ભાજપના કાઉન્સીલર મહાવીરસિંહ રાજપુરોહિતના ભાઈને ધમકી આપીને રૂપિયા એક કરોડની ખંડણી માંગવાના ગુનામાં બંને આરોપીઓને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપી રામનિવાસ ઉર્ફે શ્યામના પાંચ દિવસના રિમાન્ડ અને આરોપી પ્રહલાદ ઉર્ફે પીપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસની ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓની તપાસ શરૂ કરી છે.
વડોદરા પોલીસે કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે, બંને આરોપીઓને તપાસના માટે રાજસ્થાન લઈ જવાના પડશે. આરોપીઓ પિસ્તોલ ક્યાંથી લાવ્યા હતા ? તેની તપાસ કરવાની છે. આરોપીઓએ પિસ્તોલનો ઉપયોગ કર્યો છે કે કેમ ? તેની તપાસ કરવાની બાકી છે. વર્ષ ૨૦૨૦માં આરોપીઓએ આ પિસ્તોલ રાજસ્થાનના કોઈ હથિયારના ડિલર પાસેથી ખરીદી હોવાનુ કબુલે છે. જેને આધારે રાજસ્થાનના હથિયારના વેપારીની તપાસ કરવાની બાકી છે. ઉપરોક્ત ગ્રાઉન્ડના આધારે પોલીસે બંને આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. અદાલતે આરોપી પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઈના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જ્યારે
રામનિવાસ ઉર્ફે શ્યામ ભંવરલાલ બિશ્નોઈના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસની ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં રાજસ્થાનનો રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોઈ વડોદરાના ન્યુ સમા રોડ પર
આવેલા અભિલાષા ચાર રસ્તા પરની ખેતેશ્વર સ્વીટ નામની મીઠાઈ અને ફરસાણની દુકાનમાં નોકરી કરતો હતો. પરંતુ, દુકાનના માલિક સીતારામસિંહ નારણસિંહ રાજપુરોહિત સાથે તેને અણબનાવ બન્યો હતો. જેથી
સીતારામસિંહે તેને નોકરી પરથી કાઢી મુક્યો હતો. નોકરી છૂટી જતા એને પાછુ રાજસ્થાન જવુ પડ્યુ હતુ. જ્યાં એનો સંપર્ક પ્રહલાદ ઉર્ફે પીપી બિશ્નોઈ સાથે થયો હતો. પ્રહલાદ મોટો ગુનેગાર હતો એટલે એની સાથે મળીને
રામનિવાસે એના જૂના શેઠ સીતારામસિંહ રાજપુરોહિત પાસેથી ખંડણી માંગવાની યોજના બનાવી હતી. અને બંનેએ ધમકીભર્યો ફોન કરીને શેઠ પાસે ખંડણીની માંગણી કરી હતી. જોકે, વડોદરા પોલીસની સતર્કતાને લીધે બંને
આરોપીઓ આબાદ ઝડપાઈ ગયા હતા.
રામનિવાસ બિશ્નોઈ અને પ્રહલાદ ઉર્ફે પીપી બિશ્નોઈની જોધપુરમાં મુલાકાત થઈ હતી. પહેલી જ મુલાકાત બાદ બંને જણા દોસ્ત બની ગયા હતા. રામનિવાસ પાસે નોકરી ન હતી એટલે એણે પ્રહલાદ પાસે કામ માંગ્યુ હતુ.
પ્રહલાદે એને પોશ ડોડાની હેરાફેરીના કામની ઓફર કરી હતી. પણ રામનિવાસે એ ઓફર ઠુકરાવી દીધી હતી. અંતે રામનિવાસે એના જૂના શેઠને ધમકી આપીને પૈસા પડાવવા માટે પ્રહલાદને તૈયાર કરી લીધો હતો. એણે
જણાવ્યુ હતુ કે, મારા શેઠ પાસે એટલા પૈસા છે કે, ગમે તે સમયે વીસ-પચ્ચીસ લાખ મળી જાય. ખેર, બંને જણાએ યોજના બનાવીને શેઠ પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જોકે, તેમના મનસુબા કામયાબ થયા ન
હતા.
Reporter: News Plus