News Portal...

Breaking News :

વડોદરા કોર્પોરેશનની ચુંટણી નજીક આવતા જ ભાજપના ગઢમાં ગાબડા પડવાની શરુઆત

2025-09-15 11:23:46
વડોદરા કોર્પોરેશનની ચુંટણી નજીક આવતા જ ભાજપના ગઢમાં ગાબડા પડવાની શરુઆત


કેતન ઈનામદારના ગઢમાં ગાબડું, ટુંડાવમાં ભાજપ-કોંગ્રેસના લગભગ ૧૫૦ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા 
ટુંડાવમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાય અને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેરસભા સંબોધી 



તરસાલીમાં આમ આદમી પાર્ટીના ભરત બાબાનો કાર્યક્રમ, ભાજપ-કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્તેજના
કોર્પોરેશનની ચુંટણી નજીક આવતાની સાથે જ ભાજપના ગઢમાં ગાબડા પાડવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પુરજોશમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. વડોદરાના જુદાજુદા વોર્ડની સમસ્યાઓ અંગે રજૂઆતો કરવાની પણ શરુઆત થઈ ચુકી છે. આગામી દિવસોમાં વડોદરામાં કોર્પોરેશનને લગતી સમસ્યાઓ અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શનો અને દેખાવો યોજાય તેવી સંભાવના જોવાઈ રહી છે. આ વખતે આમ આદમી પાર્ટી વડોદરા શહેરમાં ભાજપને નાકે દમ લાવે તેવી સંભાવના છે.આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ ભાજપના શાસનમાં વડોદરાની સ્થિતિ શું છે ? તેનો ચિતાર રજૂ કરવા માટે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપના કાઉન્સિલરોના અંધેર વહિવટ અંગે જનતામાં જાગૃતિ ફેલાવવાની કોશિષ કરી રહ્યા છે. રવિવારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ બંનેના પસંદીદા વોર્ડમાંથી ગુજરાત જોડો કાર્યક્રમની શરુઆત કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, આ વખતે ત્રીજી પાર્ટી પણ મેદાનમાં છે. આમ આદમી પાર્ટીના અગ્રણી ભરત બાબાએ રવિવારે તરસાલીમાં કાર્યક્રમ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 



અસલમાં ભરત બાબા જે વોર્ડમાં કાર્યક્રમ કરી રહ્યા હતા. તે વોર્ડમાં ભાજપના બે કાઉન્સિલરો અને કોંગ્રેસના બે કાઉન્સિલરો ચુંટાયા હતા. આ વોર્ડમાં ત્રીજા પક્ષની એન્ટ્રી થતા રાજકારણ ગરમાયું છે. બીજી તરફ વડોદરા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીએ એન્ટ્રી પાડી છે. વાત એવી છે કે, વારે ઘડિયે ભાજપ સરકાર સામે તલવાર ખેંચીને પાછળથી એને મ્યાનમાં મુકી દેતા ધારાસભ્ય કેતન ઈનામદારના ગઢમાં ગાબડું પાડવાની શરુઆત આમ આદમી પાર્ટીએ શરુ કરી છે. વાત એવી છે કે સાવલી તાલુકાના ટુંડાવ ગામે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વમંત્રી, હાલના ધારાસભ્ય અને ગુજરાતના પ્રભારી ગોપાલ રાયની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના બંને નેતાઓએ ટુંડાવમાં જાહેર સભા સંબોધી હતી. તેમની જાહેરસભા દરમિયાન ટુંડાવના ભાજપ-કોંગ્રેસના લગભગ ૧૫૦ જણાએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો. 

Reporter: admin

Related Post