News Portal...

Breaking News :

સોશિયલ મીડિયામાં જ એક્ટિવ રહેતા બાબાભાઈને વિશ્વામિત્રીના દબાણો દેખાતા નથી

2025-04-30 10:00:23
સોશિયલ મીડિયામાં જ એક્ટિવ રહેતા બાબાભાઈને વિશ્વામિત્રીના દબાણો દેખાતા નથી


બાબાભાઈ હવે બસ કરો. ઠેકડા મારવાનું બંધ કરીને કામે લાગો...  
બાબાભાઇ, વરસાદી કાંસો ઉપરનાં અને વિશ્વામિત્રીનાં દબાણો પણ તોડવા કોર્પોરેશનને ક્યારેક કહેજો.
અગાઉના બધા સાંસદોએ આ જ ધંધા કર્યા.આખરે બધાને ઘર બેસવાનો વારો આવ્યો,કેટલાકે વનવાસ ભોગવ્યો,એક સ્ટેપ નીચે ઉતરવાનો વારો આવ્યો... 



અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાનું મેગા ડિમોલીશન આજથી શરુ કરાયું છે. તેનો લાભ ઉઠાવી શહેરના સાંસદ ડો.હેમાંગ જોશી ફરીથી પબ્લીસીટી લેવા કૂદી પડ્યા છે. વડોદરામાં પણ આવા ગેરકાયદેસર દબાણો તોડવા માટે કોર્પોરેશનને વિનંતી કરી છે. સોશિયલ મીડિયામાં જ માત્ર એક્ટિવ રહેતા સાંસદ હેમાંગ જોશીએ અમદાવાદની ડિમોલીશનની ઘટનાનો ઉલ્લેખ કરી વડોદરામાં પણ ડિમોલીશન કરવાની માંગ કરી છે. જો સાંસદ હેમાંગ જોશી દબાણો જ તોડવા માગતા હોય તો તે અમદાવાદના ચંડોળા તળાવના દબાણ તૂટે તેની રાહ કેમ જોઇને બેઠા હતા.જાણે પોતે જેસીબી ચલાવીને ડિમોલીશન કર્યું હોય તેટલા ઉત્સાહ સાથે ભાઈ કુદી પડ્યા.અત્યાર સુધી તેમણે આવી માંગ કેમ ના કરી. વડોદરામાં તો અસંખ્ય દબાણો છે તો તેને તોડવા માટે વિનંતી કરવાની તેમણે અત્યાર સુધી કેમ રાહ જોઇ તે મોટો સવાલ શહેરીજનો પુછી રહ્યા છે. કોઇપણ મોટી ઘટના બને એટલે સસ્તી પ્રસિદ્ધી લેવા કૂદી પડવાનો સ્વભાવ ધરાવતા સાંસદ હેમાંગ જોશીએ ખરેખર તો કોર્પોરેશનને પુછવું જોઇએ કે મારી વિશ્વામિત્રીના પટ ઉપર ઉભા થઇ ગયેલા મોટા બિલ્ડરોની, મોટી ઇમારતો તથા માલેતુજારોના મકાનો ક્યારે તૂટશે? વિશ્વામિત્રીના તટે અનેક ગેરકાયદેસર દબાણો ઉભા થઇ ગયા છે તેને તોડવાની માંગ કેમ સાંસદ હેમાંગ જોશી કરતા નથી. વડોદરામાં એક માત્ર સુલેમાની ચાલને અગાઉ તોડી પડાઈ છે. અને અત્યારે ત્યાં પોલીસ સ્ટેશન પણ ઉભુ થઇ ગયું છે.