વડોદરા : જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ગામે આવેલા ટોલનાકા પર ઉશ્કેરાયેલા ટોળાએ ટેક્સ ભર્યા વગર વાહનોને ભગાડી દઈને ટોલ કંપનીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ બૂમ બેરિયર ખોલી નાખી કેબિનોને પણ નુકસાન કરનાર છ વ્યક્તિની ધરપકડ કરી હતી. જ્યારે અજાણ્યા 30 વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આજે સવારે 11:00 વાગ્યે પોલીસે પંચનામું કર્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાથી મુંબઈ તરફ જતા કરજણ પાસે આવેલા નેશનલ હાઇવે પરના ભરથાણા ટોલટેક્સ પર અવારનવાર ઝઘડા થતા રહે છે. તાજેતરમાં ટોલટેક્સ વધ્યા પછી ચોથી તારીખે સાંજે 7:30 વાગ્યે ઉશ્કેરેલા ટોળાએ ટોલનાકા પર હુમલો કર્યો હતો. કરજણ પોલીસના ચોપડેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળ પંજાબના અને હાલ કરજણ ભરથાણાના ટોલનાકા પર મેનેજર તરીકે ફરજ બજાવતા 43 વર્ષના દીદારસિંહ બલજીતસિંહ સંગડોલે જણાવ્યું હતું કે ચોથી તારીખે સાંજે તેઓ પોતાની ફરજ પર હતા ત્યારે કરજણના મિયા ગામમાં રહેતા સંગ્રામસિંહ રાજેન્દ્રસિંહ પરિહાર સહિતના છ વ્યક્તિ પોતાનું વાહન લઈને ટોલનાકા પરથી પસાર થતા હતા.
ત્યારે કોઈ વાતે ટોલ કર્મચારી સાથે તકરાર થતા છ વ્યક્તિ ઉશ્કેરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. તેમાં અજાણ્યા 30 વ્યક્તિઓ પણ જોડાયા હતા. તમામે ભેગા મળી ટોલનાકાની કેબીનમાં પ્રવેશ કર્યો હતો અને બૂમબેરિયર ખોલી દેવા ધમકી આપી હતી. પરંતુ કર્મચારીઓ માન્યા ન હતા. તેથી કેટલાક માણસોએ બૂમ બેરિયર તોડી નુકસાન પહોંચાડ્યું હતું. બેરિયર નીકળી જતા ઉભેલા વાહનોને ટોલ ભર્યા વગર ભગાડી ગયા હતા. તેને કારણે ટોલ કંપનીને 11,00,000નું આર્થિક નુકસાન થયું હતું.દીદારસિંહને હરિયાણા કોર્ટમાં એક કેસની મુદત હતી ત્યાં જઈ પરત આવી નુકસાનનો અંદાજ કાઢ્યો હતો બાદ કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Reporter: admin