સસ્પેન્ડેડ બંને ફાયર અધિકારીઓની નિમણુક પહેલાથી જ શંકાસ્પદ છે
મનોજ પાટીલ અને નૈતિક ભટ્ટે કોર્પોરેશનમાં રજૂ કરેલા પ્રમાણપત્રો કમિશનર ચેક કરાવશે ખરા?...
વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી ઉંચા ભાવો ચૂકવી, ઉતરતી ગુણવત્તા ધરાવતી ફાયર સામગ્રી ખરીદી કરવાના કૌભાંડમાં ફાયર વિભાગના સસ્પેન્ડેડ અધિકારીઓ સીએફઓ મનોજ પાટીલ, ડે સીએફઓ નૈતિક ભટ્ટ અને ફાયર એચઓડી દેવેશ પટેલને કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે.જો કે મહત્વની વાત એ છે કે ભ્રષ્ટાચારની તપાસ કરી રહેલા મ્યુનિ.કમિશનર મનોજ પાટીલ અને નૈતિક ભટ્ટે જે પ્રમાણપત્રો કોર્પોરેશનમાં રજૂ કરીને નોકરી લીધી છે તેની પણ તપાસ કરશે કે પછી આ આખા મામલા પર પાણી ઢોળી દેવાશે. મનોજ પાટીલે નોકરી માટે જે પ્રમાણપત્રો રજૂ કરેલા છે તેની ઉંડી તપાસ થવી જરુરી છે.
તેમણે તો એનલાઇન ફોર્મમાં ગુજરાત યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં આવેલી હોવાનું જણાવ્યું હતું. તેમની આરઆરના નિયમોનું ઉલ્લંઘન કરીને નિમણુક કરાઇ હતી કારણ કે તેમને ફિલ્ડમાં 3 વર્ષનો અનુભવ પણ ન હતો. તેમણે જે કોલેજમાંથી ફાયરનો કોર્સ કરેલો છે તે પ્રમાણપત્રોની ચકાસણી કરવી અત્યંત આવશ્યક છે. નૈતિક ભટ્ટ સામે તો અમદાવાદ કોર્પોરેશનમાં વિજીલન્સ તપાસ પણ શરુ થઇ હતી. નાગપુર કોલેજમાં બોગસ સ્પોન્સરશિપ આધારે કોર્સ કરવા ગયેલા અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર અધિકારીઓને તો સસ્પેન્ડ કરી દેવાયા હતા પણ ચાલુ વિજીલન્સ તપાસમાં નૈતિક ભટ્ટે અમદાવાદ ફાયર બ્રિગેડમાંથી રાજીનામુ આપીને ગોઠવણ સાથે વડોદરા ફાયર બ્રિગેડમાં નોકરી મેળવી લીધેલી છે. જેથી તેમની સામે પણ શંકા વ્યાજબી છે. નૈતિક ભટ્ટે જે પ્રમાણપત્રો રજૂ કરેલા છે તેની પણ ઉંડી ચકાસણી કરવી જરુરી છે. નૈતિક ભટ્ટે પણ બોગસ સ્પોન્સરશિપના આધારે કોર્સ કરેલો છે તેનો પર્દાફાશ થયો હતો.આ બંને અધિકારીઓની નિમણુક પહેલાથી જ શંકાસ્પદ છે અને તેથી તેમની નિમણુક કોણે અને કેમ કરાવી તેની તપાસની સાથે સાથે બંને એ રજૂ કરેલા પ્રમાણપત્રો સાચા છે કે ખોટા તેની પણ કમિશનરે તપાસ કરાવવી જરુરી છે. બંનેએ વડોદરા ફાયર બ્રિગેડમાં આવીને મહા કૌભાંડ આચર્યું છે જેથી હવે શંકા વધુ લાગી રહી છે.
Reporter: admin







