સાંસદ હેમાંગ જોશી, મોદીની ગુડ બુકમાં સ્થાન લેવું છે તેથી અવનવા તાયફા કરે છે (ટોપી)
વડોદરાના સાંસદ હેમાંગ જોશી પાસે વડોદરાનો કોઇ મુદ્દો નથી કે તે વડાપ્રધાનને જઇને રજૂઆત કરે કે સંસદમાં રજૂઆત કરશે પણ ઓપરેશન સિંદૂર કે જેને વડોદરાની સાંસદની કામગીરીમાં કોઇ લેવા દેવા નથી તો પણ પ્રતિકૃતિ તૈયાર કરાવીને તે પીએમ મોદીને ભેટ આપવા જઈ રહ્યા છે. આપવા જતા પહેલા જ સીન-શોટ કરી રહ્યા છે. બાબાભાઇને વડોદરાનાં હરણી કાંડના પીડિતો માટે સંસદમાં 2 શબ્દો પણ બોલ્યા હોત તો વડોદરાની જનતા રાજી થાત અને ન્યાયની આશા બંધાત પણ સાંસદ માટે વડોદરાના પ્રશ્નો એ પ્રશ્નો જ નથી. તે હવે રાષ્ટ્રીય નેતા થઇ ગયા છે,તેવો દેખાડો કરતા થઈ ગયા છે. તેથી તે ઓપરેશન સિંદૂર જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ વિશે જ વાત કરે છે. આ મુદ્દે પીએમ મોદીને તેઓ ખુશ કરીને તેમની ગુડ બુકમાં સ્થાન જમાવવા માગે છે જેથી આગલા 10 થી 15 વર્ષ સુધી ટિકીટ પાકી થઇ જાય. કોઇ પણ ભોગે પક્ષમાં પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની નજરમાં આવવું તે જ તેમનું ધ્યેય છે બાકી વડોદરાના પ્રાણપ્રશ્નો સંસદમાં રજૂઆત કરવાનો તેમને સમય નથી. હેમાંગ જોશી પહેલા દિવસે જ્યારે સંસદમાં ગયા ત્યારે તેમણે ડોક્ટરોની/હોસ્પિટલનાં સંચાલકોની સમસ્યા વર્ણવી. આયુષ્યમાન યોજનામાં ડોક્ટરોનાં ક્લેઈમ મળતા નથી, તેવી રજૂઆત કરી હતી. ત્યાર પછી તે વિપક્ષના નેતા રાહુલ ગાંધી જોડે બાખડ્યા હતા. ત્રીજી વાર તેમણે વડોદરા એરપોર્ટ મુદ્દે બે લીટીની લાઈન આઈપેડ માં જોઇ જોઇને રજૂઆત કરી દીધી હતી. ભાઇ સંસદમાં નેતાઓ કેટલા ઘાંટા પાડી પાડીને રજૂઆતો કરે છે તે તો તમને જોતા જ હશો તો તમે કેમ આટલી હિંમત બતાવી શકતા નથી કે વડોદરાના આ પ્રાણપ્રશ્નોની તત્કાળ ઉકેલ લાવો. બાબાભાઇ ભુલી ગયા છે કે તે જ્યારે સાંસદ બન્યા ત્યારે તેમણે વાયદો કરેલો કે અઢી વર્ષમાં હું જેટલા મતથી જીત્યો તેટલા ઝાડ વાવીશ પણ તેમને જીત્યાને એક વર્ષ ઉપરનો સમય થઇ ગયો છે તો અત્યાર સુધી કેટલા ઝાડ વાવ્યા ? તે તો જાહેર કરો. નહી કરી શકે