જામનગર : શહેરમાં અનેક રૂપિયાના ખર્ચે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનાર સેંકડો ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની લાગણી સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

કંપની દ્વારા વાહનના વેચાણ સમયે આકર્ષક વચનો આપવામાં આવ્યા હતા, જેમાં ગુણવત્તાયુક્ત સેવા અને સર્વિસની ખાતરીનો સમાવેશ થતો હતો. જોકે, છેલ્લા છ મહિનાથી ગ્રાહકો માત્ર સર્વિસના નામે ધરમધક્કા ખાઈ રહ્યા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગ્રાહકોનું એક મોટું ટોળું જામનગરના એમ. પી. શાહ ઉદ્યોગમાં આવેલા ઓલાના સર્વિસ સેન્ટર પર પહોંચ્યું હતું.ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે, કંપનીના ઈ-સ્કૂટર માત્ર એકથી બે વર્ષના ટૂંકા ગાળામાં જ ખરાબ થઈ રહ્યા છે. વાહનના પ્લાસ્ટિકના તમામ જોઇન્ટ્સ ઘસાઈ રહ્યા છે અને ગુણવત્તાના અભાવે વાહનો ઝડપથી જર્જરિત બની રહ્યા છે. ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે, તેમની ગાડીઓ એક-એક મહિનાથી સર્વિસ સેન્ટર પર પડી રહી છે,
છતાં કોઈ ધ્યાન આપતું નથી. એકઠા થયેલા ગ્રાહકોએ તેમની ગાડીઓને તાત્કાલિક સર્વિસ આપવાની માંગ કરી હતી, પરંતુ સર્વિસ સેન્ટરના કર્મચારીઓએ સ્પષ્ટ ઇનકાર કરી દેતાં વાતાવરણ તંગ બની ગયું હતું.ત્યાર બાદ, ગ્રાહકોનો રોષ એટલી હદે વધી ગયો હતો કે તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા સર્વિસ સેન્ટરના કર્મચારીઓ પોતાનો વર્કશોપ ખુલ્લો મૂકીને ચાલ્યા જવાની ફરજ પડી હતી.સર્વિસ સેન્ટરની આસપાસની પરિસ્થિતિ પણ ગંભીર છે. સર્વિસ માટે આવેલા વાહનોની સંખ્યા એટલી બધી છે કે વર્કશોપમાં પાર્કિંગની જગ્યા ટૂંકી પડી રહી છે. આના કારણે ઘણા વાહનો જાહેર રોડ પર રઝળતા મૂકી દેવામાં આવ્યા છે. ગ્રાહકોને ભય છે કે જાહેર રસ્તા પર મૂકેલા તેમના વાહનોની ચોરી થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ સમગ્ર ઘટનાના વિડીયો અને ફોટા પણ ગ્રાહકો દ્વારા સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યા છે.ગ્રાહકોએ કંપનીના આ વલણ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. લગભગ દસથી વીસ ગ્રાહકોના ટોળાએ કંપની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ મામલો હવે ન્યાયિક રીતે આગળ વધે તેવી શક્યતા છે.
Reporter: admin







