પાલિકામાં નિમણૂકો અને બઢતી સમયે રજુ કરેલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ઝીણવટભરી ખરાઈ થતી નથી. પરિણામે કર્મચારી અધિકારી નિવૃત્ત થવાનો હોય તે જ સમયે ફરિયાદો થતી હોય છે. સામાન્ય વહીવટ વિભાગ આ બાબતે વિજિલન્ટ રહે તો ફરિયાદને અવકાશ રહે નહી
કોર્પોરેશનનાં જ કર્મચારીએ કમિશનર, રાજ્ય સરકાર સહિત વિવિધ સ્થળે ડે.ટી.ડી.ઓ. દેવમુરારી સામે નિમણુંક અને બઢતી મામલે ફરિયાદો કરી
સામાન્ય વહિવટ વિભાગની ઉદાસીનતા અને નિષ્ક્રીયતાના કારણે આજદિન સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી
કોર્પોરેશનના ડે. એક્ઝિ.ઇજનેર દિનેશ રામરતનદાસ દેવમુરારીએ અનુસૂચિત જનજાતિનું ખોટુ પ્રમાણપત્ર મેળવી બઢતી અને નોકરી મેળવી હોવાની કમિશનર સમક્ષ પાલિકાના કર્મચારીની ફરિયાદ
ગુજરાતમાં સરકારમાં રહેલા અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ખોટું જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કરીને નોકરી મેળવી હોવા બાબતે અને નોકરીમાં પ્રમોશન મેળવવા બાબતે મામલો ગરમાયો છે. સુરતના એસીપી બી.એમ.ચૌધરીએ અનુસુચિત જાતિના હોવાનું ખોટુ પ્રમાણપત્ર રજૂ કરી પીએસઆઇ તરીકે નોકરી અને પ્રમોશન મેળવી હોવાનું તપાસમાં બહાર આવતા તેમને સસ્પેન્ડ કરીને તેમની સામે ગુનો નોંધાયો છે. બીજી તરફ કાયદા વિભાગના જ વર્ગ 1ના અધિકારી ઉપ સચિવ લક્ષ્મીબેન સરમણભાઇ કટારીયાએ પણ બોગસ જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાનું તપાસમાં જણાતા તેમની સેવાઓનો પણ અંત લાવવાનો હુકમ કરાયો છે. ત્યારે વડોદરા કોર્પોરેશનમાં ફરજ બજાવતા ડે. એક્ઝિ. ઇજનેર દિનેશ રામરતનદાસ દેવમુરારીએ પણ અનુસુચિત જનજાતિનું ખોટુ પ્રમાણપત્ર દ્વારા નોકરી મેળવી હોવાનું અને બઢતી મેળવી હોવાની ફરિયાદ મ્યુનિ.કમિશનર, સરકારના શહેરી વિકાસ વિભાગ સમક્ષ કરવામાં આવી છે. આ ફરિયાદ કોર્પોરેશનના ઓડિટ શાખામાં ફરજ બજાવતા સંજય ગોવિંદયા દ્વારા જ કરવામાં આવી છે. મ્યુનિ.કમિશનર સમક્ષ ઈ-મેઇલ દ્વારા પાલિકાની ઓડિટ શાખામાં ફરજ બજાવતા સંજય ગોવિંદયા દ્વારા જે ફરિયાદ કરાઇ છે તે મુજબ કે અમે આપનું ધ્યાન વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવેલ ગંભીર ગેરરતીઓ અંગે ગેરકાયદેસર કૃત્યો તરફ ખેંચવા માંગીએ છીએ. આ બાબતે અમે અગાઉ રાજ્ય સરકાર મારફતે રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી યોગ્ય કાર્યવાહી કરાઇ નથી. જે નિંદનીય અને ચિંતાજનક છે. તેમણે જણાવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય વહિવટ વિભાગના પરિપત્ર અંક 33/21-22, તા . 28-01-2022 મુજબ ડે. એન્જિનીયરની 1 જગ્યા અનુસૂચિત જનજાતિ (એસટી) અને 4 જગ્યા સામાન્ય જાતિ માટે આંતરીક ભરતી દ્વારા ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઇ હતી તે અન્વયે હુકમ 304/21-22, તા . 22-02- 2022 મુજબ દિનેશ રામરતનદાસ દેવમુરારીને અનુસૂચિત જનજાતિની જગ્યા પર નિમણૂક આપવામાં આવી છે.
