રાજકોટ : આજી ડેમ ઓવરફ્લો થવાથી આજી નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. હાલ આજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.
નદીમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.રાજકોટના જંગલેશ્વર, રામનાથપરા, સંતોષી નગર, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં પોલીસ અને મહાનગર પાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. પાણીનો ધસમસમતો પ્રવાહ અવિરત ચાલુ હોવાથી ભયજનક સ્થિતિનું નિર્માણ પામી છે.આજી નદીના કાંઠા વિસ્તારમાંથી 100થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નદીકાંઠાના વિસ્તારમાં લોકો ન જાય તે માટે પોલીસ દ્વારા બેરિકેડ્સ લગાવી દેવાયા છે અને સુરક્ષાકર્મીઓને તૈનાત કરી દેવાયા છે. કાંઠા વિસ્તારના તમામ ઘરોને પોલીસ દ્વારા ખાલી કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ આજી નદી પટના વિસ્તારમાં તૈનાત કરી દેવાયો છે. જેથી લોકો જળસ્ત્રાવની નજીક કોઈ જઈ ન શકે અને કોઈ દુર્ઘટના ના ઘટે.મેઘરાજા બે દિવસથી ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે, આજ સવારે પણ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ છે અને છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં આજી નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. આજી નદી પણ ગાંડીતૂર બની છે. આ સમયે રાજકોટવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. આજી નદી સ્વયંભુ રામનાથ મહાદેવને જળાભિષેક કરતી હોય તે પ્રકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે.
Reporter: admin