શહેર પ્રમુખ,ગુરુજી ભાર્ગવ ભટ્ટને ખુશ કરવા માટે નમો જન્મદિન સેવા પખવાડિયા કાર્યક્રમની હંગામી જવાબદારી તેમને સોંપાશે?
પ્રદેશ મહામંત્રીના પદ ઉપરથી ચાલુ જવાબદારીએ ઘર ભેગા કરેલા ભાર્ગવ ભટ્ટને, શહેર પ્રમુખે અચાનક યાદ કર્યા.
ગુરુ દક્ષિણા ?
વિસરાયેલા, ખોવાયેલા અને કોરાણે મુકાયેલા ભાર્ગવ ભટ્ટની જર્જરિત રાજકીય કારકિર્દીને થિંગડું મારવાનો પ્રયાસ

બે વર્ષ પહેલા પ્રદેશ મહામંત્રી પદેથી હકાલપટ્ટી બાદ ભાર્ગવ ભટ્ટની વડોદરા ભાજપમાં કોઈ નોંધ લેતુ નથી, મોદી સાહેબના નામે ભાર્ગવ ભટ્ટની કારકિર્દીને ઓક્સિજન આપવાના પ્રયત્નથી કેટલાક કાર્યકરોમાં જબરદસ્ત નારાજગી.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસની ઉજવણીના ઈન્ચાર્જ બનાવીને વડોદરાના રાજકારણમાંથી વિસરાયેલા, ખોવાયેલા અને કોરાણે મૂકાયેલા ભાર્ગવ ભટ્ટની ખોટકાયેલી રાજકીય કારકિર્દીને ફરીથી પાટે ચડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કહેવાય છે કે, મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણી સેવા પખવાડિયું તરીકે ઉજવાશે. જેના અંતર્ગત વડોદરા શહેરમાં જુદાજુદા કાર્યક્રમો ઉજવાશે. સ્વાભાવિક છે કે, જ્યાં મોદી સાહેબનું નામ હોય ત્યાં ભીડ ભેગી કરવી કે, કાર્યક્રમને સફળ બનાવવા ઝાઝા પ્રયત્નો ના કરવાના હોય. એટલે આવા પહેલેથી જ સફળ કાર્યક્રમનું સંચાલન સોંપીને ભાર્ગવ ભટ્ટને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરવાની પેરવી ભાજપમાં ચાલી રહી છે. જેનાં લીધે કાર્યકરોમાં અંદરખાને નારાજગી જોવા મળી રહી છે.
બે વર્ષ પહેલા ભાર્ગવ ભટ્ટની ભાજપના પ્રદેશ મહામંત્રી પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યારપછી ભાર્ગવ ભટ્ટની કોઈ નોંધ લેતું ન હતુ. જાહેર કે પાર્ટીનાં કાર્યક્રમમાં પણ બોલાવવામાં આવતા ન હતા. પરંતુ, વડોદરામાં ભાજપના શહેર પ્રમુખ બદલાયા પછી ફરી એકવાર ભાર્ગવ ભટ્ટ મેદાનમાં આવવાની કોશિષ કરી રહ્યા છે. ૧૭મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. સ્વાભાવિક છે કે, મોદી સાહેબનો જન્મ દિવસ હોય એટલે આખાય દેશના જુદાજુદા શહેરોની જેમ વડોદરામાં પણ એની ભવ્ય ઉજવણી કરવી પડે. અહીં બીજી સ્વાભાવિક વાત એ છે કે, વડોદરામાં મોદી સાહેબનો જન્મ દિવસ ઉજવાતો હોય તો એના માટે કોઈ ઝાઝો પ્રયત્ન કે, બુદ્ધી વાપરવાની જરુર ના પડે. વડોદરામાં તો મોદી સાહેબનાં નામે કરાયેલો પ્રત્યેક કાર્યક્રમ આપોઆપ જ સફળ થઈ જતો હોય છે. દરેકે ઈચ્છા વિરુદ્ધ પણ હાજરી નોંધાવવી પડે.એટલે ભાર્ગવ ભટ્ટને પરીક્ષા વિના જ પાસ કરી દેવા માટેનો એક ખેલ શરુ થયો છે. જેમાં મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે વડોદરામાં યોજાનારા સેવા પખવાડિયાના કાર્યક્રમોના ઈન્ચાર્જ ભાગર્વ ભટ્ટને બનાવવાની પેરવી શરુ થઈ છે. જેનાથી ભાજપનાં જ કેટલાક કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ મહામંત્રી પદેથી હકાલપટ્ટી બાદ ભાર્ગવ ભટ્ટની કોઈ નોંધ લેવાતી ન હતી. પરંતુ, જ્યારથી ડો. વિજય શાહને હટાવ્યા બાદ જયપ્રકાશ સોનીની શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી થઈ છે. ત્યારથી ભાર્ગવ ભટ્ટ ફરીથી સક્રિય થવા યેનકેન પ્રયત્ન કરી રહ્યા છે. અને પોતાની જર્જરિત રાજકીય કારકિર્દીની મરામત કરવાની કોશિષ કરી રહ્યા છે.