કારણકે ઝાડ વાવવુ તેમનું લક્ષ્ય નથી. તેમનું લક્ષ્ય એ ક જ છે કે પીએમ મોદીની ગુડ બુકમાં આવવું અને ટોચના રાષ્ટ્રીય નેતા બનીને ફાંકા ફોજદારી કરવા. ભલે પીએમ મોદીની નજીક જાવ પણ પહેલા વડોદરાના પ્રાણપ્રશ્નોનો તો ઉકેલ લાવો. દુનિયાભરના સપના બતાવો છો તો તમે વડોદરા માટે શું કરો છો તે તો જાહેર કરો. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તો કેન્દ્ર સરકારની છે અને વડોદરા જિલ્લામાં ધુતારા આ યોજના હેઠળ લોકોને લૂંટી રહ્યા છે તો તેના વિશે પણ રજૂઆત કરીને ન્યાય તો અપાવો. રાજકોટ દુર્ઘટનામાં તુરત તમે સહાય જાહેર કરી હતી. ભલે આ સહાય જાહેર કરી પણ તમે તમારા મતવિસ્તાર એવા વડોદરાના હરણી કાંડના પિડીતોને કેટલી સહાય કરી અને તેમને ન્યાય મળે તે માટે શું પ્રયાસ કર્યા તે પણ બાબાભાઇએ વડોદરાની જનતાને જણાવવાની જરુર છે. હરણી બોટકાંડમાં રજૂઆતો કરનારાને તો તમે પક્ષની બહાર કાઢી મુક્યા તો તમે એક શબ્દ કેમ ના બોલ્યા? તમે હરણી કાંડના પીડિતોને શું ન્યાય અપાવ્યો તે તો જાહેર કરો.આ એકેય સવાલોનો જવાબ નહી આપે કારણ કે તેમની પાસે જવાબ જ નથી. બાબાભાઇને હવે રાષ્ટ્રિય નેતા બનીને ફાંકા ફોજદારી કરવી છે અને તેથી પીએમ મોદીની નજરમાં ગમે તે ભોગે આવવા માંગે છે અને તેથી જ ઓપરેશન સિંદૂરની પ્રતિકૃતી ભેટ આપવી તેવી તિકડમબાજી કરે છે. આ પ્રતિકૃતિ કયા કલાકારે બનાવી? કેટલા સમયમાં બનાવી? તે તો જાહેર કરો..બજારમાંથી ખરીદી લાવીને પીએમ મોદીને આ રીતે ખુશ ના કરાય બાબાભાઇ. ભલે ઓપરેશન સિંદૂરની પ્રતિકૃતિ તમે બનાવડાવી પણ વડોદરા શહેરના પ્રાણપ્રશ્નોનું આવેદનપત્ર બનાવડાવ્યું કે કેમ તે તો જાહેર કરો. એરપોર્ટની ફ્લાઇટનો મુદ્દો તો ગત સાંસદે કરેલા કામોમાં આવે છે. તમે બીજું શું નવું લાવ્યા તે તો જાહેર કરો.બાબાભાઈ જાહેર નહી કરે કારણ કે તે મૂળ પોરબંદરના છે. વડોદરામાં તે ભણવા અને રોજીરોટી માટે આવેલા છે જેથી વડોદરા માટે તેમને લાગણી જ નહી હોય તેથી વડોદરાવાસીઓના પ્રાણપ્રશ્નોનો ઉકેલ લાવવા તેમનું મન રાજી રહેતું નથી.

હેમાંગ જોશીને વડોદરા પ્રત્યે લાગણી જ ના હોય તેનું કારણ..