આ અભિયાન કોઈ નેતાએ નહી પણ બહાદુર તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે પાર પાડ્યું હતું. સાંસદ કહેવા શું માગે છે? આપણા સાંસદ સસ્તી પ્રસિદ્ધી મેળવવા આ પ્રકારની જાહેરમાં માગ કરે તે કેટલું યોગ્ય છે તેવો સવાલ પણ પુછાઇ રહ્યો છે. માત્ર સીનશોટ કરવા અને વાતો કરવા માટે જ પંકાયેલા હેમાંગ જોશી હવામાં ગોળીબારો જ કરતા ફરે છે. અગાઉ કુંભમેળામાં ટ્રેન અને બસ શરુ કરાવાનો જશ લેવાનો પણ તેમણે બાલીશ પ્રયાસ કર્યો હતો. તેમણે સમજવું જોઇએ કે સાંસદ છે. તેમણે વડોદરાના 5 ધારાસભ્યો તથા વડોદરાના તમામ કોર્પોરેટરને વ્યક્તિગત મળી તેમના વિસ્તારના ગેરકાયદેસર દબાણો ક્યા છે. તેની માહિતી મેળવી પોલીસ અને મ્યુનિસીપલ કમિશનરને આપવી જોઇએ અને દબાણો તોડવા કહેવું જોઇએ. તેના બદલે તેઓ સોશિયલ મીડિયા પર કોર્પોરેશનને દબાણો તોડવાનું કહી રહ્યા છે. કોઇપણ ઘટના બને કે તરત જ સાંસદ પ્રસિદ્ધી મેળવવા કૂદી પડે છે તે હવે સ્પષ્ટ થઇ ગયું છે. સાંસદને કહેવાનું મન થાય છે કે આવી સસ્તી પ્રસિદ્ધી મેળવવાનું બંધ કરો. તેમણે તેમના 10 મહિનાના કાર્યકાળમાં વડોદરાની જનતા માટે ક્યા મોટા 10 મહત્વના કામો કરાવ્યા તે જાહેર કરો, પણ તે નહી કરે કારણ કે તેમણે એવું કોઇ કામ જ કર્યું નથી. દબાણો તોડવાની વાતો કરનારા સાંસદે પહેલા વરસાદી કાંસો પર ઉભા થઇ ગયેલા દબાણો તોડવાની માગ કરવી જોઇએ અને પૂર ના આવે તે માટે જાતે જ વરસાદી કાંસ ઉપર અને વિશ્વામિત્રીના કિનારે ઉભા થયેલા દબાણો તોડવા આગળ આવવું જોઇએ અને કોર્પોરેશનની સાથે રહીને અભિયાન ચલાવવું જોઇએ. સાંસદ હેમાંગ જોશીના કાર્યક્ષેત્રમાં એએસઆઇ પણ આવે છે તો વડોદરાની ઐતિહાસીક ઇમારતો જે જર્જરીત થઇ રહી છે.  તેને બચાવવા માટે હેમાંગ જોશીએ શું કર્યું અને કેટલી ઇમારતો બચાવી તે પણ જાહેર કરવી જોઇએ. જર્જરીત હેરીટેજ દરવાજા ઉપર ઠેકડા મારવાથી કશું વધે નહી. સાંસદનો ગેરકાયદેસર દબાણો તોડવામાં પનો તો ટૂંકો પડે છે. ગેરકાયદેસર બાંધકામ માટે જવાબદાર પૂર્વ ભ્રષ્ટ ટીડીઓ સામે પગલા લેવા કેમ રજુઆત થતી નથી. વિશ્વામિત્રીના તટે રહેલું અગોરાનું સામાન્ય દબાણ તોડી વાહવાહી મેળવી. બાકીની તોતિંગ દિવાલ કોણ દુર કરશે ? નવલાવાલા રિપોર્ટ તો પ્રજા માટે જાહેર કરતા નથી. વરસાદી કાંસોની સફાઇ કરતા નથી, કાંસોનું દબાણ તોડતા નથી, વિશ્વામિત્રીમાંથી સ્લજ તો કાઢતા નથી. એક જ સાઇડની કામગીરી થઇ છે તે મુદ્દે કેમ સાંસદ બોલતા નથી.પ્રભારી મંત્રી સહિત અન્ય મંત્રીએ સુપરવિઝન માટે આવવું પડે છે.મુખ્ય મંત્રી પણ મોનિટરિંગ કરવા બે દિવસમાં આવવાનાં છે.આપણી માટે શરમજનક કહેવાય. રાજ્ય સરકારને પણi વડોદરાના તંત્ર ઉપર ભરોસો રહ્યો નથી.