રામનવમીની શોભાયાત્રામાં કાંકરીચાળા બાદ ભાર્ગવ ભટ્ટની મૌજુદગીએ સવાલો ઉભા કર્યા હતા
વડોદરા શહેરમાં લગભગ બે વર્ષ પહેલા રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આ ઘટનાની જાણ થતા જ ભાર્ગવ ભટ્ટ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. હકીકતમાં તેઓ પ્રદેશ ભાજપ મહામંત્રી હતા. જેથી સંવેદનશીલ જગ્યા પર તેમની હાજરી શંકા ઉપજાવે તેવી હતી. મીડિયામાં ભડકાઉ નિવેદન આપ્યા હતા. આ બાબતની પ્રદેશ કક્ષાએ ગંભીર નોંધ લેવાઈ હતી. કહેવાય છે કે, વડોદરાના કોમી છમકલા બાદ તેમની ત્યાંની ઉપસ્થિતિથી પાર્ટીની છબી ખરડાઈ હતી. આ ઘટનાના થોડા દિવસ બાદ જ તેમની ભાજપના પ્રદેશ મહામંત્રી પદેથી હકાલપટ્ટી કરી દેવાઈ હતી. ત્યારપછી તેઓ ભાજપના કોઈપણ નાના-મોટા કાર્યક્રમમાં ખાસ દેખાતા નથી. બોલાવાતા પણ નથી
વડોદરા ભાજપને રાજકીય અખાડો બનાવનારા કોણ ?
વડોદરા ભાજપને રાજકીય અખાડો બનાવવામાં પક્ષના જ જૂનાં કાર્યકરો માહેર છે. અને તેના કારણે જ પાર્ટીમાં આંતરિક કલેહ વધી રહ્યા છે. મોદી સાહેબનાં જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમના ઈન્ચાર્જ બનાવીને ભાર્ગવ ભટ્ટની સુષુપ્ત રાજકીય કારકિર્દીને જગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેના લીધે પક્ષનાં કેટલાક કાર્યકરોમાં નારાજગી છે. અસલમાં ભાર્ગવ ભટ્ટને પ્રદેશ મહામંત્રી બનાવ્યા તે વખતે પણ વડોદરા ભાજપના કાર્યકરોમાં નારાજગી હતી. જોકે, એનાથી પ્રદેશ સંગઠન અજાણ હતું.બે વર્ષ પહેલા રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ ભાર્ગવ ભટ્ટની કામગીરીની ઘણી ટીકા થઈ હતી. રામનવમીની શોભાયાત્રાની પરમિશન જેના નામે લેવાઈ હતી. તેની અને ભાર્ગવ ભટ્ટની નીકટતા શહેર ભાજપમાં ચર્ચાનો વિષય હતી.
મોદી સાહેબનાં જીવન ચરિત્ર પર રચાયેલા 'મહાનાયક' નાટકનું વડોદરામાં મંચન
17મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ આખાય દેશમાં ભવ્ય રીતે ઉજવાશે. લોકલાડીલા વડાપ્રધાન મોદીની બર્થ-ડેની ઉજવણીમાં વડોદરા ભાજપ પણ પાછળ રહેવાનું નથી. મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણીમાં વડોદરામાં સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત વડોદરાના નવલખી મેદાનમાં 'મહાનાયક' નામના સરસ નાટકનું મંચન કરવામાં આવશે તેની ચર્ચા પણ ચાલી રહી છે. જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત હશે. કહેવાય છે કે, 'મહાનાયક'ને સફળ બનાવવા માટે કલાકારોએ ખુબ મહેનત કરી છે.
Reporter: admin







