News Portal...

Breaking News :

હરણી બોટકાંડમાં જામીન પર છૂટેલા આરોપી ગોપાલ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર રહેતા ભાજપનું નાક કપાયું

2025-09-15 11:49:26
હરણી બોટકાંડમાં જામીન પર છૂટેલા આરોપી ગોપાલ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર રહેતા ભાજપનું નાક કપાયું

કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે..!!'ચમરબંધી છૂટી પર ગયા અને તમારા ખોળામાં બેસી પણ ગયા

વડોદરામાં હોડીકાંડ થયો ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી બોલ્યા હતા કે, કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે..!! અરે, સાહેબ ચમરબંધી છૂટી પણ ગયા અને વડોદરાના ભાજપના શાસકોએ એમને ખોળામાં પણ બેસાડી દીધા..!! વડોદરા માટે આઘાતજનક વાત એ હતી કે, ગઈ કાલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હોડીકાંડનો જામીન પર છૂટેલો આરોપી ગોપાલ શાહ આરામથી બેઠો હતો.બીજી બાજુ હોડીકાંડમાં જેણે બાળકો ગુમાવ્યા છે એ પરિવારોને પોલીસે હાઉસ એરેસ્ટ કર્યા હતા. હવે, સવાલ એ ઉપસ્થિત થાય છે કે, બોટકાંડના પિડિતોને જે સરકાર પાસે ન્યાયની અપેક્ષા હોય તે જ આવું કરે તો ફરિયાદ કોને કરવી ? અહીં, સવાલ એ પણ ઉભો થાય કે, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જ્યારે પિડિતોને નથી આવવા દેવાતા તો પછી આરોપી ગોપાલ શાહને કેમ બોલાવવામાં આવ્યા ? રાજ્યના મુખ્યમંત્રી જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા તેમાં હોડીકાંડના આરોપી ગોપાલ શાહને આમંત્રણ કોણે આપ્યું ? મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ્યારે જ્યારે વડોદરા આવે છે ત્યારે ત્યારે કોર્પોરેશનના સત્તાધીશો અને ભાજપના હોદ્દેદારો એવા કામ કરે છે કે, જેનાથી એમને નીચું જોવાનું થાય. ગયા વખતે તો દોષનો ટોપલો વોર્ડ નંબર - 15ના કાઉન્સિલર આશીષ જોશી ઉપર ઢોળીને સંતોષ માની લેવાયો. હવે, જોઈએ કોની સામે પગલા લેવાય છે ?



હું કાઉન્સિલર છું. છતાંય મને આમંત્રણ ના આપ્યુ. બોટકાંડના આરોપી ગોપાલ શાહને બોલાવ્યો 
વોર્ડ નંબર -૧૫ના કાઉન્સિલર આશીષ જોશી કહે છે કે, ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વડોદરા કોર્પોરેશનના કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના હતા. આ કાર્યક્રમમાં પહોંચીને હું એમને કોઈ રજૂઆત ના કરું તેવી આશંકા સવારે પાંચ વાગ્યાથી મારા ઘરની બહાર પોલીસનો પહેરો લગાવી દેવામાં આવ્યો હતો. વાસ્તવમાં કાર્યક્રમ વડોદરા કોર્પોરેશનનો હતો. જો વડોદરા મહાનગરપાલિકાએ કોઈ કાર્યક્રમ આયોજીત કર્યો હતો તો શહેરના તમામ કાઉન્સિલરોને એનું આમંત્રણ  પાઠવવુ ફરજિયાત હોય છે. અહીં નિમંત્રક તરીકે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું નામ હતુ. એટલે કાઉન્સિલર તરીકે હું પણ આમંત્રણનો અધિકારી હતો. છતાંય મને કોઈ આમંત્રણ આપવામાં આવ્યુ ન હતુ. એટલે મેં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. રાત્રે લગભગ પોણા એક વાગ્યાની આસપાસ ડે. કમિશનર સુરેશ તુવર મારા ઘરે આવ્યા હતા અને મને એક લેટર આપ્યો હતો. જેમાં જણાવાયુ હતુ કે, જો તમને તમારા વોર્ડ કે, પછી વિસ્તારની સમસ્યા અંગે ચર્ચા કરવાની હોય તો એના માટે આપને અલાયદો સમય ફાળવીશું. ખેર, શરમજનક બાબત એ છે કે, મારા જેવા ચુંટાયેલા પ્રતિનિધિને આમંત્રણ પાઠવવામાં આવ્યુ ન હતું. પરંતુ, બોટકાંડના મુખ્ય આરોપી ગોપાલ શાહને કાર્યક્રમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકા વિના કોઈ પ્રવેશ ના કરે તો પછી સવાલ એ ઉભો થાય છે કે, ગોપાલ શાહને આમંત્રણ આપ્યુ કોણે ? બોટકાંડના આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યુ હતુ પરંતુ, બોટકાંડના પિડિતોને પોલીસે નજરકેદ રાખ્યા હતા. જે અત્યંત વખોડવા લાયક બાબત છે. 

ગોપાલ શાહ જેવા આરોપીને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બોલાવ્યો અને પિડિતોને નજરકેદ કર્યાં - હિતેષ ગુપ્તા
બોટકાંડના આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સ્થાન આપવામાં આવ્યુ તે બિલકુલ શરમજનક વાત છે તેવુ શહેરના એડવોકેટ હિતેશ ગુપ્તાએ કહ્યુ હતુ. તેમણે રોષ ઠાલવતા જણાવ્યુ હતુ કે, બોટકાંડનો મુખ્ય આરોપી જ ગોપાલ શાહ છે. હરણી લેકઝોનનો કોન્ટ્રાક્ટ પરેશ શાહને અપાવવામાં એની મુખ્ય ભૂમિકા હતી. હાલમાં ગોપાલ શાહ જામીન મુક્ત છે. પણ શરમજનક બાબત એ છે કે, કોર્પોરેશન પોતાના કાર્યક્રમમાં આશીષ જોશી જેવા કાઉન્સિલરને આમંત્રણ આપવામાં આવતુ નથી અને ગોપાલ શાહ જેવા આરોપીને આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. અમને એવુ લાગે છે કે, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગોપાલ શાહને બેસાડીને બોટકાંડના પિડિતો પર દબાણ ઉભુ કરવાની કોશિષ થઈ રહી છે. ગઈકાલે જ્યારે ગોપાલ શાહ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત હતો તે જ સમયે બોટકાંડના પિડિતોના ઘરે પોલીસનો પહેરો હતો. પોલીસે પિડિત પરિવારોને નજરકેદ કર્યા હતા. આ જ દર્શાવે છે કે, પિડિત પરિવારો સાથે હળાહળ અન્યાય થઈ રહ્યો છે. બોટકાંડના પિડિતોને સાથ આપનારા કાઉન્સિલર આશીષ જોશીને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. ગઈકાલે સવારે પાંચ વાગ્યાથી એમના ઘરે પણ પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો.જ્યાં સુધી મુખ્યમંત્રી કાર્યક્રમ પતાવીને વડોદરામાંથી બહાર ના ગયા ત્યાં સુધી બોટકાંડના પિડિત પરિવારો અને કાઉન્સિલર આશીષ જોશીને હાઉસ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા. 



હવે, અમારે ન્યાય કોની પાસે માંગવો ? 
બોટકાંડના પિડિત સંધ્યાબેન નિઝામાના ઘરે પણ ગઈકાલે પોલીસ પહોંચી હતી. અને એમને હાઉસ એરેસ્ટ કર્યા હતા. સંધ્યાબેનને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, બોટકાંડના આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યુ હતુ અને અમારા ઘરે પોલીસનો પહેરો હતો. મારા ઘરની બહાર ગઈકાલ સવારથી જ ત્રણ પોલીસવાળા ઉભા થઈ ગયા હતા. જાણે અમે ગુનેગાર હોય એવુ વર્તન અમારી સાથે કરવામાં આવ્યુ હતુ અને અસલ આરોપી ગોપાલ શાહને ભાજપે ખોળામાં બેસાડી દીધો હતો. આ શરમજનક વાત છે. હવે અમારે ન્યાય કોની પાસે માંગવો ? તે સમજાતુ નથી.

ગોપાલ શાહને બોલાવ્યો એ શરમજનક બાબત છે 
બોટકાંડના પિડિત સરલાબેન શિંદેના ઘરે પણ પોલીસનો પહેરો હતો. અને તેમના આખા પરિવારને નજરકેદ રાખવામાં આવ્યા હતા. સરલાબેને રોષ ઠાલવતા જણાવ્યુ હતુ કે, અમારા ઘરે ગઈકાલે સવારથી પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. શું અમે ગુનેગાર છીએ. અમને ન્યાય આપવાને બદલે આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બોલાવવામાં આવે છે. આ શરમજનક બાબત છે. બીજી મેના રોજ વડોદરામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ ન્યાયની માંગણી કરવા બદલ બોટકાંડની પિડિતા સંધ્યા નિઝામા અને સરલાબેન શિંદેને પોલીસ કાર્યવાહીનો ભોગ બનવો પડ્યો હતો. આ ઘટના પછી જ્યારે પણ મુખ્યમંત્રી વડોદરા આવે છે ત્યારે બંનેને પોલીસ નજરકેદ કરી દે છે. હકીકતમાં બંને મહિલાઓનો વાંક એટલો જ છે કે, એમણે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ન્યાયની માંગણી કરી હતી. આ તસવીર એટલા માટે યાદ કરવી પડે કારણ કે, શનિવારે વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન બોટકાંડના જામીન મુક્ત આરોપી ગોપાલ શાહને આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ અને તેમને ક્રેડાઈના હોદ્દેદારોની આગળની સીટ પર ખાસ સ્થાન આપવામાં આવ્યુ હતુ.

Reporter:

Related Post