જો કે તેઓ સામાજીક અને શૈક્ષણક રીતે પછાત વર્ગ ની યાદી ક્રમ નંબર 7 મુંજબ વૈરાગી બાવા જાતિના છે જે અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં આવતી નથી. જેથી તેમની નિમણૂક સ્પષ્ટપણે ગેરકાયદેસર છે. સરકારના સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ ક્રમાંક સી આરઆર-102018-461239-ગ.2, તા . 22-10-2018 જબ મુજબ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે સ્પષ્ટ કાર્યપદ્ધતિ નિર્ધારીત છે. છતાં વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય વહિવટ વિભાગના જવાબદાર અધિકારીઓએ આ નિયમોનું પાલન જ કર્યું નથી અને દેવમુરારી દ્વારા રજુ કરાયેલા પ્રમાણપત્રોની ખરાઇ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ ઘોર બેદરકારી અને સત્તાનો દુરપયોગ ભારતીય ન્યાય સંહિતાની કલમ 221 મુજબ ગુનો ગણાય છે. તેમણે આ બાબતે શહેરી વિકાસ વિભાગમાં પણ ફરિયાદ કરી હતી અને તેમના પત્ર મુજબ આપને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી અરજદારને યોગ્ય પ્રત્યુત્તર આપવા સુચના આપવામાં આવી હતી. જો કે સામાન્ય વહિવટ વિભાગની ઉદાસીનતા અને નિષ્ક્રીયતાના કારણે આજદિન સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. જે ન્યાયની પ્રક્રિયાને અવરોધે છે. અને સામાન્ય વહિવટ વિભાગની વિશ્વસનીયતા તથા પારદર્શકતા પર પ્રશ્નો ઉભા કરે છે. ઇમેઇલ મારફતે કરાયેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું કે આ ગેરરીતી માટે જવાબદાર સામાન્ય વહિવટ વિભાગના અધિકારીઓ સામે બીએનએસ કલમ 221 હેઠળ તથા જીપીએમલસી એક્ટ 1949 કલમ 6 મજબ કડકમાં કડક કાર્યવાહી કરાય તથા દિનેશ રામરતનદાસ દેવમરારી દ્વારા રજુ કરાયેલ ખોટા પ્રમાણપત્ર તાત્કાલીક ખરાઇ કરવામાં આવે અને તેમની ગેરકાયદેસર નિમણુંક રદ કરવામાં આવે અને જો તેઓ દ્વારા આવુ કોઇ પ્રમાણપત્ર રજૂ કરેલું નથી તો નિમણુંક આપતી વખતે સામાન્ય. વહિવટ વિભાગ દ્વારા આવા અસૂચિત જનજાતિના પ્રમાણપત્ર વગર કઇ રીતે નિમણુક આપવામાં આવેલ તે નિષ્પક્ષ તપાસ કરે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તથા ખોટુ પ્રમાણપત્ર રજૂ કરવા બદલ દેવમુરારી સામે કાયદામાં નિર્ધારીત જોગવાઇ મુજબ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. તેમણે એવી પણ રજૂઆત કરી છે કે બીજી ભરતીઓમાં પણ વડોદરા મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને મ્યુનિ.કમિશનર દ્વારા નિયત થયેલ નિતી નિયમોનો ભંગ કરી ભરતીઓ કરાઇ છે જે ખોટી અમને નીતિ નિયમો વિરુદ્ધની પ્રક્રિયાઓના કારણે આ સંસ્થામાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોનાં કિસ્સા વધી ગયા છે.
ખુદ દેવમુરારીએ જવાબ આપ્યો કે તેમણે અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર મેળવ્યું નથી...