સાંસદ હેમાંગ જોશી મુળ વતન પોરબંદરના છે અને વડોદરામાં તેભણવા- કમાવવા માટે આવેલા છે,જેથી વડોદરા માટે તેમને લાગણી જ નહી હોય અને તેથી વડોદરાવાસીઓના પ્રાણપ્રશ્નોનો ઉકેલ લાવવા તેમનું મન રાજી રહેતું નથી. સ્વાભાવીક છે કે વતન પ્રત્યે કોઇ પણ વ્યક્તિની લાગણી હોય પણ જ્યાં ભણવા-કમાવવા આવેલા હોય તે સ્થળ અને તેના લોકો સાથે લાગણી ના પણ હોય અને સાંસદનું પણ એવું જ છે. કિસ્મત ચમક્યું અને કેટલાક આકાના આશિર્વાદ મળ્યા એટલે પીએમ મોદીના નામે કોઇ ઓળખતું ના હોવા છતાં લોકોએ તેમને સાંસદ બનાવી દીધા. હવે વડોદરા તેમનું વતન જ નથી તો વડોદરાના પ્રશ્નો ઉકેલવા તેમનું મન કેમ માને? તેમનું મન તો પોરબંદરના પ્રશ્નો ઉકેલવામાં હોયને તે પણ સ્વાભાવિક છે. પીએમ મોદી ના નામે ચૂંટાઇ ગયેલા સાંસદ લાગણી ચુકી ગયા.
બાબાભાઈની લાગણી તો જુઓ કે રાજકોટમાં લાખોનું દાન અને હરણી પીડિતોને 1 રુપિયો પણ નહી
રાજકોટ દૂર્ઘટના વખતે 5.82 લાખ રુપિયાનું દાન કરેલું હતું . ભલે આ દાન કર્યું તેનો અમને વાંધો નથી પણ હરણી બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવા તમે શું સહાય કરી તે સવાલ વડોદરાવાસીઓને થઇ રહ્યો છે. હરણી બોટકાંડ વખતે તો તમે શિક્ષણ સમિતીના ઉપાધ્યક્ષ હતા તો તમે આ હતભાગી બાળકો અને શિક્ષકો પ્રત્યે સંવેદનશીલતા રાખતા હોત તેવું વડોદરાવાસી માનતા હતા પણ સાંસદ તરીકે તમે હરણીના પીડિતોને એક પણ રુપિયા સહોય કરી નથી અને તેમના ન્યાય મળે તેવો એક પણ પ્રયાસ પણ કર્યો નથી. તમે સાંસદ છો તો તમારી પાસે પ્રજા આટલી તો અપેક્ષા રાખે કે સાંસદ અમને ન્યાય અપાવશે પણ તમે તેમાંથી પણ ગયા છો. ઉલટાનું જે વ્યક્તિ પીડિતોને ન્યાય મળે તે માટે સંઘર્ષ કરતો હતો તેને તમારી પાર્ટીએ કાઢી મુક્યો અને તમે એક પણ શબ્દ પણ બોલ્યા ન હતા.
સાંસદે અત્યાર સુધી કર્યું શું..
હેમાંગ જોશી પહેલા દિવસે જ્યારે સંસદમાં ગયા ત્યારે તેમણે ડોક્ટરોની સમસ્યા વર્ણવી આયુષ્યમાન યોજનામાં ડોક્ટરોને પૈસા મળતા નથી તેવી રજૂઆત કરી હતી તો ત્યાર પછી તે વિપક્ષના નેતા રાહુલ ગાંધી જોડે બાખડ્યા હતા અને ત્રીજી વાર તેમણે વડોદરા એરપોર્ટ મુદ્દે જોઇ જોઇને રજૂઆત કરી દીધી હતી. ભાઇ સંસદમાં નેતાઓ કેટલા ઘાંટા પાડી પાડીને રજૂઆતો કરે છે તે તો તમને જોતા જ હશો તો તમે કેમ આટલી હિંમત બતાવી શકતા નથી કે વડોદરાના આ પ્રાણપ્રશ્નોની તત્કાળ ઉકેલ લાવો. કેન્દ્રમાં તમારી સરકાર છે તો મંત્રીઓને રજૂઆત કરી વડોદરામાં સારા કામો કરાવો, સારા પ્રોજેક્ટો લાવો પણ જે કરવાનું છે તે તમે કરતા નથી અને આ રીતે પીએમ મોદીને નજીક જવા તમે પ્રતિકૃતીઓ ભેટમાં આપો છો.

