અમદાવાદ: શહેરમાં પોલીસની ખાખી વર્દી પર કલંક સમાન વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. એક તરફ રાજ્ય સરકાર 'મહિલા સશક્તિકરણ' અને 'સુરક્ષા'ના દાવા કરી રહી છે.

ત્યારે સરકારના આ દાવાને પોકળ સાબિત કરતા હોય તેવા દ્રશ્યો હાલ અમદાવાદના પાલડી વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે, જ્યાં પોલીસના હેડ કોન્સ્ટેબલે સામાન્ય બોલાચાલીમાં એક યુવતીને લાફો મારી દીધો છે, જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે.આ અંગે મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતી અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તાથી વાસણા તરફ જઈ રહી હતી. આ દરમિયાન પાલડી ભઠ્ઠા પાસે ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસકર્મીઓએ તેને અટકાવી હતી અને લાયસન્સની માગણી કરી હતી. યુવતીએ પોતાનું વાહન સાઈડમાં ઊભું રાખી લાયસન્સ બતાવવાની તૈયારી દર્શાવી હતી, ત્યારે ટ્રાફિક પોલીસે યુવતી સાથે બોલાચાલી શરૂ કરી હતી.
સામાન્ય બોલાચાલી બાદ જ્યારે યુવતીએ સાવચેતીના ભાગરૂપે પોલીસકર્મી પાસે તેનું આઈ કાર્ડ (ઓળખપત્ર) માગ્યું ત્યારે આ વિવાદની શરૂઆત થઈ હતી. આ મામલે યુવતીના આક્ષેપ મુજબ પોલીસકર્મીએ આઈ કાર્ડ બતાવ્યું ખરું, પરંતુ પરત લેતી વખતે તે નીચે પડી ગયું હતું. આથી પોલીસકર્મી એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને નીચે પડેલું કાર્ડ ઉઠાવી તેના હાથમાં આપવા માટે દબાણ કરવા લાગ્યો હતો. દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મર્યાદા ઓળંગીને પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને જોરદાર લાફો ઝીંકી દીધો હતો.
Reporter: admin







