આણંદ: ખંભાત ખાતે મેળામાં જમ્પિંગ રાઈડ ચલાવતા યુવકે મફતમાં રાઈડમાં બેસાડવાની લાલચ આપી પાંચ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. ખંભાત શહેર પોલીસે અડપલા કરનારા બોરસદના કઠાણા ગામના યુવકને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કર્યો હતો.
બોરસદ તાલુકાના કઠાણા ગામે રહેતો ૩૨ વર્ષીય ઘનશ્યામ રાવજીભાઈ ચાવડા મેળામાં જમ્પિંગ રાઇડ ઓપરેટ કરે છે. ખંભાતની એક દરગાહ નજીક હાલમાં મેળો ચાલી રહ્યો હોવાથી મેળામાં રાઈડ ચલાવવા ઘનશ્યામ ચાવડા ગયો હતો. ગતરોજ ઘનશ્યામ ચાવડાએ એક પાંચ વર્ષની બાળકીને રાઈડમાં બેસાડી હતી. ત્યારબાદ પિતા સાથે આવેલી માસુમ બાળાને ઘનશ્યામ ચાવડાએ મફતમાં રાઈડમાં બેસાડવાની લાલચ આપી પિતાની નજર ચૂકવી નજીકમાં આવેલી પાર્કિંગ સાઈડની ઝાડીમાં બાળાને લઈ ગયો હતો. બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા.
પિતાએ બાળકીને ના જોતા શોધખોળ હાથ ધરી હતી. પાર્કિંગ તરફ બાળકી ચાલી ગઈ હોવાની શંકા સાથે તે તરફ તપાસ કરતા ઝાડી નજીક ઘનશ્યામ ચાવડા બાળકી સાથે અડપલા કરતો જોવા મળતા પિતાએ હોબાળો મચાવ્યો હતો. અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચતા ટોળું થઈ જતા મેળામાં હાજર પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે ઘનશ્યામ ચાવડાને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.
Reporter: admin







