સમાજમાં અવિરત પ્રવર્તિત જાતિગત ભેદભાવના મહાદૂષણને દૂર કરવા ગુજરાત સરકાર દ્વારા નવીનતમ પહેલ કરવામાં આવી છે.

આ યોજનાથી લોકો સકારાત્મક અભિગમ કેળવી અને જાતિવાદની સાંકળ તોડી સમાજમાં અસ્પૃશ્યતા નિવારણની પહેલમાં આગળ વધે અને જાતિવાદ દૂર થાય તે હેતુસર આંતરજ્ઞાતીય લગ્ન યોજનાની સહાય આપવામાં આવતી હોય છે. જેમાં રાજ્ય સરકાર તરફથી આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના દ્વારા રૂપિયા ૨.૫૦ લાખ સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે.ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગના ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજનાના લાભ થકી વડોદરા જિલ્લાના મકરપુરા ખાતે રહેતા કાર્તિકભાઈ ભોગીલાલ પરીખે રાજસ્થાનના હિનાબેન રાજેન્દ્રભાઈ નૈયર સાથે સુખેથી દાંપત્યજીવનમાં પ્રભુતાના પગલાં પાડ્યા છે. અત્યારે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નોકરી કરતા કાર્તિકભાઈ ભોગીલાલ પરીખે રાજસ્થાનના રહેવાસી હિનાબેન રાજેન્દ્રભાઈ નૈયર સાથે ૧૪ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા.લાભાર્થી કાર્તિકભાઈ પરીખ જણાવે છે કે, મને મારા મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે ડો. સવિતાબેન આંતરજ્ઞાતીય લગ્ન યોજના વિશે માહિતી મળી હતી ત્યારબાદ મેં વડોદરા જિલ્લાના નર્મદાભવનમાં આવેલ સમાજ કલ્યાણ વિભાગ અને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધિકારીઓની મદદથી આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી અને જરૂરી પ્રમાણપત્રો સાથે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. વધુમાં જણાવે છે કે, શિક્ષિત લોકોમાં જાગૃતતા આવવાથી હવે કોઈપણ ડર કે શરમ રાખ્યા વગર યુવક-યુવતીઓ આંતરજ્ઞાતીય લગ્ન કરવાનું પગલું ભરે છે. જેમાં આજના યુવાનો જ્ઞાતિવાદની સરહદને પાર કરીને સમાજના નીતિ નિયમોને ફેરબદલ કરીને જાતિવાદની સાંકળને તોડી આગળ વધવા પ્રેરિત થયા છે.
હિનાબેન નૈયર જણાવી રહ્યા છે કે, સરકારની આ યોજના દ્વારા મળતી આર્થિક સહાય થકી દિકરીના લગ્નના ખર્ચ માટે સતત ચિંતિત રહેતા માતા-પિતાને પણ એક સહારો સરકાર દ્વારા મળે છે. આ પ્રકારની આર્થિક સહાયથી દીકરો-દીકરી એક સમાનની લાગણી પણ દ્રઢ કરાવે છે. સાથે જ સરકાર પણ આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે તેમને આંતરજ્ઞાતીય લગ્ન યોજના થકી સરકાર તરફથી રૂ. ૨.૫૦ લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી. તેમના દાંપત્ય જીવનમાં નવા પડાવમાં પુણ્ય પગલાં માંડવા માટે આત્મવિશ્વાસ અને આર્થિક સહાય આપવા બદલ કાર્તિકભાઈ અને હિનાબેન બન્ને ગુજરાત સરકારનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો. મહત્વનું છે કે, અનુસૂચિત જાતિની વ્યક્તિ અને અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેના લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દૂર કરી સામાજિક સમાનતા બને તેના ભાગરૂપે સરકારએ ડો. સવિતાબેન આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અમલમાં મૂકી છે. જેમાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર પતિ-પત્નીને રૂપિયા ૧ લાખની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.૧.૫૦ લાખની રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે આ સાથે કૂલ રૂ.૨.૫૦ લાખની આર્થિક સહાય કરવામાં આવે છે.
Reporter: admin







