અમદાવાદ: કુબેરનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક ઝઘડામાં એક પતિએ પોતાની પત્ની અને સાસુને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં પત્ની અને તેની માતા ગંભીર રીતે દાઝી ગઈ છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, કુબેરનગરના આઝાદ મેદાન પાસે રહેતા એક પરિવારમાં પતિ-પત્ની વચ્ચે બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગુસ્સે ભરાયેલા પતિએ જ્વલનશીલ પદાર્થ પત્ની પર છાંટીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી આરોપી પતિએ તેની પત્નીની માતા પર પણ જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી.
ગંભીર રીતે દાઝી ગયેલી પત્ની અને તેની માતાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેની હાલત ગંભીર છે અને ડોક્ટરો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.ઘટના બાદ આરોપી પતિ સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સરદારનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના પાડોશીઓની પૂછપરછ શરૂ કરી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







