દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સચેઝ વડોદરામાં રોડ શૉ દરમ્યાન હજારોની જનમેદની વચ્ચે એક દિવ્યાંગ દીકરીને વ્હીલચેર પર બે ચિત્રો લઈને બેઠેલી જોઈ.

આ દિવ્યાંગ દીકરીના હાથમાં બેનમૂન તસવીરોને જોતા ભારત- સ્પેન વડાપ્રધાન રોડ શોમાં ગાડી પરથી ઉતરતા પોતાને રોકી ન શક્યા અને તુરંત તેના દ્વારા તૈયાર કરેલ પોતાના ચિત્રોને સહર્ષ સ્વીકારીને દીકરીને પ્રોત્સાહન પૂરી પાડ્યું હતું. આજ વડોદરાની દિવ્યાંગ દીકરી દિયા ગોસાઈ અકોટા સ્ટેડિયમ ખાતે યોજાયેલ દિવ્ય કલા મેળામાં અલગ અલગ પ્રકારના ચિત્રો લઈને આવી છે. માત્ર વીસ વર્ષની દીકરી દ્વારા પ્રદર્શનમાં જાતે તૈયાર કરેલ લિપ્પણ આર્ટ, મધુબની ચિત્ર, પિછવાઈ ચિત્ર, મંડળ ચિત્રો, ઝેંન્ટેગલ ચિત્રો, તેલ ચિત્રો, ચારકોલ ચિત્રો, ગ્રેફાઈટ ચિત્રો, વ્યક્તિ ચિત્રો સહિત અનેક પ્રકારની કૃતિ લોકો સમક્ષ લઈને આવી છે. આ સાથે ગ્રાહકોની ડિમાન્ડ મુજબ કસ્ટમાઇઝડ ચિત્રો પણ બનાવી આપે છે.

દિયા એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં સ્નાતક કક્ષાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. હજી કારકિર્દીની શરૂઆતમાં જ તેને દિવ્ય કલા મેળા થકી પોતાની કૃતિઓને લોકો સમક્ષ રજૂ કરવાનો આટલો મોટો મંચ મળતા દિયા ગોસાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભાર માની રહી છે.દિવ્ય કલા મેળા વિશે દિયા જણાવે છે કે, આવા મેળામાં તે પહેલીવાર પોતાના દ્વારા બનાવેલ ચિત્રોનું વેચાણ કરી રહી છે. આ મેળામાં ખુબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને લોકો પોતાના મિત્રો તેમજ ઘર પરિવારના લોકોને ભેટ આપવા માટે પણ ત્યાં આવીને તેમના પાસે ચિત્રો બનાવડાવી રહ્યા છે. આમ, વિકલાંગતાને દિવ્યાંગતાનો આકાર આપીને દીકરી દિયા ગોસાઈ જેવા કેટલાય દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના સપનાઓને સાકાર કરવા માટે આગળ વધી રહ્યા છે. વડોદરા ખાતે યોજાયેલ દિવ્ય કલા મેળા જેવા આયોજન થકી દેશના અનેક દિવ્યાંગોને સુષુપ્ત શક્તિઓને પ્રસ્તુત કરવા માટે પ્રોત્સાહનરૂપ પ્લેટફોર્મ મળી રહ્યું છે.

Reporter: admin