વડોદરા પાલિકામાં ‘કાકા-ભત્રીજા’ વાદનો જીવંત દાખલો
નિયમોને અવગણી અજમાયશી કર્મચારીને ત્રિ-વિભાગનો ચાર્જ
ખાનગી હોટલની ‘સ્પેશિયલ’ બેઠકથી ગેસ વિભાગમાં ગરમાવો
MLA કાકાનાં આશીર્વાદથી લાડલો ભત્રીજો બે સંસ્થામાં તગડો આર્થિક લાભ મેળવે છે.

MLA જ નહીં દંડકનાં ભત્રીજા ઉપર કમિશનર- ડેપ્યુટી કમિશનરના છુપા આશીર્વાદ. મેયર- ચેરમેને પણ સંમતિ આપી ? પાલિકા અને વડોદરા ગેસ કું. માં ભાગબટાઈનાં ધંધા કેટલા દિવસ ચાલશે?
સ્વપ્નિલ શુક્લને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યપાલક ઈજનેર તરીકે તાજેતરમાં જ ભરતી થઈ છે. બે વર્ષનાં અજમાઈશી(પ્રોબેશન) ધોરણે તેમની નિમણૂક થઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર (સોલીડ વેસ્ટ) માં તેઓ ફરજ બજાવે છે. સાથે સાથે વડોદરા ગેસ લિમિટેડ કંપનીમાં પણ HOD (પીએનજી, સ્ટીલ ,રિકવરી,માર્કેટિંગ). બંને કંપનીમાંથી તેમનો પગાર પણ પડે છે !! આ વિભાગ અગાઉ કાર્યપાલક ઇજનેર, ધર્મેશ રાણા સાચવતા આવેલા..વડોદરા ગેસ લિમિટેડમાં મહાનાયકનાં રાજમાં અગાઉ કેટલાક રાજકારણીઓનાં સગા -સંબંધીઓની ઉચ્ચ સ્તરે ભરતી કરવામાં આવી હતી. કેટલાક નેતાઓના હંમેશા તેમનાં આશીર્વાદ રહ્યા કરે તે હેતુથી આ નિમણૂકો નિયમથી વિરુદ્ધ થતી હતી. કેટલાક આજે પણ ફરજ બજાવી રહ્યા છે. આવા તમામ અધિકારીઓ કર્મચારીઓનું લિસ્ટ શહેર પ્રમુખ તથા મ્યુનિસિપલ કમિશનર- ડેપ્યુટી કમિશનર મેળવીને ખાતરી કરી શકે છે...
વડોદરા મહાનગરપાલિકાના શાસકો દ્વારા નેતાઓનાં સગાઓને કેવી રીતે સાચવવામાં આવે છે, તેનો તાજેતરમાં એક દાખલો પ્રકાશમાં આવ્યો છે. જો કે આ તો માત્ર એક ઉદાહરણ છે, પરંતુ એવા અસંખ્ય બનાવો હશે જેમાં નેતાઓના સગાઓને નિયમો વિરુદ્ધ લાભ આપવામાં આવ્યો હોય.જ્યારે વડોદરાની સામાન્ય જનતાને બચાવવાની કે મદદ કરવાની વાત હોય ત્યારે મહાનગર પાલિકાના શાસકો તેમની સાથે ઉદાસીન વર્તન કરે છે. પરંતુ જો તમારા કાકા, મામા, ફુવા, ભાઈ, પિતરાઇ ભાઈ કે બનેવી સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટર હોય, તો તમે નિર્ભય અને સુખી જીવન જીવશો એ સમજવું. એવું જ એક પ્રકરણમાં, પાલિકાનો બે વર્ષનો અજમાયશી અધિકારી સ્વપ્નિલ શુક્લા, જે પૂર્વ સાંસદ અને હાલ રાવપુરાના ધારાસભ્ય તેમજ પક્ષના દંડક બાળુ શુક્લાના ભત્રીજા છે. તેમને નિયમો વિરુદ્ધ બે વિભાગોમાં વડા (HOD) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.