પર્યાવરણ બચાવીને ભવિષ્યમાં આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ આપવાના માટે અનેક લોકો જાગૃત થઈ રહ્યા છે.

પર્યાવરણના જતન અને સંવર્ધન માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વડોદરાની વ્યવસાયથી એન્જિનિયર પરંતુ શોખથી પર્યાવરણ પ્રેમી એવા રિચા સાક્રેએ વૃક્ષારોપણ માટે એક અનોખી પહેલ હાથ ધરી છે.રિચા સાક્રે વડોદરામાં એક મલ્ટીનેશનલ કંપનીમાં લગભગ વાર્ષિક દસ લાખનું પેકેજ ધરાવતી એક સક્ષમ અને પ્રતિભાશાળી મહિલા છે. એન્જિનિયર ક્ષેત્રે પોતાની મનગમતી ડિગ્રીમાં કારકિર્દી પણ બનાવી પરંતુ પર્યાવરણ પ્રેમ અને સમાજ અને જીવન માટે કંઈ અર્થપૂર્ણ કરવાની આકંઠ તાલાવેલી હતી.પોતાનો પ્રકૃતિ પ્રેમ અને કોર્પોરેટ જગતમાં કામ કરવા સાથે પર્યાવરણ શાંતિની શોધમાં રિચાબેન વૃક્ષારોપણ તરફ વળવાનું વિચાર્યું. જેના પરિણામે વડોદરા નજીક જાદવપુરા ગામ ખાતે ૨ વર્ષ પહેલા તેઓએ નર્સરીની શરૂઆત કરી અને ત્યાં ઉછેરેલા છોડને વડોદરા તેમના નિવાસ સ્થાને લાવીને છોડ તેમજ વૃક્ષોનું વેચાણ કરવાનું ચાલુ કર્યું. તેમની નર્સરીમાં વિવિધ પ્રકારના ફૂલ છોડ, પર્યાવરણ માટે ફાયદાકારક વૃક્ષો, ઔષધીય છોડ અને સુશોભન માટેના છોડનું ખુબજ આકર્ષક કલેક્શન ઉભુ કર્યું છે.

રિચાબેને છેલ્લા બે વર્ષથી દવા માટે ઉપયોગમાં લેવાતા છોડ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે વિતરણ કરે છે. આજે તેઓ માટે ગુજરાત જ નહિ પરંતુ ભારત ભરમાં આવા છોડ તેમજ વૃક્ષોનું વેચાણ કરી રહ્યા છે.પોતાની આ આગવી પહેલ વિશે જણાવતા રીચાબેને જણાવ્યું કે, આ કાર્ય કરીને તેઓને માનસિક શાંતિ તેમજ સંતોષ મળે છે અને આવનાર પેઢી માટે એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સાથે સાથે સમાજ માટે તેઓ એક જાગૃતતા ફેલાવી રહ્યા છે અને સમાજ માટે એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે એવી લાગણી તેઓ અનુભવી રહ્યા છે.આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ હતું કે દરેક ઘરના આંગણમાં વૃક્ષ હોવું જરૂરી છે. તે દરેકને સમજાવવા માગતી હતી કે વૃક્ષો માત્ર પર્યાવરણને શીતળતા જ નથી આપતા, પણ જીવનને મિશ્રણ અને મીઠાસ પણ આપે છે.વૃક્ષોને સંભાળી અને ઉછેરવું એ પણ એક આર્ટ છેતેઓ કહે છે કે, હાલ એમનો દીકરો ૫ વર્ષનો છે અને તેઓએ સંકલ્પ કર્યો છે કે તેમનો દીકરો જેટલા વર્ષનો થાય દર વર્ષે તેટલા વૃક્ષનો ઉછેર કરશે. તેમજ તેઓ ઇચ્છે છે કે ઘરમાં તેમજ કામ કરવાની જગ્યા ઉપર પણ ઈન ડોર છોડ રાખવા જોઈએ જેથી પૂરતા પ્રમાણમાં શુદ્ધ હવા અને ઓક્સીજન મળી શકે. વડોદરા શહેરના દરેક ઘરમાં એક ઓછામાં ઓછું વૃક્ષ વાવીને વડોદરાને ગ્રીન સિટી બનાવવાનો પોતાના સંકલ્પમાં દરેક વડોદરાવાસીઓને પોતાની વ્યક્તિગત ઝુંબેશમાં જોડાવા અનુરોધ કર્યો છે. પર્યાવરણ પ્રેમ અને પ્રકૃતિ સંવર્ધન માટેના તેમના આ પ્રયત્નો દરેક યુવાનો માટે પ્રેરણાદાયી બનશે.





Reporter: admin