પ્રસિદ્ધીનાં ભુખ્યા સાંસદ ડૉ.હેમાંગ જોશી અમદાવાદ પ્લેન ક્રેશમાં પીડિતોને મદદ કરવાના નામે પણ પોતાની પ્રસિદ્ધીનો લાભ લેવાનું ચુકતા નથી.

સાંસદ હેમાંગ જોશીની જેમ અનેક લોકો એવા છે કે જે પ્લેન ક્રેશ કાંડના મૃતકોના પરિવારોને એક યા બીજા પ્રકારે મદદ કરી રહ્યા છે. અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં તમે નજર માંડશો તો પીડિતોને મદદ કરનારા અનેક સ્વયંસેવકો મળી આવશે. સરકારી તંત્ર પણ આ તબક્કે પીડિતોને જલદી મૃતદેહો મળે અને તેમના અંતિમ સંસ્કાર કરી શકાય તે માટે વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. પીડિતોને અમદાવાદમાં રહેવા માટે સર્કિટ હાઉસ સહિતના સ્થળો પર વ્યવસ્થા કરાઇ છે. તો સાથે સાથે તેઓને આવવા જવામાં કોઇ તકલીફ ના પડે તે માટે પણ વાહન વ્યવસ્થા કરાઇ છે. અમદાવાદની જાગૃત જનતા, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘથી માંડીને મુસ્લિમ બિરાદરો પણ સિવીલ હોસ્પિટલમાં ખડે પગે છે. આ ઉપરાંત સામાન્ય નાગરિક પણ મૃતકોના પરિજનોને પોતાની રીતે જે મદદ કરી શકાય તે મદદ કરી રહ્યો છે. વડોદરાના સાંસદ બાબાભાઇ મદદ કરવાના નામે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધી પણ કરી રહ્યા છે. સાંસદે સમજવું જોઇએ કે સાંસદ તરીકે આ તમારી ફરજ છે. લોકોએ તમને ચૂંટેલા છે તો તમારે આ ફરજ નિભાવવી જોઇએ. તેમાં તમે કોઇ મોટી ધાડ મારી રહ્યા નથી. તમારી ફરજ છે અને એટલે તમે આ કરો છો. તમારા સિવાય વડોદરાના એવા અનેક ભાજપના કાર્યકરો કે નેતાઓ છે તેઓ પણ પીડિતોના પરિજનોને મદદ કરી રહ્યા છે પણ કોઇ આ રીતે સસ્તી પ્રસિદ્ધી કરતું નથી. કોઇને મદદ કરીને તેના ફોટા પાડીને તમે સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરો તે કેટલા અંશે વાજબી છે. તે સવાલ વડોદરાવાસીઓ તમને પુછી રહ્યા છે. તમારે ચુપચાપ કામ કરવું જોઇએ. તમારે સોશિયલ મીડિયામાં માત્ર તમારો નંબર વાયરલ કરવો જોઇએ અને લખવું જોઇએ કે અડધી રાત્રે તમે મને આ નંબર પર કોલ કરવો. ગુજરાતના ઘણા જિલ્લાના આ મૃતકો છે અને તે જિલ્લાના ભાજપ કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો તેમના જિલ્લાના મૃતકોના પરિવારોને કોઇ પણ પ્રકારે મદદ કરી જ રહ્યા છે.
સાંસદની સોશિયલ મીડિયા પોસ્ટ....
સાંસદ હેમાંગ જોશી સોશિયલ મીડિયામાં લખે છે કે અમદાવાદ વિમાન દુર્ઘટના ના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બી જે મેડિકલ કોલેજ, કસોટી ભવન ખાતે વડોદરાના મુસાફરોના સગા વ્હાલા ને મળી DNA સેમ્પલ લેવા તથા એમના સ્વજન વિશે ની માહિતી મેળવવા માટે સ્થાનિક આરોગ્ય તંત્ર સાથે સંકલન કર્યું તથા કર્ણાવતી મહાનગરના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી. મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગભાઈ દાણી તમામ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી. સરકારની વ્યવસ્થા ઉપરાંત, સંગઠનના તમામ કાર્યકર્તાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ સ્વયંસેવકો દ્વારા સંયુક્ત રીતે દિવસ રાત તમામ સગા વ્હાલા ને રહેવા તથા જમવાની વ્યવસ્થા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે તબીબો, પોલીસ કર્મચારીઓ, મીડીયાકર્મીઓ તમામ માટે યથા સંભવ વ્યવસ્થા કરવામાં આવી છે.