મહાનગર પાલિકાના નિયમો અનુસાર અજમાયશી (પ્રોબેશનરી) કર્મચારીને કોઈ પણ પ્રકારનો ઇન્ચાર્જ પદ કે મહત્વનો હવાલો આપવાનો હોતો નથી.ડેપ્યુટેશન ઉપર કે લોન ઉપર પણ મોકલી શકાય નહી. ખાનગી કંપનીઓમાં પણ પ્રોબેશન પર રહેલા કર્મચારીને પ્રોબેશન પૂર્ણ થયા બાદ જ કાયમી નોકરી અને જવાબદાર પદ આપવામાં આવે છે. પરંતુ અહીં કાકાનું રાજકીય વજન હોવાથી, કમિશનર સાહેબે નિયમોની અવગણના કરીને સ્વપ્નિલ શુક્લાને ગેસ વિભાગ તેમજ ફ્યુચરિક સેલ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના પશ્ચિમ અને દક્ષિણ ઝોનના HOD તરીકે મુક્યા છે.આ ઉપરાંત, સ્વપ્નિલ શુક્લાને ગેસ વિભાગ તેમજ પાલિકા — બંનેમાં પગાર મળતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ગેસ વિભાગમાંથી રાજીનામું આપ્યા બાદ પાલિકામાં તેમની ભરતી દરમિયાન પણ વિશેષ લાભ આપવામાં આવ્યો હતો.મુદ્દો એટલો છે કે, રાજકીય સ્તરે "ભાઇ-ભત્રીજાવાદનો વિરોધ કરતી ભાજપ વડોદરા મહાનગર પાલિકામાં આવો કેસ થતાં ચૂપ કેમ છે? શું સ્થાનિક કાર્યકરો ઉપરથી આદેશ આવ્યા છતાં આવા પ્રકરણોમાં વિરોધ નહીં કરે? કારણ કે, જો વિરોધ કરશે તો લોકો પૂછશે કે સ્વપ્નિલ શુક્લાના "ભત્રીજાવાદ"નો વિરોધ કેમ નથી કરતી!
વડોદરાની ખાનગી હોટલમાં ગેસ કંપનીની ‘સ્પેશિયલ’ બેઠક
વડોદરાની એક પ્રખ્યાત ખાનગી હોટલમાં આજે વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓ અને વેન્ડર્સ વચ્ચે ખાસ બેઠક યોજાઈ. હોટલના પ્રવેશદ્વારે લગાવેલા બોર્ડ પર “અમે અમારા કિંમતી વેન્ડર્સનું સ્પેશિયલ મીટ માટે સ્વાગત કરીએ છીએ” લખાયેલું હતું. દિવાળી પહેલા યોજાયેલી આ બેઠકને લઈને શહેરમાં ચર્ચા તેજ છે. ગેસ કંપનીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અગાઉથી ચર્ચામાં હોવા છતાં, આ બેઠકનો સાચો હેતુ અસ્પષ્ટ રહ્યો. વેન્ડર્સમાં એવી ચર્ચા હતી કે કાં તો આ ફેરવેલ પાર્ટી હતી, અથવા દિવાળી બાબતે ચર્ચા થવાની હતી. છતાં, હોટલવાળાએ બુકિંગ મુજબ બોર્ડ લખી રાખતાં વાતે વધુ વિવાદ જન્મ્યો. આ બેઠકનો ખર્ચ વેન્ડરો પર ઠોકાશે કે ગેસ કંપની/કોર્પોરેશન સીધો ચુકવશે તે મુદ્દે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. શહેરમાં એવો મત પણ છે કે આ કાર્યક્રમથી ‘ગેસવાળાઓ’ની દિવાળી પહેલા જ સુધરી ગઈ.
Reporter: admin







