શહેરના માંજલપુર પોલીસ મથકની ઢીલી નીતિના કારણે અલવાનાકા વિસ્તારમાં આવેલા કોતર તલાવડી વિસ્તારના કેટલાક ટપોરીઓ ફાટીને ધૂમાડે ગયા છે. પોતાની જાતને ડોન સમજતા આવા લુખ્ખા તત્વો રોજ રાત્રે મારક હથિયારોનું નગ્ન પ્રદર્શન કરીને વિસ્તારમાં દહેશત ફેલાવી રહ્યા છે અને ઘાતક હથિયારોને બતાવી-બતાવીને રીલ્સ બનાવી રહ્યા છે. કોતર તલાવડી અને આસપાસના વિસ્તારોમાં ધારદાર ચાકુ બતાવીને ધાકધમકી આપી રહ્યા છે અને નાના-મોટા વેપારીઓ સાથે દાદાગીરી કરીને ડર ફેલાવી રહ્યા છે. આ બાબતની જાણ માંજલપુર પોલીસને છે અને તેની પાસે બાતમી પણ છે અને અરજી પણ છે. છતાંય પોલીસ ભેદી કારણસર આવા લુખ્ખા તત્વોની સાન ઠેકાણે લાવવામાં નિષ્ફળ નીવડી છે.
માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકા પાસે છેલ્લા કેટલાક વખતથી કેટલાક લબરમુછીંયા અસાાજિક તત્વોએ આતંક મચાવી મુક્યો છે. કોતર તલાવડી અને આસપાસના વિસ્તારોના આવા ટપોરીઓ મોટરબાઈક ઉપર ત્રણ-ત્રણ સવારી આંટાફેરા મારે છે અને કોઈની પણ સાથે માથાકૂટો કર્યા કરે છે. આવા ટપોરીઓ પોતાની પાસે મારક હથિયારો રાખે છે. અને એની સાથે વીડીયો બનાવીને સોશ્યલ મીડિયામાં અપલોડ કરે છે. કોતર તલાવડી અને એની પાસેના મનહરનગરમાં તેમને ખુબ આતંક છે. તેઓ કોઈની પણ સાથે મારામારી કરે છે અને દાદાગીરી પણ કરે છે. કોઈ વિરોધ કરે તો એની સામે હથિયાર લઈને ઉભા થઈ જાય છે. માંજલપુર પોલીસને આવા અસાજિક તત્વો વિશે જાણકારી છે. એમની પાસે એમના વીડિયો પણ છે. છતાંય કોઈ કારણસર પોલીસ કોઈ પગલા લેતી નથી. જેને લીધે આવા અસામાજિક તત્વોના ઈરાદા બુલંદ થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાના સુમારે અલવાનાકા વિસ્તારમાં આવેલી કોતર તલાવડી પાસેના મનહર નગર -2માં આવા અસામાજિક તત્વોના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. આ અથડામણ અંગે મોડીરાત્રે માંજલપુર પોલીસે બંને પક્ષો વચ્ચે સામાસામે રાયોટિંગના ગુના દાખલ કર્યા છે. બનાવ અંગેની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ માંજલપુર પોલીસ મથકે દોડી ગયા હતા. અને તપાસ શરૂ કરી હતી.
*તુલજાનગરની મહિલાએ ફરિયાદ નોંધાવી*
માંજલપુરના કોતર તલાવડી વિસ્તારમાં આવેલા તુલજાનગરમાં રહેતા દિવ્યાબેન કદમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાના સુમારે મનહરનગરમાં રહેતા નામદેવ મોરે, ભોયો જાડીયો, કરણ, જેડી, હિતેષ અને અમીત સહિતના યુવકોએ જૂના ઝઘડાની અદાવતે અમારા ઘર પાસે માથાકૂટ કરી હતી અને પથ્થરમારો કર્યો હતો. માંજલપુર પોલીસે દિવ્યાબેનની ફરિયાદને આધારે રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી. પોલીસની ટીમે આરોપીઓની શોધખોળ શરુ કરી છે.
*મનહરનગરમાં ભારે પથ્થરમારો*
માંજલપુરના કોતર તલાવડી વિસ્તારમાં આવેલા મનહરનગર-2માં રહેતા રીધમ પઢિયારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ અક્ષય રાઠવા, રાહુલ ઉર્ફે પંપીંગ ગીરી, વિશાલ, રોહિત શેખાવત, ઈસ્વર બારોટ અને ચિત્ર કાંચો નામના યુવકોએ નજીવી બાબતે ઝઘડો કરીને અમારા ઘર પાસે પથ્થરમારો કર્યો હતો. પોલીસે આ ફરિયાદને આધારે પણ રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે ધમપછાડા શરુ કર્યા છે.
*સોશ્યલ મીડિયાના વીડિયો જોઈને ડરી જવાય*
માંજલપુર વિસ્તારમાં આવેલા કોતર તલાવડી અને આસપાસના એરિયામાં કેટલાક માથાભારે યુવાનો ગેંગ બનાવીને દહેશત ફેલાવી રહ્યા છે. ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે માથાકૂટ થયા પછી બધાના વીડિયો અને ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં કેટલાક યુવાનો હાથમાં ધારદાર ખંજર લઈને જોવા મળતા હતા. તો કેટલાક કોઈની સાથે માથાકૂટ કરતા જોવા મળતા હતા. માંજલપુર પોલીસ અને ક્રાઈમ બ્રાંચે આવા વીડિયોને ગંભીરતાથી લઈને આવા માથાભારે તત્વો સામે પગલા લેવા જોઈએ. ગઈકાલે થયેલી માથાકૂટ બાદ એક યુવાન GJ 06 NC 5967 નંબરની એક્ટિવા મુકીને ભાગી ગયો હતો. આ એક્ટિવાના નંબરના આધારે એના માલિકને પકડીને કસ્ટડી ભેગો કરવો જોઈએ.
Reporter: News Plus