વોશિંગટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર જંગી ટેરિફની ધમકીઓ આપી છે ત્યારે તેમણે ભારત સાથે ટૂંક સમયમાં વેપાર સોદો થવાના સંકેત આપ્યા છે.
તેમણે કહ્યું કે, ભારત અને અણેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર અંગેની વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ટ્રમ્પે કહ્યું કે, ભારત અને અમેરિકા આ વેપાર કરાર પર વાતચીત કરી રહ્યા છે, જેથી મુખ્યરૂપે ટેરિફને ૨૦ ટકાથી નીચે રાખી શકાય. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, અમે ઈન્ડોનેશિયા સાથે વેપાર કરાર કરી લીધો છે. અમને ઈન્ડોનેશિયામાં સંપૂર્ણ એક્સેસ મળશે. અમે ભારત સાથે પણ આ જ પ્રકારનો કરાર કરવા જઈ રહ્યા છીએ. ભારત સાથેના કરારથી અમને ભારતમાં સંપૂર્ણ પહોંચ મળશે. ભારતને આશા છે કે રેસિપ્રોકલ ટેરિફ ટાળવા માટે અમેરિકા સાથે તેના કરાર થઈ જશે.
જોકે, ભારતે વેપાર કરાર માટે તેને કોઈ ઉતાવળ નહીં હોવાનો દાવો પણ કર્યો છે.બીજીબાજુ ટ્રમ્પે યુક્રેનને રશિયાની રાજધાની મોસ્કો પર હુમલા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હોવાના અહેવાલોને અમેરિકન પ્રમુખે નકારી કાઢ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મોસ્કો પર હુમલા કરવા જોઈએ નહીં. હું કોઈના પક્ષમાં નથી. હું માનવતાના પક્ષમાં છું, કારણ કે હું યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના કારણે થઈ રહેલા મોત રોકવા માગું છું. એક દિવસ પહેલાં જ કેટલાક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે અંગત ફોન કોલમાં તેમને પૂછ્યું હતું કે યુક્રેનને લાંબા અંતરના મિસાઈલ અમેરિકા આપે તો તેઓ મોસ્કો પર હુમલા કરી શકે કે કેમ? ઝેલેન્સ્કીએ સરાકાત્મક જવાબ આપ્યો હતો. પરંતુ હવે બુધવારે ટ્રમ્પે આ નિવેદન મુદ્દે ફેરવી તોળ્યું છે.
Reporter: admin