આપણાં સાંસદ શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ કેમ ના જીતી શક્યા તેની પણ પ્રેસ કોન્ફરન્સ કરવી જોઇએ
બાબાભાઈ ખાલી વાતોના વડા જ કરે છે અને મીડિયામાં પબ્લિસીટી મેળવીને લોકોને ઉંધા રવાડે ચઢાવી રહ્યા છે. તમે સવા વર્ષથી સાંસદ રહ્યા છો તો હમણાં જાહેર થયેલા શ્રેષ્ઠ સાંસદોના નામમાં તમારું નામ કેમ નથી તે તો વિચારો, વડોદરાના લોકો તો વિચારી રહ્યા છે કે આટલા જોરદાર સાંસદને અમે ચૂંટ્યા છે તો તેઓ એવોર્ડ લેતા આવશે પણ તમારું તો યાદીમાં ક્યાંય નામ પણ નથી. સાંસદ હેમાંગ જોશીને શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ મળ્યો તે તમારા સોશિયલ મીડિયામાં કેમ દેખાતું નથી.? બસો, ટ્રેનો શરુ કરાવો છો, ઓપરેશન સિંદૂરની પ્રતિકૃતી પીએમને આપો છો પણ તમે તમારી મુળભૂત ફરજ કેટલી બજાવી તે તો જાહેર કરો જેના આધારે શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ મળત પણ તમે એ બધુ જાહેર નહી કરો કારણ કે તમારી પોલ ખુલી જશે. સસ્તી પ્રસિદ્ધી મેળવવાની ઇચ્છા રાખતા બાબાભાઇએ શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ કેમ ના જીતી શક્યા તેની પ્રેસ કોન્ફરન્સ કરવી જોઇએ
સાંસદ હરણી બોટકાંડના પીડિતો તમને યાદ કરતા હતા
સાંસદની ખરી ભૂમિકા હરણી બોટકાંડમાં હતી જ્યારે બાર માસૂમ બાળકો અને બે શિક્ષીકાઓ તંત્ર, કોન્ટ્રાક્ટર અને શાળાની બેદરકારીના કારણે મોતને ભેટ્યા હતા. આ દૂર્ઘટનામાં સાંસદ બાબાભાઇએ પીડિતોને શું મદદ કરી તે જાણવાનો પણ વડોદરાની જનતાને હક છે. તમે પીડિતોને ન્યાય અપાવવા શું કર્યું તે પણ જાહેર કરો કારણ કે વડોદરાની જનતા તમારા ઠાલા પ્રવચનો અને ટીવી બાઇટ સાંભળવામાં રસ ધરાવતી જ નથી. હરણી કાંડ વડોદરાની કરુણાંતિકા છે અને એક સાંસદ તરીકે તમારે સહાનુભૂતિ દાખવી પીડિતોને મદદ કરવી જોઇએ અને કસુરવારોને કડક સજા થાય તે માટે ખાસ પ્રયાસો કરવા જોઇએ અને રોજે રોજ તેનું મોનીટરીંગ કરવું જોઇએ જેથી વડોદરાની સામાન્ય જનતાને પણ થાય કે સાંસદ અમારી પડખે ઉભા છે પણ તમે એવું નહી કરો એ પણ વડોદરાની જનતાને ખબર છે કારણ કે તેમાં ક્યાંકને ક્યાંક તમારા હાથ પણ કાળા થયેલા હોઇ શકે છે.
