રાજકોટ : રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાન બાદ હવે રાજકીય માહોલ પ્રચારના બદલે અન્ય પ્રશ્નો તરફ વળી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અદાણીને લાભ અપાવવા માટે સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે અંધભક્તો અને ઈફકોને લઈને નિવેદન આપી ભાજપને ભિંસમાં લીધી હતી.
શક્તિસિંહ ગોહિલે સ્માર્ટ મીટરને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લઈને લોકોને લૂંટવાનો કારસો છે. ચૂંટણી પહેલા કેમ સ્માર્ટ મીટર ન લાવવામાં આવ્યા ? સ્માર્ટ મીટરના નામે ભાજપ જે કરે છે તે જનતા પર બોજો છે. ભલે સરકાર કહેતી હોય કે લોકોના ફાયદા માટે છે પણ જે લોકો નથી લેવા માંગતા તેવા લોકોને જૂના મીટર યથાવત રાખવા જોઈએ.
શક્તિસિંહે ઈફકો અને નાફેડને લઈને પણ ટિપ્પણી કરી હતી, તેમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રે ક્યારેય મેન્ડેટ હોતું નથી. સહકારનો અર્થ જ છે કે સૌ સાથે મળીને કામ કરે. ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા મેન્ડેટનો દંડો ચલાવવામાં આવ્યો. તેમણે મેન્ડેટ બંધ કરનાર નેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. અત્યારે કેટલાક અંધભક્તોના લીધે ભાજપનો અહંકાર આસમાને પહોંચ્યું છે. જેને ગુજરાતની જનતા જવાબ આપશે.
Reporter: News Plus