શંભુ : પંજાબ પોલીસે બુધવારે ખેડુત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ અને સરવન સિંહ પંઢેરની મોહાલીમાં કસ્ટડીમાં લીધા બાદ ખેડૂતો અને પોલીસ જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન 200થી વધુ ખેડૂતોને ત્યાંથી ઉઠાવી જઈ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
માહિતી પ્રમાણે શંભુ અને ખનૌજ બોર્ડર બંને સ્થાનો પર લગભગ 3000 પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. હાલ બંને બોર્ડર પરના તમામ મંચો, તંબુઓ સહિતનો સામાન હટાવવામાં આવી રહ્યો છે.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખનૌજ બોર્ડર પર 200 ખેડુતોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જ્યારે શંભુ બોર્ડર પરથી 300 ખેડુતો ઉપસ્થિત છે, તેમને પણ જલ્દીથી કસ્ટડીમાં લેવામાં આવી શકે છે. ખેડુતો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ ખનૌજ બોર્ડરની આસપાસના સંગરુર અને પટિયાલા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત પંજાબના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.બુધવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે સાતમા રાઉન્ડની વાતચીત થઈ હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પંજાબ સરકાર વતી નાણામંત્રી હરપાલ સિંહ ચીમા અને કૃષિમંત્રી ગુરમીત સિંહ ખુદિયાન બેઠકમાં હાજર રહ્યા હતા.આ બેઠકમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની કાનૂની ગેરંટી, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, લોન માફી, વીજળીના દરમાં કોઈ વધારો નહીં, ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય જેવી માંગણીઓનો સમાવેશ કરવામાં આવે છે. બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે, 'ખેડુતનેતાઓ સાથે થયેલી ચર્ચા સકારાત્મક રહી છે અને આગામી બેઠક 4 મેના રોજ થશે.'
Reporter: admin







