વડોદરા : શહેરના વારસિયા વિસ્તારમાં ગાયકવાડી જમાનાનું બાંધકામ ધરાવતું અને હાલ અનેક સુવિધાઓથી વંચિત ભિક્ષુકગૃહની દયનીય પરિસ્થિતિ છે તેના નવીનીકરણની કામગીરીમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે.
ભિક્ષુક ગૃહમાં અગાઉ આશ્રય હેઠળના અંતેવાસી રોજગારી મેળવી સ્વમાનભેર જીવી શકે તે માટે સુથાર, વણાટ, સિવણ, સડીઝાડૂ જેવા વિવિધ વિભાગો થકી રોજગાર લક્ષી તાલીમો પૂરી પાડવામાં આવતી હતી. પરંતુ, સમય વીતતા આ વિભાગો એક પછી એક બંધ થતા ગયા, અને હવે માત્ર એક સીવણ વિભાગ જ કાર્યરત છે. તાલીમનો વિકલ્પ ન મળતા અંતેવાસી રસ દાખવી રહ્યા નથી. 60 અંતેવાસીઓની ક્ષમતા ધરાવતા આ કેન્દ્રમાં 28 કર્મચારીઓની જરૂરિયાત સામે હાલ 12 જેટલી જગ્યાઓ ખાલી હોવાથી કામગીરી પણ અસરગ્રસ્ત બની રહી છે.
માનસિક બીમારીમાંથી સાજા થયેલ આશ્રિતો, ભિક્ષુક તથા મહિલાઓ માટે બેરેકની સુવિધા પણ અપૂરતી નજરે ચડી છે. આ કેન્દ્રની આસપાસ કેટલાક વિભાગો વર્ષોથી બંધ હાલતમાં હોય ગંદકીનું પ્રમાણ પણ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂના ભિક્ષુક ગૃહને તોડી પાડી પુનઃ ત્યાં જ નવા ભિક્ષુક કેન્દ્રના નિર્માણ માટે સરકાર તરફથી 20.95 કરોડની વહીવટી મંજૂરી મળી છે. રાજ્ય સરકારના આરએન્ડબી વિભાગ તરફથી આ પ્રોજેક્ટના નકશા ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. અને તે બાબતે 13 ફેબ્રુઆરીના રોજ પૂર્તતા કરવામાં આવી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે.
Reporter: admin