સસ્તી પ્રસિદ્ધી મેળવવાની બાબાભાઇની આ જૂની આદત...
ભુતકાળમાં પણ સાંસદે અનેક વાર પ્રસિદ્ધી લેવાનો પ્રયાસ કર્યો છે. ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય પ્રતિનિધીમંડળમાં વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીને સ્થાન મળ્યું એટલે તમે વિદેશમાં ભારતનો પક્ષ તો મુક્યો પણ તરત જ વડોદરા આવીને પ્રેસ કોન્ફરન્સ પણ કરી નાખી હતી અને જાણે પોતે જ યુદ્ધ જીતીને આવ્યા હોય તેવો માહોલ ઉભો કરેલો હતો. કુંભ મેળામાં ટ્રેન અને બસ શરુ કરાવી તેમાં પણ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ હેમાંગ જોશીએ, એક વર્ષનો કાર્યકાળ પુર્ણ કર્યો છે. બાબાભાઇએ બાર મહિનામાં બાર વખાણવા લાયક કામ કર્યા નથી. વડોદરાના સળગતા પ્રશ્નો હજુ પણ ઉભા છે. વડોદરાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ હજુ મળી નથી. પૂર્વ સાંસદે કરેલા અધુરા કામો પણ પૂર્ણ કર્યા નથી અને એક પણ નવું કામ તો તેમણે પુરુ કર્યું નથી પણ પ્રસિદ્ધીની વાત આવે ત્યારે લોકોને ગુમરાહ કરવા સોશિયલ મીડિયાનો સહારો લઇ લે છે.
RSSનાં સ્વયંસેવકોએ કેટલીક જવાબદારી સ્વયંભૂ સંભાળી લીધી...
આરએસએસના સ્વયંસેવકોને ક્યાંય પ્રસિદ્ધીની ભૂખ દેખાતી નથી.પ્લેન ક્રેશની ઘટના બાદ તુરત જ આરએસએસના સ્વયંસેવકો અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા તો કેટલાક સ્વયંસેવકો પ્લેન ક્રેશ સાઇટ પર પણ પહોંચ્યા હતા અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. સિવીલ હોસ્પિટલમાં સ્વયંસેવકો ખડેપગે રહ્યા છે અને મૃતકોના પરિવારોને દરેક શક્ય તેટલી મદદ કરી રહ્યા છે. આરએસએસના સ્વયંસેવકો દરેક કુદરતી આફત અને માનવસર્જિત આફતમાં હંમેશા તત્કાળ સ્થળ પર પહોંચી જાય છે તેવું આપણે ભુતકાળના દરેક બનાવોમાં જોયેલું છે. હંમેશા મૌન રહીને તેઓ દરેકને મદદ કરવાના પ્રયાસો કરે છે. તેમને ક્યાંય પ્રસિદ્ધીની ભુખ દેખાતી નથી.
ભોગ બનેલાઓનાં પરિવારને વળતર અપાવવા સાંસદે સરકારને ભલામણ કરવી જોઈએ...
ટાટાએ સામેથી જ ભોગ બનેલા પરિવાર માટે એક કરોડની જાહેરાત કરી દીધી. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી પણ ભોગ બનેલાઓનાં પરિવારને કંઈને કંઈ વળતર અપાવવા સાંસદે સરકારને ભલામણ કરવી જોઈએ. જેથી પરિવારના અન્ય સભ્યો સ્વમાન સાથે જીવી શકે. વડોદરાના 27 પરિવારને તેમની બોડી મળી જાય, તેમને વડોદરા સુધી લાવવાની વ્યવસ્થા થઈ જાય. શક્ય હોય એટલો એમનો સામાન-દરદાગીનાં મળી જાય તેટલી વ્યવસ્થા કરો તો પણ ઘણું છે. ફક્ત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનાં ચોક્કસ વિભાગ સાથે સંકલનમાં રહેવાનું છે બાકી બધું તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ કામ કરી જ રહી છે. એનો જસ પણ બાબાભાઈએ લેવાની જરૂર નથી.
Reporter: admin







