ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુની કંપનીને ફાળવેલ જમીનને રાહત આપતી દરખાસ્ત સ્થાયી સમિતીમાં મુલતવી રહી છે અને બાપુની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઇ છે.

માંજલપુર વિસ્તારમાં વાઘોડીયાના ધારાસભ્યની કંપનીને હરાજીમાં ફાળવેલ જમીનને ચાર વર્ષ જુના ભાવમાં આપવાની ગોઠવણ ખુલ્લી પડી જતાં રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે અને બાપુનો પનો ટૂંકો પડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.આ દરખાસ્ત રજૂ કરીને પાલિકાનાં કમિશનર જુનાં ભાવમાં સામાન્ય વ્યાજ વસુલાત કરીને ધારાસભ્યની કંપનીને લાભ આપવા માંગતા હતા. જો કે શુક્રવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સ્ટેન્ડીગના તમામ સભ્યોનો એક સૂર થતા દરખાસ્ત મુલતવી રખાઇ છે. એવી ચર્ચા થઇ હતી કે જે કંપની હરાજીની શરતોનું પાલન ના કરી શકતી હોય,તે કંપની સાથે સોદો રદ કરી નવી માર્કેટ વેલ્યુ મુજબ ફરી હરાજી કરવી જોઈએ. શરત ભંગ કરનારી કંપનીને જુના ભાવનો લાભ આપી શકાય નહી.તે કંપનીની ડીપોઝીટ પણ જપ્ત કરવી જોઈએ.ઉલ્લેખનિય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2020-21 માં યોજાયેલી જાહેર હરાજી માં જમીન વેચાણમાં પૂરતી કાર્યવાહી નહીં થતાં જમીન ખરીદનાર પાસેથી વ્યાજની વસુલાત કરી જમીન આપવા અંગેની દરખાસ્ત ફરી સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ સર્જાયો છે. આ પ્લોટની ખરીદીમાં મોટા મોટા માથા સંડોવાયેલા હોવાથી પાલિકામાં વ્યાજની વસુલાત કરીને જમીન આપવાની દરખાસ્ત કરવામાં આવી છે અને તેથી વિવાદ સર્જાયો હતો.

2020માં જ્યારે આ પ્લોટની હરાજી થઇ ત્યારે આ પ્લોટની સૌથી વધુ બોલી રેડ ઓર્ગેનાઇઝર્સ દ્વારા બોલવામાં આવી હતી જે પ્લોટની કમંત તે વખતે 4 કરોડ 58 લાખ 20 હજાર રુપિયા હતી. રેડ ઓર્ગેનાઇઝર્સના ભાગીદારોમાં ધર્મેન્દ્ર સિંહ રણજીતસિંહ વાઘેલા , કિંજલ હરીશ ભાઈ મહેતા ,જયેશ કનુભાઈ શાહ તથા ભાવેશ ચીમનલાલ દોશી અને સિદ્ધરાજ સિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. રેડ ઓર્ગેનાઇઝર્સની રજીસ્ટર્ડ ઓફિસ 508 આયવેરી ટેરેસ આર સી દત્ત રોડ અલકાપુરી ખાતે આવેલી છે.હવે વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં મહાનગરપાલિકા હસ્તકના પ્લોટોની યોજાયેલી જાહેર હરાજીમાં ટીપી સ્કીમ ૧૯ (માંજલપુર) એફ.પી ૩૨૦ (પાર્ટ)વાળો પ્લોટ વેચાણ આપવા અંગેની દરખાસ્ત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા હસ્તકના પ્લોટોની જાહેર હરાજીમાં સને ૨૦૨૦-૨૧માં ટીપી સ્કીમ નં. ૧૯ (માંજલપુર) ફાઇનલ પ્લોટ નં. ૩૨૦ (પાર્ટ)વાળો પ્લોટ વેચાણ આપવા અંગેના કિસ્સામાં દરખાસ્ત માં જણાવેલી વિગતોની જોગવાઈ, પેમેન્ટ ટર્મ્સની શરતો તથા જાહેર હરાજીની શરત નં. ૧૨ અને ૧૩માં જણાવેલ વેચાણ કિંમત ઉપર નિયમ અનુસાર વ્યાજ વસૂલ લઈને આ પ્લોટની કુલ વેચાણ કિંમત વસુલ આવ્યેથી તેનો વેચાણ દસ્તાવેજ કરી આપવા અંગે નિર્ણય થવા તથા આ કામ અંગે આગળની તમામ કાર્યવાહી કરવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને સ્થાયીમાં શુક્રવારે મળેલી બેઠકમાં આ દરખાસ્ત મુલતવી રખાઇ છે.



Reporter: admin







