વોશિંગ્ટન : અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા ભારતીય યુવાનો અને ત્યાંની ટેક કંપનીઓ માટે માઠા સમાચાર છે.
અમેરિકાના એક ફેડરલ જજે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે, જેમાં H-1B વિઝાની ફી વધારીને 1,00,000 ડોલર(આશરે ₹89 લાખથી વધુ) કરવાની દરખાસ્ત છે. આ નિર્ણયથી અમેરિકાની ટેક ફર્મ્સમાં ખૌફનો માહોલ છે.યુએસ ડિસ્ટ્રિક્ટ જજ બેરિલ હોવેલે(Beryl Howell) ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ટ્રમ્પ પાસે વિઝા પ્રોગ્રામની કિંમતમાં વધારો કરવાનો કાયદાકીય અધિકાર છે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સની દલીલોને ફગાવી દેતા જજે કહ્યું કે, આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ટ્રમ્પને કોંગ્રેસ દ્વારા વ્યાપક સત્તા આપવામાં આવી છે.H-1B વિઝા એ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી કુશળ કામદારોને રાખવાની મંજૂરી આપે છે.
ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝાના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે અત્યંત પડકારજનક સાબિત થઈ શકે તેમ છે. સૌથી મોટો આંચકો વિઝા ફીમાં થયેલો તોતિંગ વધારો છે, જ્યાં અત્યાર સુધી જે ફી 2,000થી 5,000 ડોલર રહેતી હતી, તે હવે સીધી વધીને 1 લાખ ડોલર સુધી પહોંચી શકે છે. આ સાથે જ, વર્ષોથી ચાલી આવતી પરંપરાગત લૉટરી સિસ્ટમનો પણ અંત આણવામાં આવ્યો છે, જેને બદલે હવે વધુ પગાર ધરાવતા કુશળ કામદારોને જ પ્રાથમિકતા આપતું નવું મોડલ અમલમાં આવશે. આ તમામ કડક નિયમો 27 ફેબ્રુઆરી, 2026થી લાગુ થવાની શક્યતા છે, જેની સીધી અસર અમેરિકામાં નોકરી કરતા લાખો ભારતીયો અને હાયરિંગ કરતી આઈટી કંપનીઓ પર પડશે.
Reporter: admin







