સ્થાયીમાં કરવામાં આવી હતી. આ કામો પૈકી 21 કામોને મંજૂરી આપવામાં આવી છે.
રાજકમલ બિલ્ડર્સના હલકી ગુણવત્તાના કામોની અનેક ફરિયાદ...
ભુતકાળમાં વડોદરા શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ દૂર કરવા માટે સિંધરોટ પાણીની યોજના 165 કરોડના ખર્ચે મૂકવામાં આવી હતી, આ યોજનાની કામગીરી દરમ્યાન વેલથી મુખ્ય રસ્તા સુધી પાઇપ લાઈન લઈ જવા માટે બનાવવામાં આવેલ લોખંડનો સ્ટ્રક્ચર બ્રિજ તૂટી ગયો હતો.અને બે કામદારો દબાઈ ગયા હતા. ત્યારબાદ સફાળા જાગેલા મ્યુ કમિશ્નર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા. રાજકમલ બિલ્ડર દ્વારા આજવા નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૩ હલકી ગુણવત્તાનો બનાવ્યો તેના કારણે દક્ષિણ અને પૂર્વ વિસ્તારના કેટલાય નાગરિકોને કેટલાય મહિનાઓ સુધી પીવાનું પાણી ગંદુ મળ્યું સાથે રાજકમલ બિલ્ડર દ્વારા અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં હજી સુધી નિરાકરણ થતું નથી. કેટલાય પ્રોજેક્ટમાં હલકી કક્ષાની કામગીરી કરેલ છે .જેમાં મહાનગર પાલિકાને પારાવાર આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે.
Reporter: admin







