છાણીનો ગૌરવ પથ સામાન્ય ગરમીમાં પણ પીગળ્યો, કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સની હલકી કામગીરી....
વડોદરા શહેરના તમામ નવા રોડ ઉપર જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું હોય અને જે અધિકારી/ ઇજનેરના તાબા નીચે કામગીરી થઈ હોય તેમના નામનાં બોર્ડ મારવા જોઈએ.ગેરેન્ટી પિરીયડ પણ લખાવો જોઈએ જેથી રસ્તામાં ખાડા પડે કે ભુવા પડે કે ડામર ઉખડી જાય તો જવાબદાર ઇજનેરો અને કોન્ટ્રાક્ટરો વિરુધ્ધ ફરિયાદ કરી શકાય...

સ્ટેડીંગ કમિટીના ચેરમેને આવા પ્રકારના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી. સખતમાં સખત સજા થાય તેવી જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને પોલીસ ફરિયાદ કરવી જોઈએ
વડોદરા શહેરમાં પડી રહેલી 35 ડિગ્રી જેટલી સામાન્ય ગરમીએ પણ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. શહેરના છાણી જકાતનાકાથી છાણી ગામ સુધી બનાવવામાં આવેલા ગૌરવ પથ બનાવવામાં કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સૌરભ બિલ્ડરે એટલી હલકી કક્ષાની કામગીરી કરી છે કે સામાન્ય ગરમીમાં પણ આ ગૌરવ પથનો ડામ પીગળી રહ્યો છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે,. કોર્પોરેશને સૌરભ બિલ્ડરને બ્લેક લિસ્ટ કરવાના બદલે માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે, તે સૌથી આઘાતજનક છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગૌરવ પથના નામે કરોડો રુપિયાના ખર્ચે મોડલ રોડ બનાવામાં આવી રહ્યા છે અને આ રીતે છાણી જકાતનાકાથી છાણી ગામ સુધીના રસ્તાને પણ ગૌરવ પથ તરીકે ડેવલપ કરાયો હતો. આ કામગીરી સૌરભ બિલ્ડર નામના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને અપાઇ હતી. સૌરભ બિલ્ડરે ગૌરવ પથ બનાવામાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે. 21 કરોડના ખર્ચે બનાવાયેલો આ ગૌરવ પથ હલકી કામગીરીના કારણે હાલ સામાન્ય ગરમીમાં પણ પીગળી રહ્યો છે. ગૌરવ પથનો ડામર પીગળી રહ્યો છે અને તે જ ચાડી ખાય છે કે સૌરભ બિલ્ડરે કેવી ગુણવત્તા વગરની કામગીરી કરી છે. કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સે તકલાદી કામ કર્યું છે. લાકડીથી પણ ગૌરવ પથનો ડામર ઉખડી રહ્યો છે. હવે સવાલ એ થાય છે કે બેદરકાર કોન્ટ્રાક્ટર પર કોના આશીર્વાદ છે? વાસ્તવમાં સમયમર્યાદા બાદ પણ પ્રોજેક્ટ શરુ થયો નથી. છાણી જકાતનાકાથી છાણી ગામ સુધીના 2 કિ.મી.માં તકલાદી ગૌરવ પથ કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે. અધિકારીઓએ સૌરભ બિલ્ડરને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો પણ સિટી એન્જિનીયર અલ્પેશ મજુમદારે આ મામલે જવાબ આપવો જોઇએ કારણકે કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હલકી કક્ષાની કામગીરી કરી છે. કમિશનરે પણ ભાગબટાઈવાળા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પણ પગલાં લેવા જોઇએ

બધો ટકાવારીનો ખેલ...
શહેરમાં કોર્પોરેશન કરોડો રુપિયાના ખર્ચે રસ્તા બનાવે છે પણ કોન્ટ્રાક્ટરો ખાઇ બદેલા છે અને ટકાવારી આપીને તકલાદી કામ કરે છે.જેથી ચોમાસામાં લગભગ તમામ રસ્તાઓમાં ખાડા પડી જાય છે અને ભુવા પડી જાય છે. આવા કોન્ટ્રાક્ટરો ઉપર નેતાઓ અને અધિકારીઓના આશિર્વાદ હોય છે કારણ કે આ બધો ટકાવારીનો ખેલ હોય છે. પણ છેલ્લે તો વડોદરાની ભોળી જનતાને સહન કરવાનું આવે છે. આવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ઘેરભેગા કરવા જોઇએ અને નેતાઓને તો ફરીથી ના ચૂંટાય તેનું પણ જનતાએ ધ્યાન રાખવું જોઇએ. વડોદરાના કોન્ટ્રાક્ટરોના કામો ગુજરાતભરમાં પંકાયેલા છે કારણકે આખું ગુજરાત જાણે છે કે વડોદરામાં કેટલા ખાડા અને ભુવા પડે છે.
ભુતડીઝાંપાના રસ્તાનો પણ ડામર પીગળ્યો...
છાણીનો ગૌરવ પથનો ડામર તો પીગળ્યો પણ સાથે સાથે ભુતડી ઝાંપા વિસ્તારમાં બસ સ્ટોપ પાસેના રસ્તાનો પણ ડામર પીગળ્યો હતો. જેના કારણે રાહદારીઓના ચંપલ અને બૂટ સાથે ડામર ચોંટ્યો હતો અને તેમને અવર જવર કરવામાં પણ તકલીફ પડી હતી. વાહન ચાલકોને પણ વાહન ચલાવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ પણ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરની કામગીરીનો જ પ્રતાપ છે, શહેરમાં આવા તો ઘણા રસ્તા છે જ્યાં ડામર પીગળ્યો છે. તાજેતરમાં મ્યુનિ.કમિશનર વિઝીટમાં ગયા ત્યારે પણ તેમના બૂટ નીચે ડામર ચોંટ્યો હતો. સાથે હાજર સિટી એન્જિનિયરે જાતે રેતી નાખીને મામલો શાંત કરવા પ્રયત્ન કર્યો હતો.કડક સ્વભાવનાં મ્યુ.કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા હતા.


Reporter: admin