News Portal...

Breaking News :

ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી

2025-12-24 11:09:20
ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી


અમદાવાદ:  શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં રવિવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા એક દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 


ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા આ દંપતીના લગ્નને ચાર વર્ષ થયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કોઈ પારિવારિક કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતા પતિએ આવેશમાં આવી પત્નીના ગળા અને ડાબા હાથના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાઓને કારણે પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ ગભરાયેલા અથવા પસ્તાવો અનુભવતા પતિએ પણ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.


મૃતક મહિલા આસપાસની સોસાયટીઓમાં ઘરકામ કચરા-પોતા કરીને પરિવારને આર્થિક મદદ કરતી હતી. બનાવની જાણ થતા જ બાપુનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે શું પતિએ આત્મહત્યા કરતા પહેલા કોઈ ચિઠ્ઠી લખી છે કે કેમ, છેલ્લા કેટલાક સમયથી દંપતી વચ્ચે કોઈ ગંભીર વિવાદ ચાલતો હતો કે કેમ? એફએસએલ ની મદદથી મકાનમાંથી લોહીવાળું હથિયાર અને અન્ય પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post