છેલ્લા કેટલાક દિવસોથી કચરા,ગંદકીને કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં નથી આવ્યા
શહેરમાં સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ,સફાઇકર્મીઓ હોવા છતાં અહીં ગંદકીની ભરમાર?
શું ગંદકી કરતા સ્ટોલ ધારકો સામે પાલિકા તંત્ર પગલાં લેશે?

શહેરમાં વડાપ્રધાનના જન્મદિવસ થી ગાંધી જયંતી સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવા હાથમાં સાવરણા લઇ નિકળતાં પાલિકાના અધિકારીઓ અને નગરસેવકો સ્વચ્છતા પખવાડિયા બાદ શહેરની સ્વચ્છતા બાબતે ગંભીર નથી તેવા દ્રશ્યો શહેરના કારેલીબાગ રાત્રી બજારમાં જોવા મળી રહ્યાં છે. પાલિકા તંત્ર દ્વારા બહારથી મોડી રાત્રે આવતા મુસાફરો માટે જમવાની વ્યવસ્થા માટે તૈયાર કરવામાં આવેલા રાત્રી બજારમાં અસહ્ય ગંદકી,કચરો જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સ્ટોલ ધારકો સામે પગલાં લેવાશે ખરા? આ રીતે શહેર સ્વચ્છ કેવી રીતે બનશે.શહેરમાં ગત તા.17 સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ થી તા.02 જી ઓક્ટોબર ગાંધી જયંતી દરમિયાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર,સ્થાઇ સમિતિના ચેરમેન સહિતના વોર્ડના નગરસેવકો હાથમાં સાવરણા લઇને નિકળ્યા હતા.ઘણા નગરસેવકો એ તો સાવરણા લઇને રીલ બનાવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી હતી પરંતુ ત્યારબાદ શહેરમાં સ્વચ્છતા બાબતે ના કોઇ રાજકીય નેતાઓ,ના પાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો ગંભીર છે. શહેરમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે.

શહેરના શાસકોની અને પાલિકાના પદાધિકારીઓ ની નીતિઓને કારણે જ સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા શહેર એક થી દસ ક્રમાંકમાં આવતું નથી. શહેરના કારેલીબાગ વિસ્તાર કે જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રી દરમિયાન બહારથી આવતા મુસાફરો અને અન્ય લોકો માટે રાત્રે ભોજન, અલ્પાહાર ની વ્યવસ્થા માટે રાત્રી બજાર તૈયાર કરવામાં આવ્યું હતુ જેમાં વિવિધ ખાણીપીણીની ચીજવસ્તુઓ માટે ઇજારો આપવામાં આવ્યો છે જેનાથી પાલિકા આવક મેળવી રહી છે પરંતુ અહીં પાલિકા તંત્ર દ્વારા ભાડાની આવક સિવાય સ્ટોલ ધારકો કેવી સ્વચ્છતા રાખે છે? લોકોના આરોગ્ય ની જાળવણી માટે કેવાં પગલાં લે છે તેની ચકાસણી તપાસ કરવામાં નિષ્ક્રિય રહેતાં આ કારેલીબાગ સ્થિત રાત્રી બજારમાં અસહ્ય કચરો અને ગંદકી જોવા મળી રહી છે જેના કારણે અસહ્ય દુર્ગંધ, મચ્છરો પણ જોવા મળી રહ્યાં છે ત્યારે સવાલ એ થાય કે આવી જગ્યાએ જમવા જનારા લોકોનું આરોગ્ય સચવાશે ખરું? પાલિકા તંત્ર પાસે આરોગ્ય વિભાગ છે, સફાઇ વિભાગ છે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ પાછળ,સફાઇ કર્મીઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે પરંતુ અહીં જાહેર પબ્લિક સ્થળ જ્યાં આવેલું છે જ્યાં ભોજન માટે લોકો આવે છે ત્યાં જ અસહ્ય ગંદકી છે તે સ્થળે શા માટે તપાસ કે સફાઇની નિરિક્ષણ સહિત ની કામગીરી કરવામાં આવતી નથી? શું આવી ગંદકી કરનાર સ્ટોલ ધારકો સામે પાલિકા એક્શન લેશે? શહેરમાં આ જ સ્થિતિ રહી તો ફક્ત રોશનીથી શણગારવામાં ઉપરી બાહ્ય દેખાવથી શહેર સુંદર ક્યારેય નહીં બની શકે
શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ જવાના માર્ગના ખાડામાં ગંદા દુર્ગંધયુક્ત પાણીના ખાબોચિયાં
શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફના માર્ગમાં ગંદા પાણીના ખાબોચિયાં વચ્ચેથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. અહીં ખાબોચિયાં માં દુર્ગંધયુક્ત દૂષિત પાણીનો નિકાલ કરી રોડના ખાડા ખાબોચિયા પૂરવામાં પાલિકા તંત્ર ઉદાસીન જણાય છે. અહીં ગંદાં પાણીના ખાબોચિયાં ને કારણે મંચ્છરોનો ઉપદ્રવ સાથે જ માથું ફાડી મૂકે તેવી દુર્ગંધ છે કીચડમાં થી નર્કાગાર જેવી સ્થિતિ વચ્ચે લોકો પસાર થાય છે પરંતુ સ્થાનિક નગરસેવકો ને પણ પોતાના વિસ્તારમાં નાગરિકોની સમસ્યા દેખાતી નથી અથવા કામગીરી કરવી નથી એવું લાગી રહ્યું છે


Reporter: admin







