બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારની કોલકાતાના એક ફ્લેટમાં ઘાતકી હત્યાના કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં પોલીસે અનવારુલ અઝીમની હત્યા બાદ લાશના ટુકડા કરનાર આરોપીની ધરપકડ કરવાનો દાવો કર્યો છે.
કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગના ફ્લેટમાં સાંસદની હત્યા કરવામાં આવી હતી. હવે પોલીસે ફ્લેટની સેપ્ટિક ટેન્કમાંથી માંસના ટુકડા મળ્યાનો દાવો કર્યો છે પોલીસે કહ્યું છે કે બાંગ્લાદેશના સાંસદની હત્યા કરનાર આરોપીએ તેમના શરીરના 80 ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ શરીરના ટુકડાને હળદરમાં ભેળવીને ન્યુ ટાઉનની આસપાસની કેનાલ સહિત વિવિધ સ્થળોએ ફેંકી દેવામાં આવ્યા હતા. હત્યા સાથે સંકળાયેલા આરોપીએ એ પણ કબૂલાત કરી છે કે સાંસદની હત્યા કર્યા બાદ શરીરના તમામ માંસને કાઢી નાખવામાં આવ્યું હતું. સાંસદની ઓળખ છુપાવવા તેના ટુકડા કરવામાં આવ્યા હતા.
માહિતી અનુસાર, આ કેસમાં પોલીસે સેપ્ટિક ટેન્કમાંથી આશરે 3.5 કિલો માંસ અને થોડા વાળ જપ્ત કર્યા છે. આ અનવારુલ અઝીમ અનારના છે કે નહીં તે જાણવા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. પોલીસને શંકા છે કે શૌચાલયમાંથી લોહી વહી ગયું હશે.એક ટીમે ગટરની પાઈપો અને સેપ્ટિક ટેન્કની તપાસ કરી છે.અનવારુલ અઝીમ અનારના મૃત્યુની તપાસ માટે ઢાકા પોલીસની ત્રણ સભ્યોની ટીમ કોલકાતા શહેરમાં છે. વહીવટીતંત્રએ કેનાલમાં પણ શોધખોળ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોના નાના-નાના ટુકડા કરવામાં આવ્યા હતા અને એવી પ્રબળ શક્યતા છે કે તેનું માસ જળચર જીવોએ ખાધું હોય. જો સાંસદના શરીરના અંગો ન મળી શકે તો અંતિમ ઉપાય તરીકે ડીએનએ પરીક્ષણ હાથ ધરવામાં આવશે.
Reporter: News Plus