બાબાભાઈ ..કેટલા ઝાડ વાવ્યા તે તો જાહેર કરો
બોલ બચ્ચન કરવામાં માહેર બાબા ભાઈ 5,82,126 મતો જીત્યા બાદ દાવો કર્યો હતો કે જેટલા મતોથી જીત્યો છું તેટલા હું અઢી વર્ષમાં વડોદરામાં વૃક્ષ વાવીશ તો હવે બાબા ભાઈ ને યાદ કરાવવું જરુરી છે કે તમારેજીત્યે સવા વર્ષ થઇ ગયું છે. તમે દિલ્હીમાં સેટ પણ થઇ ગયા છો. તમને કેટલી ગ્રાન્ટ મળે છે તે પણ તમે બરાબર સમજી લીધું છે. કેન્દ્રની યોજનાઓના કોન્ટ્રાક્ટરો પણ કોણ છે તેની યાદી પણ મેળવી લીધી છે. પીએમ મોદીની ગુડ બુકમાં આવવા માટે અવનવા તાયફા પણ કરી લીધા છે પણ હવે તો કો કે આ સવા વર્ષમાં તમે વડોદરામાં તમારા જ વાયદા મુજબ કેટલા ઝાડ વાવ્યા છે. કેટલા ઝાડ વાવ્યા, કેટલાનો ખરેખર યોગ્ય રીતે ઉછેર થયો તેની માહિતી તો વડોદરાની જનતાને જણાવો ભલા માણસ
પીએમ મોદીની નજીક જવા સાંસદના તાયફા
વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે ગેરવર્તન કરવું સહિતના મુદ્દા તથા ઓપરેશન સિંદૂરની પ્રતિકૃતી પીએમ મોદીને ભેટમાં આપીને સાંસદ હેમાંગ જોશી પીએમ મોદીની ગુડબુકમાં જવા માગે છે. કોઇ પણ ભોગે વડાપ્રધાનની નજરમાં આવી જાઉં તો આગામી બે ત્રણ ટર્મ ટિકીટ પાકી થઇ જાય તેવી મનમાં રહેલી લાલચ હોય તેમ લાગી રહ્યું છે. પીએમ મોદીનો પ્રજાની સેવા કરનારા નેતાને પહેલી નજરમાં ઓળખી કાઢે છે અને ચાટુકારોને તો દુરથી ઓળખી કાઢે છે તે બાબા ભૈ એ કદાચ સમજ્યું નથી. તમે ગમે તેટલા કુદકા મારો પણ પીએમ મોદી જ્યારે તમને એક સવાલ કરશે અને તમે તાતા થૈયા કર્યા તો સમજો ગયા...
વડોદરા પ્રત્યે પ્રેમ હોત તો બાબા ભાઈ એ હરણી પીડિતો માટે આંદોલન કર્યું હોત,
સાંસદ વડોદરા પ્રત્યે કે વડોદરાવાસીઓ પ્રત્યે કોઇ પ્રેમ નથી નહીંતર વડોદરાવાસીઓના પ્રાણપ્રશ્નોનો તેઓ આ સવા વર્ષમાં ઉકેલ લાવ્યા હોત. હરણી કાંડના પીડિતોને ન્યાય અપાવ્યો હોત પણ તે પોતે જ વડોદરાના નથી એટલે વડોદરા પ્રત્યે પ્રેમ ક્યાંથી હોય તે પણ એક સવાલ છે. વડોદરા તો તે રોજીરોટી કમાવા આવેલા અને રાજકારણમાં જોડાયા અને કિસ્મત ચમક્યું અને આકાઓના આશિર્વાદ મળ્યા અને પીએમ મોદીનું નામ એટલે તુરત જ ચૂંટાઇ ગયા. એમની પહેલી પ્રાથમિક્તા પોરબંદરની છે કારણકે તે તેમનું વતન છે. જો વડોદરા વતન હોત તો તેમણે હરણી કાંડના પીડિતોને ન્યાય અપાવ્યો હોત.આ માટે તેઓ ઉગ્ર આંદોલન પણ કરત અને પોતાની સરકાર સામે અને કોર્પોરેશનના પોતાના જ શાસકો સામે ધરણાં પર ઉતર્યા હોત. આ બધું કર્યું નથી જેથી વડોદરાની જનતા તો માને છે કે બાબાભાઇ વડોદરાને અણમાનીતું માને છે. તેમની અગ્રીમતા તો પોરબંદર જ છે.



Reporter: admin







