વડોદરા: પી.જી. હોસ્ટેલમાં નોકરી કરતા એક કર્મચારી દ્વારા હોસ્ટેલની બાઈકની ચોરી અને બેંક ખાતામાંથી 87,700 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવાના ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાઈ ગયો છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાણીગેટ જુનીગઢી ત્રણ રસ્તા પાસેથી બાઈક સાથે મોહસીન સિરાજભાઇ સૈયદ (ઉ.વ. 24, રહે. નૂરજહા પાર્ક સોસાયટી, તાંદલજા, વડોદરા) ની ધરપકડ કરી છે.આરોપી મોહસીન અમીતનગર, કારેલીબાગ અને ફતેગંજ ખાતે આવેલ પી.જી. હોસ્ટેલમાં મેનેજર તરીકે કામ કરતો હતો. તેની જવાબદારીમાં હોસ્ટેલનું સંચાલન, નવા ગ્રાહકો લાવવા, મેન્ટેનન્સ અને ભાડું ઉઘરાવવાનો હિસાબ રાખવાનું કામ હતું. આ ઉપરાંત તે કંપનીનું બેંક ખાતું સંચાલન કરતો હતો અને તેને હોસ્ટેલના ઉપયોગ માટે બાઈક આપવામાં આવી હતી.
આર્થિક તંગીના કારણે આરોપીએ ઝડપથી રૂપિયા મેળવવા માટે 17/7/2025ના રોજ સયાજીગંજ ખાતેની પી.જી. હોસ્ટેલની મુખ્ય ઓફિસમાંથી બાઇકની ચોરી કરી હતી. આ ઉપરાંત, તેણે હોસ્ટેલના બેંક ખાતામાંથી રૂ. 87,700 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા અને નોકરી છોડી દીધી હતી.ઉપાડેલી રકમ વપરાઈ ગયા બાદ આરોપી ચોરેલી બાઈક વેચવાના ઇરાદે ફરતો હતો, ત્યારે તે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો હતો. આરોપી સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. વધુ તપાસ માટે આરોપી અને કબજે કરેલ મુદ્દામાલ સયાજીગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
Reporter: admin







