દ્વારકા: જગતમંદિરમાં બુધવારે દિપાવલી પર્વના ઉત્સવો નિમિત્તે ધનતેરસ પર્વની ઊજવણી કરવામાં આવી હતી.
જયારે ગુરુવારે દિવસ દરમિયાન રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ નિમિતે હાટડી દર્શન તથા દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે દિપાવલી પર્વ નિમિત્તે ઠાકોરજીને સોનેરી રંગના વિશેષ વાઘા સાથે સંપૂર્ણ સોના ચાંદી હિરાજડિત આભુષણો તથા મસ્તક પર સુવર્ણજડિત મુગટનો શગણાર કરવામાં આવ્યા હતા. નિજ મંડપમાં રંગોળી કરી દિપમાલા દર્શન યોજવામાં આવ્યા હતા.રાત્રિના ૮ વાગ્યે જગતમંદિરમાં હાટડી દર્શન યોજાયા હતા. જેમાં દ્વારકાધીશજી શામળા શેઠ સ્વરૂપ ધારણ કરી વેપારી બન્યા હતા. ઠાકોરજીને તમામ પ્રકારની મીઠાઈઓની હાટડી ભરી, ત્રાજવા-તોલા સાથે બિરાજી ચોપડા પૂજન તેમજ લક્ષ્મી સ્વરૂપના સોના ચાંદીના સિકાનું પૂજન કરવામાં આવ્યું હતું.
સવારના સમયે જગતમંદિરમાં રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ ઉજવાયો હતો. જેમાં સવારે ૫.૩૦ વાગ્યે મંગલા આરતી, રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન તેમજ દિપમાલા દર્શન યોજવામાં આવ્યા હતા. ઠાકોરજીના દિવ્ય દર્શનનો લાભ હજારો પ્રત્યક્ષ ભાવિકોને થશે તેમજ ઓનલાઈનના માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતોએ લીધો હતો. જગતમંદિરમાં તા. 1 નવેમ્બરના રોજ સાંજે ૫ થી ૭ અન્નકૂટ મહોત્સવ, તા. ૨ નવેમ્બરે નૂતન વર્ષ તેમજ 3 નવેમ્બરે ભાઈબીજ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે.યાત્રાધામ દ્વારકામાં દિવાળીના મિનિ વેકેશનમાં હોટલ, ગેસ્ટ હાઉસમાં સંપૂર્ણપણે બુકિંગ નોંધાયા છે. યાત્રાધામમાં ભાવિકો તથા સહેલાણીઓની વ્યાપક ભીડભાડ જોવા મળી રહી છે. હજુ પખવાડિયા સુધી યાત્રાધામ દ્વારકા ઉપરાંત નાગેશ્વર જ્યોતિલગ, બેટ દ્વારકા, શિવરાજપુર બ્લ્યુ ફલેગ બીચ, હર્ષદ (ગાંધવી), ગોપી તળાવ સ્થળો એ ભીડ થશે.
Reporter: admin