દિલ્હી :કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાશ્મીરનું નામ બદલવા અંગે મહત્વની જાહેરાત કરી છે. અમિત શાહે ગુરુવારે ‘J&K and Ladakh Through the Ages’ પુસ્તકના વિમોચન દરમિયાન કહ્યું હતું કે કાશ્મીરનું નામ કશ્યપ સાથે જોડી શકાય છે.
તેમણે કહ્યું હતું કે શાસકોને ખુશ કરવા માટે લખાયેલા ઈતિહાસમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે. જો આપણે ભારતને સમજવું હોય તો આ દેશને જોડતા તથ્યોને સમજવું પડશે. ભારતનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં નાખવામાં આવ્યો હતો અને અહીં સૂફી, બૌદ્ધ અને રોક મઠોનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો હતો.અમિત શાહે જણાવ્યું હતું કે કાશ્મીરમાં મળેલા મંદિરો ભારત અને કાશ્મીર વચ્ચેના અતૂટ સંબંધને દર્શાવે છે. શંકરાચાર્ય, સિલ્ક રૂટ, હેમિશ મઠના ઉલ્લેખથી એ વાત સાબિત થાય છે કે ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં નંખાયો હતો.
કાશ્મીરનું નામ બદલવાની વાતથી રાજકીય ગરમાવો વધી શકે છે અને પડોશી દેશને તો મરચા જ લાગી જશે.આ પુસ્તકના વિમોચન દરમિયાન વડાપ્રધાન મોદીનો આભાર માનતા અમિત શાહે કહ્યું હતું કે તેમણે કાશ્મીરી, ડોગરી, બાલ્ટી અને ઝાંસ્કરી ભાષાઓને સરકારી મંજૂરી આપી છે, જેથી કાશ્મીરની નાની ભાષાઓ ટકી શકે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીનું કાશ્મીરની સંસ્કૃતિ અને ભાષાઓ પર વિશેષ ધ્યાન છે.અમિત શાહે કલમ 370 અને 35A વિશે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેનો હેતુ દેશના ભાગલા પાડવા અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવાનો હતો. કલમ 370 એવું જૂઠ ફેલાવતી હતી કે કાશ્મીર અને સમગ્ર દેશ વચ્ચેનો સંબંધ અસ્થાયી છે. આ કલમ કાશ્મીરને આપણા દેશ સાથે એક થવાથી અટકાવતી હતી. તે સમયે જનતા પણ આ કલમ ઇચ્છતી નહોતી. બંધારણ સભામાં બહુમતી પણ તે કલમ ઇચ્છતી ન હતી. પીએમ મોદીના મક્કમ સંકલ્પે આ કલમોને કાશ્મીરમાંથી હટાવી છે.
Reporter: admin