નવાઇની વાત એ છે કે સંજય ગોવિંદયાએ આ મામલે ગાંધીનગર વિશ્લેશણ સમિતીમાં ફરિયાદ કરી તો ત્યાંથી તેવો જવાબ આપવામાં આવ્યો છે કે દેવમુરારીએ સમિતીને એવો જવાબ આપ્યો છે કે તેઓ વિચરતી વિમુક્ત જાતિ પૈકી વૈરાગી બાવાનો દાખલો રજૂ કરીને નોકરી મેળવેલી છે. તેમણે અનુસુચિત જનજાતિનું કોઇ નવું પ્રમાણપત્ર મેળવેલું નથી. જો તેમણે અનુસૂચિત જનજાતિનો દાખલો રજૂ કર્યો નથી તો આ જગ્યા પર તેમની ભરતી કેવી રીતે કરાઇ ? આ મામલે કોર્પોરેશને ઉંડી તપાસ કરવી જરુરી છે.
દેવમુરારીએ મેળવેલ બંને નોકરીની તપાસ થવી જરુરી...
દિનેશ દેવમુરારી મુળ ઓબીસી છે અને તેમની પહેલી ભરતી 1989માં એડિશનલ આસિ. એન્જિ, તરીકે થઇ હતી અને બીજી 2022માં ડે. એક્ઝી.એન્જિનીયર તરીકે થઇ હતી.મે આ મામલે વિશ્લેષણ સમિતીમાં ફરિયાદ કરી તો દેવમુરારીએ કહ્યું કે તેઓ વેરાગી બાવા છે અને તેમણે અનુસુચિત પ્રમાણપત્ર રજુ કર્યું નથી. જાતિ પ્રમાણપત્ર ખરાઇનો કાયદો 2018 માં આવ્યો હતો. જો તેઓ જાતિ પ્રમાણપત્ર વિશ્લેશણ સમિતીમાં રજૂ કરે તો પકડાય તેમ છે જેથી તેમણે ઓબીસીનો દાખલો રજૂ કર્યો. કોર્પોરેશનને પ્રશ્ન કે દેવમુરારી ઓબીસી છે તો એસટીમાં કેમ ભરતી કરી? કોર્પોરેશને આ દાખલાથી 1889 અને 2022માં નોકરી આપી છે. બનવાજોગ એવું પણ છે કે તે વખતે જે ભરતી ટેબલમાં હતા તે જ લોકો હવે ખાતાકીય તપાસમાં છે.
સંજય ગોવિંદીયા , અરજી કરનાર, (પાલિકાની ઓડિટ શાખા)
સુરતના એસીબી બી.એમ.ચૌધરીએ પણ ખોટું પ્રમાણપત્ર રજુ કર્યું હતું.
સુરતમાં એસીપી તરીકે ફરજ બજાવતા બી.એમ.ચૌધરીએ અનુસુચિત જનજાતિના હોવાનું ખોટુ પ્રમાણપત્ર રજૂ કરી પીએસઆઇ તરીકે નોકરી અને એસીપી તરીકે બઢતી મેળવી હોવાનું તપાસમાં બહાર આવતા તેમની સામે ગુનો નોંધાયો છે અમને ગૃહ વિભાગે તેમને ફરજમાંથી બરતરફ પણ કર્યા છે. આ મામલે આદિજાતિ વિકાસ ટ્રસ્ટના પ્રમુખે બી એમ ચૌધરી મામલે ફરિયાદ કરી હતી જેની તપાસમાં પી. એમ. ચૌધરીને પત્ર લખીને પુરાવા રજુ કરવા જણાવાયું હતું. જો કે ચૌધરીએ અવાર નવાર રિમાઇન્ડર મોકલ્યા હોવા છતાં ચૌધરીએ પુરાવા રજૂ કર્યા ન હતા. તેઓ પોતે પણ હાજર રહ્યા ન હતા કે તેમણે પુરાવા પણ મોકલ્યા ન હતા. આખરે જિલ્લા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારી મુકેશ ગામીતે બી.એમ.ચૌધરી સામે ફરિયાદ નોંધાવી હતી.
તપાસ કરાવું છું
આ મામલો અત્યારે મારા ધ્યાનમાં નથી. હું આજે રજા પર છું પણ આવતીકાલે ઓફિસે જઇને તપાસ કરાવું છું
અરુણ મહેશ બાબુ, મ્યુનિ.કમિશનર
Reporter: admin