સાંસદે 10 મહિનામાં કરેલા 10 કામો જાહેર કરવા જોઇએ...
બાબાભાઇએ સોશિયલ મીડિયા પર દબાણો તોડવા માટે કોર્પોરેશનને વિનંતી કરી છે પણ તેમણે સાંસદ તરીકે વડોદરા માટે શું કર્યું તે પણ સોશિયલ મીડિયા પર જાહેર કરવું જોઇએ. તેમને સાંસદ તરીકે એક વર્ષ પૂર્ણ થવાના આરે છે. તો બાબાભાઇએ એક વર્ષમાં વડોદરાની જનતા માટે ક્યા મહત્વના 10 કામો કર્યા છે તે જાહેર કરવું જોઇએ પણ તેના બદલે તે સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે આ પ્રકારના ફાલતુ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી નિવેદનો આપી રહ્યા છે જે એક સાંસદને શોભે તેવા નથી.

વિશ્વામિત્રીના દબાણો તોડવામાં કેમ મૌન...
સાંસદ હવે અમદાવાદાના મેગાડિમોલેશન બાદ વડોદરામાં પણ દબાણો તોડવાની વાતો કરી રહ્યા છે તો સાંસદ મહોદયે જાણવાની જરુર છે કે વડોદરામાં 1 વર્ષમાં ત્રણ ત્રણ વખત પૂરનો સામનો કરી કરોડોનાં માલ મિલકતનું નુકશાન વેઠનારા વડોદરાવાસીઓ ઇચ્છે છે કે વિશ્વામિત્રીના તટે ઉભા થઇ ગયેલા માલેતુજારોના દબાણો, હોટલો અને બિલ્ડરોના દબાણો તો પહેલા તોડો. તે તોડવાની કેમ સાંસદ માંગ કરતા નથી જેની ખરેખર જરુર છે. પૂર વખતે તો દિલ્હી જતા રહેલા સાંસદને ખબર નહીં હોય કે વડોદરાની જનતાએ પૂરમાં કેટલું ગુમાવ્યું છે. સાંસદે આ વખતે પૂર ના આવે તે માટે વરસાદી કાંસોની સફાઇ કરાવી કે કાંસ ઉપરનકં દબાણો તોડાવવા કોઈ ભલામણ કરી.તેવો સવાલ પણ વડોદરાવાસીઓ પુછી રહ્યા છે. 

સસ્તી પ્રસિદ્ધી મેળવવાની બાલીશ હરકત...
સાંસદ કોઇ પણ ઘટના બને એટલે તેમાંથી કેટલી પ્રસિદ્ધી લઇ લેવાય તેવી વેતરણ કરતા જ રહે છે અને તેથી અમદાવાદમાં દબાણો તોડ્યા એટલે તુરત જ કૂદી પડીને  વડોદરામાં પણ દબાણો તોડવા જોઇએ તેવી માગ કરીને બાલિશ હરકત કરી છે. બાબાભાઇ, કોર્પોરેશનમાં પણ ભાજપ જ છે અને 5 ધારાસભ્યો પણ ભાજપના છે અને કોર્પોરેટરો પણ ભાજપના છે.30 વર્ષથી ભાજપનું રાજ છે. આ બધા દબાણો 30 વર્ષમાં જ વધ્યા છે. તમારે બધાએ નક્કી કરીને વિશ્વામિત્રીના દબાણો તોડવા જોઇએ. નહિંતર જો આ વખતે પૂર આવ્યું તો વડોદરાની પ્રજા ક્યારેય માફ નહી કરે.ઠેકડા મારવાનું બંધ કરી બોલ્યા વગર કામ કરીને બતાવો.કામ આપોઆપ બોલશે.

Reporter: admin

Related Post