ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની મહેરબાની યથાવત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર અને ભારે વરસાદ નોંધાયો છે.

વડોદરામાં પણ લાંબા સમય બાદ આજે ઝરમર વરસાદી માહોલ સર્જાતા શહેરમાં ઠંડકનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 5 દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ વરસતા વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ ફરી બહાર આવી છે. સયાજીગંજ, પશુરામ ભઠા વિસ્તાર, ચાર દરવાજા વિસ્તાર તેમજ ગોરવામાં આવેલ દશામાં મંદિર હાઉસિંગ નજીક નજીવા વરસાદમાં પાણી ભરાતા નાગરિકો હેરાન થયા હતા. ખાસ કરીને ગોરવા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.વર્ષો જૂની સમસ્યા છતાં દર વર્ષે વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યાઓ યથાવત રહે છે.

મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સ કામગીરીના ધજાગરા ઉડી જતાં હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. પાણી ભરાવાથી વાહન ચાલકો જ નહીં પરંતુ વેપારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાર દરવાજા સહિતના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા નાગરિકોને મજબૂરીમાં મુશ્કેલી સહન કરવી પડી રહી છે. વરસાદની આગાહી આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેવાની હોવાથી નાગરિકોમાં ચિંતા વ્યાપી છે કે જો ભારે વરસાદ વરસશે તો પાણી ભરાવાની હાલત વધુ ગંભીર બની શકે છે. વડોદરા મહાનગરપાલિકાને પ્રિમોન્સ કામગીરીના પોકળ દાવા સામે આવતા ફરી નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ જાય તો ભારે વરસાદી દિવસોમાં પરિસ્થિતિ કઈ રીતે કાબૂમાં આવશે?



Reporter:







