News Portal...

Breaking News :

બુસ્ટર ડોઝ આપી, બુસ્ટર પ્લાન્ટ મંજૂર કરાવ્યો

2025-09-29 10:45:19
બુસ્ટર ડોઝ આપી, બુસ્ટર પ્લાન્ટ મંજૂર કરાવ્યો


કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ સાથે, ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીની સમજૌતા એક્સપ્રેસ
કમિશનર ગરબા કરવામાં અને પ્રમુખ આરતી કરવામાં પડ્યા છે, આવી દરખાસ્તમાં એમનું ધ્યાન કેમ નથી ગયું ?
અલીબાબા ચાલીસ ચોરથી પાલિકાનો વહીવટ ચાલે છે ?  



જંગલમાં મંગલનો બુસ્ટર પ્લાન્ટ, કોંગ્રેસના એક કોર્પોરેટર ડોક્ટરનાં ઈંજેક્શનથી પ્રભાવિત 
ઇતિહાસમાં ક્યારેય ના બની હોય તેવી ઘટના આ વખતે વડોદરા કોર્પોરેશનમાં બની છે. આમ તો વિપક્ષ કોંગ્રેસનાં સભ્યો વારંવાર, એવો દાવો કરતા આવ્યા છે કે સત્તા પક્ષ તેમની વાત માનતું નથી, તેમના કામો પર ધ્યાન આપતા નથી. હવે ડોક્ટર ચેરમેને 10 નંબરી દરખાસ્ત પસાર કરીને કોંગ્રેસનાં કોર્પોરેટરની વાત માની લીધી છે. સ્થાયીની બેઠકના એજન્ડામાં 10 નંબરી દરખાસ્ત એવી છે કે વહિવટી વોર્ડ નંબર 1 છાણી ગામ, સોખડા રોડ પાસે બુસ્ટર બનાવવાના કામે આવેલા આર.સી પટેલના નેટ અંદાજીત 148341410 થી 7.40 ટકા વધુ મુજબના 159318674.34 વત્તા જીએસટીના પરસેન્ટેજ રેટ ભાવપત્રને મંજૂર કરવી અને આપણા ચતૂર ચેરમેને સ્થાયીનાં સભ્યોને સમજાવીને આ મહામુલી,ગોઠવણવાળી 10 નંબરની દરખાસ્તને મંજૂર પણ કરાવી દીધી છે. ભલે સંકલનમાં તમામ સભ્યોએ આ દરખાસ્તનો વિરોધ કરીને મુલતવી રાખવા કહ્યું પણ સર્જરી કરવામાં નિષ્ણાંત ડોક્ટરે સ્થાયીની બેઠકમાં તમામ સ્થાયી સભ્યોને હિપ્નોટાઇઝ કરીને દરખાસ્ત મંજૂર કરી દીધી હતી, તે વાત જગજાહેર છે. ચોંકાવનારી માહિતી એવી પણ છે કે ચેરમેને કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલની રજૂઆતને માનીને આ કામ મંજૂર કરાવ્યું છે. ભાજપ વળી ક્યારથી વિપક્ષ કોંગ્રેસની વાત માનતો થઇ ગયો? તે વિશે વડોદરાવાસી માથુ ખંજવાળી રહ્યા છે. 10 નંબરી દરખાસ્તની ડોક્ટરે એવી તો સર્જરી કરી કે વિપક્ષના જ એક કોર્પોરેટર પણ હિપ્નોટાઇઝ થઇ ગયા છે. હંમેશા સત્તાપક્ષનો વિરોધ કરતા કોંગ્રેસના એક કોર્પોરેટર આ દરખાસ્ત મંજૂર થતાં ખુશ થઇ ગયા છે. જો કે બાકીના 2 કોર્પોરેટરોને ડોક્ટર ઇંજેક્શન આપવાનું ભુલી ગયા છે કે પછી બંને કોર્પોરેટરો પર ઇંજેક્શનની અસર થઇ નથી તે ડોક્ટર જ જાણે. બાકીના 2 કોર્પોરેટરોએ તો આ 10 નંબરી દરખાસ્તનો વિરોધ કરીને ટીકા કરી છે. કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર અમી રાવતે તો કહ્યું કે આ મુદ્દાનો અભ્યાસ કરીને હું બોલીશ !!

બુસ્ટર પ્લાન્ટની મેં રજૂઆત કરી હતી જેને મંજૂર કરાઇ છે.
છાણી સોખડા રોડ ઉપર બુસ્ટર પ્લાન્ટને લઈને મેં રજૂઆત કરી હતી. જેની મંજૂરી સ્ટેન્ડિંગમાં પાસ થઈ છે. આ વિસ્તારમાં વિકાસને લઈને વિસ્તારમાં બુસ્ટર પ્લાન નાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. 

હરીશ પટેલ કાઉન્સિલર કોંગ્રેસ



જ્યાં કોઇ રહેતું નથી ત્યાં કામગીરી ના કરો
જ્યાં જરુરુ છે ત્યાં ત્યાં કામગીરી કરવી જોઈએ. જ્યાં હજુ કોઈ રહેવા આવ્યું નથી. જ્યાં જરૂરિયાત નથી ત્યાં ના કરો પણ જ્યાં જરૂરિયત છે ત્યાં કામ કરો. જે જગ્યા પાણીની અછત પડી છે ત્યાં પાણીની ટાંકી બનાવવી જોઈએ, લો પ્રેસર છે ત્યાં વર્ષોથી લોકો રહે છે અને વેરો ભરે છે તો તેમને સારા પ્રેશર થી પાણી મળવી એની ચિંતા કરવી જોઈએ. વારંવાર રજુઆત કરવા છતા નવાયાર્ડ નિઝામપુરા ટીપી 13 માં પીવાના પાણી સમસ્યા છે. તેને તો આ લોકો ઉકેલતા નથી.

જહા ભરવાડ, કોર્પોરેટર કોંગ્રેસ

ઘણા વર્ષોથી મારી કેટલીક ફાઈલો હજુ પણ પડી રહી છે જેની મંજૂરી કે પાસ કરવામાં આવી નથી
સમગ્ર બનાવવાની જાણ થતા ની સાથે જ પાણી પુરવઠાના અધિકારી દર્શનાબેનને ફોન કરી કોર્પોરેટર તરીકે સ્થળ જોવાની અમને પણ જરૂર છે તેમ કહેતા તેઓ સાથે આવી સ્થળની મુલાકાત લીધી હતી. ત્યાં એક જ બંગલો જે માલિકના ઘરમાંથી આ જગ્યા જોઈ હતી. આજે આ કામ મંજુર કર્યું છે . કદાચ દોઢ બે વર્ષ સુધી પૂરું થશે. ઘણા વર્ષોથી મારી કેટલીક ફાઈલો હજુ પણ પડી રહી છે જેની મંજૂરી કે પાસ કરવામાં આવી નથી. મને તો ખબર હોવી જોઈએ ,સ્થાનિક અને સિનિયર કોર્પોરેટર હું છું.મને તો ખબર હોવી જોઈએ. જે વિસ્તારમાં બુસ્ટરનું કામ સ્ટેન્ડિંગમાં પાસ થયું છે તે વિસ્તાર હજુ જંગલમાં મંગલ બનવા જેવી વાત છે. ત્યાં હજુ પણ દસ વર્ષ સુધી ડેવલપમેન્ટ દૂર છે ત્યારે મહાનગર પાલિકા આવા વિસ્તારને ડેવલોપ કરી રહી છે. પરંતુ જે લોકો હાલમાં   ટેક્સ ભરી રહ્યા છે,તેવા વિસ્તારના નાગરિકોને સુવિધા મળી રહી નથી. જ્યારે આવા છેવાડાનાં વિસ્તારમાં પાલિકા ડેવલોપમેન્ટ વગર જ મંજૂરી આપવામાં આવી છે તેનો હું વિરોધ કરું છું.

– પુષ્પાબેન વાઘેલા, કાઉન્સિલ

Reporter: admin

Related Post