વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલાદરા-માંજલપુર રોડલાઇન ઉપર માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા જતા 36 મીટરની રોડલાઇન પર મુંબઈ અમદાવાદ બ્રોડગેજ લાઈન ઉપર આશરે 56 કરોડના ખર્ચે (કોર્પોરેશન દ્વારા 42 કરોડ નો ખર્ચ અને રેલવે દ્વારા તેના ભાગમાં કામગીરી 14 કરોડના ખર્ચે ) રેલવે ઓવરબ્રિજનું કામ હવે પૂર્ણતાના આરે છે.
આ અઠવાડિયામાં બાકી રહેલી થોડી કામગીરી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં બ્રિજ લોકાર્પણ બાદ ચાલુ કરી દેવાશે. બ્રિજનું કામ છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલી રહ્યું છે. રેલ્વે વિભાગ દ્વારા બ્રિજના વચ્ચેના ભાગની કામગીરી માટે રેલ્વે દ્વારા અગાઉ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ પાણીની લાઈન સહિતના કારણોસર ડિઝાઈનમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારેલી ડિઝાઇન રેલવે વિભાગ દ્વારા મંજૂર થાય ત્યાર પછી કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થતા તેને લીધે પણ વિલંબ થયો હતો. બ્રોડગેજ લાઈન પર રેલવે વ્યવહાર સતત ચાલુ હોવાથી તેને ધ્યાનમાં રાખીને કામગીરી કરવી પડતી હતી. જોકે આ બ્રિજ માટે જમીન સંપાદનનો પ્રશ્ન પણ કોર્પોરેશન માટે અડચણરૂપ હતો.
જમીન સંપાદન ન થતા બ્રિજનું કામ વચ્ચે અટવાઈ ગયું હતું. વર્ષ 2022 ના અંતિમ સમયમાં રોડલાઇનમાં આવતી જમીનના માલિકો સાથે કોર્પોરેશને બેઠક કરી હતી. જમીનમાં પ્લોટ વેલીડેશન કરી માલિકોને 60 ટકા મુજબ વેલીડેશન કરી આપ્યું હતું. તેઓએ 40% કપાત જગ્યા જાહેર જનતા માટે કોર્પોરેશનને સુપ્રત કરી હતી. જેથી સંપાદનનું વિઘ્ન દૂર થયું હતું અને બ્રિજનું કામ આગળ વધ્યું હતું. હાલમાં થોડું કલર કામ બાકી છે. રેલ્વે દ્વારા કામગીરી પૂરી થયા બાદ તેના જોઈન્ટ ઉપર જોડાણની કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે. અગાઉ બ્રિજ પર કાર્પેન્ટની કામ પૂર્ણ કરવામાં આવી છે.
Reporter: admin